આપણે જયારે જગતના સૌથી પુરાતન ધર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે, આપના મનમાં સૌ પ્રથમ પ્રશ્ન ઉદ્ભવશે કે, ‘હિંદુ ધર્મ કેટલો પ્રાચીન છે?’ તો, મને લાગે છે કે આપણે આ ગંગા સમાન અલૌકિક ધર્મની ગંગોત્રી એટલે કે ઉદ્ગમ કે પ્રારંભથી જ આરંભ કરીએ!એક અંદાજ મુજબ વિશ્વમાં ૪૦૦૦ થી પણ વધુ ધર્મ છે (ફરીથી વાંચી જુઓ, ૪૦૦૦ જ લખ્યું છે!). લોકો ઘણી વખત ધર્મ અને શ્રદ્ધા એક હોવા વિશે ગુંચવણ અનુભવતા હોય છે જયારે કે મારું માનવું છે કે, બંને એકબીજાથી જોડાયેલા ચોક્કસ છે છતાં, અર્થની દ્રષ્ટીએ તદ્દન ભિન્ન છે. શ્રદ્ધા એ આપણી અને આપણા ઈશ્વર/ભગવાન/ગોડ/અલ્લાહ (આપણે ઈચ્છીએ એ નામ આપી શકીએ છીએ એ ઈશ્વરીય શક્તિને, છે ને?) વચ્ચેની અંગત બાબત છે. શ્રદ્ધા એ આપણું તરણું છે જે ઝાલીને આપણે જીવનની વૈતરણી પાર ઉતરી શકીએ છીએ; જયારે કે ધર્મ એક આખી અલગ જ વિભાવના છે. શ્રદ્ધાને કોઈ નિયમનાં બંધન હોતા નથી જયારે, ધર્મ તો છે જ નિયમો અને તેમનાં અનુસરણ વિશેનો ખ્યાલ.ધર્મ અને શ્રદ્ધા વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ તફાવત કોઈ હોય તો એ છે સમૂહ કે સમુદાય! શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે તો,ધર્મ એ અમુક ચોક્કસ માન્યતાઓ સાથે સહમત થતા એક આખા જન-સમૂહ દ્વારા અનુસરવામાં આવતા એકસમાન નિયમો કે પ્રણાલી છે. ધર્મમાં જન-સમુદાય સંકળાયેલ હોય એ પ્રથમ શરત છે! એ સમુદાય પોતાનાં ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અમુક ચોક્કસ પદ્ધતિઓ કે પ્રથાનું અનુસરણ કરે છે તેમજ એ નિયમોને અનુવાંશિક પરંપરા તરીકે સ્થાપિત કરે છે.
હિંદુ ધર્મ પણ એક ધર્મ જ છે તો, એવું શું છે જે તેને બીજા કરતા અલગ બનાવે છે? કદાચ, ‘તેનું ઉદ્ગમ’! ‘સનાતન ધર્મ’ માંથી તેનો ઉદ્ભવ ઈસવીસન પૂર્વે ચોથી સદી આસપાસ થયો છે. આ ‘વૈદિક ધર્મ’ની એક ખાસિયત એ છે કે, તેના કોઈ ચોક્કસ સ્થાપક નથી એટલે કે,જેમ સામાન્ય રીતે આપણે બીજા ધર્મોમાં જોઈએ છીએ એ પ્રમાણે હિંદુ ધર્મ કોઈ એક વ્યક્તિવિશેષ દ્વારા સ્થાપિત કરી લોકો સુધી પહોંચાડવામાં આવ્યો નથી
આપણે હિંદુ ધર્મનાં આધાર તરફ આગળ વધીએ એ પહેલા સનાતમ ધર્મ વિશે જાણવું અનિવાર્ય બને છે. સામાન્ય રીતે લોકો (ખાસ તો આ ઈન્ટરનેટ ને આકાશવાણી માની લેતા લોકો!:))સનાતન ધર્મ અને હિંદુ ધર્મ એક જ છે એમ માનતા હોય છે પરંતુ, ખરેખર એવું નથી. સનાતન ધર્મ સાગર છે તો, હિંદુ ધર્મ તેમાંથી ભરાયેલી ગાગર છે. સનાતન ધર્મ હિમશીલા છે તો, હિંદુ ધર્મ તેની ટોચ સમાન છે. એટલે કહી શકાય કે હિંદુ ધર્મની મુખ્ય વિચારધારાનાં મૂળ સનાતન ધર્મમાં રહેલા છે. સનાતન ધર્મ વિશે કહું તો, તેનો ઉદ્ભવ આજથી લગભગ ૧૫૫.૫૨ પરાર્ધ વર્ષ પૂર્વે (૧ પરાર્ધ = ૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ વર્ષ!ખાલી ૧૨ શૂન્ય જ છે એટલે બાકીનું ગણી લો જાતે!!) થયો હોવાનું માનવામાં આવે છે; જયારે હિંદુ ધર્મ આશરે ૫૦૦૦ વર્ષ પહેલા વૈદિક કાળનાં અંત સાથે,સનાતન ધર્મમાંથી જ સંશ્લેષિત કરવામાં આવ્યો હોવાની માન્યતા છે!સનાતન ધર્મનાં મૂળ માનવીય ઈતિહાસની તારીખોથી પણ પ્રાચીન હોવાને કારણે, બીજા ધર્મો વિશે આપણને જે સાબિતીઓ મળે છે, સનાતન ધર્મ વિશે તેવી કોઈ સ્પષ્ટ સાબિતીઓ આપણને આજે મળી શકતી નથી (એમ તો ઈશ્વર હોવાની પણ ક્યાં કોઈ સાબિતી છે, પણ ઈશ્વર છે ને?)બીજું એ કે, સનાતન ધર્મ એ લૌકિક તેમજ પારલૌકિક જીવનનાં સત્યોને શોધવા, અનુભવવા તેમજ તેને જીવવા પર વધુ કેન્દ્રિત છે. આ ‘અનાદિ-અનંત પ્રાકૃતિક સિધ્ધાંત’ કે જેને આપણે સનાતન ધર્મ તરીકે ઓળખીએ છીએ તેના વિશે જાણવા માટે વિશ્વ આજે ઇસવીસન પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦ વચ્ચે લખાયેલા વૈદિક શાસ્ત્રોને આધારભૂત સ્ત્રોત માને છે.
સમયાંતરે અને ખાસ તો વસતી વધારા સાથે, લોકોને જીવન જીવવામાં મદદરૂપ થાય કે સાચા માર્ગ તરફ દોરી જાય એવા કોઈક માર્ગદર્શનની જરૂર વર્તાવા લાગી. લોકો જીવન જીવવાનાં તેમજ મોક્ષ પામવાનાં વિવિધ માર્ગો વિશે જાણવા ઉત્સુક હતા. આ પણ એક કારણ હોઈ શકે કે, જીવન વિશેની અન્યોન્ય માર્ગદર્શિકા જેવા વેદો લખવામાં આવ્યા.
Image courtesy: https://www.ancient.eu/The_Vedas/
વૈદિક સાહિત્યને ‘અપૌરુષેય’(એટલે કે,કોઈ એક વ્યક્તિ દ્વારા જેનું સર્જન કરાયું નથી)માનવામાં આવે છે. ઘણાં તેને દૈવી સર્જન પણ ગણે છે છતાં, મારું માનવું છે કે, વેદો એ કાલાંતરે અનેક વિદ્વાનો એ અનુભવેલા અને અર્જિત કરેલા જ્ઞાનનું સંકલિત સ્વરૂપ છે. વેદોને શ્રુતિ સાહિત્ય પણ કહેવામાં આવે છે જે, માત્ર શ્રવણ દ્વારા પણ શીખી શકાય છે. પ્રાચીન ઋષીઓએ લાંબા સમયની સાધના તેમજ ધ્યાન દ્વારા મેળવેલ જ્ઞાન અને અનુભવો વડે જીવન અને જીવવા વિશેનાં ખ્યાલો સાધારણ મનુષ્યો સુધી પહોંચાડવા માટે વેદોનું સર્જન કર્યું.
વેદોનાં માધ્યમ વડે, હિંદુ ધર્મ જીવનનાં લગભગ તમામ પાસાઓને આવરી લે છે. ચારે ચાર વેદો, મનુષ્યએ વ્યક્તિગત ધોરણે કે પછી એક સમાજ તરીકે કઈ રીતે સદાચારી તેમજ અર્થપૂર્ણ જીવન જીવી શકાય તે વિશેની માર્ગદર્શિકાઓની ગરજ સારે છે.
ઋગ્વેદ – સૌથી પ્રાચીન એવા આ શાસ્ત્રમાં વિવિધ હિંદુ દેવી-દેવતાઓને સમર્પિત એવા ૧૦૨૮ સુકતો કે ઋચાઓમાં કૂલ ૧૦,૬૦૦ મંત્રો રહેલા છે.રોજબરોજની દિનચર્યામાં સર્વાધિક ઉચ્ચારવામાં આવતો, ઋષિ વિશ્વામિત્ર લિખિત,વિશ્વ પ્રસિદ્ધ “ગાયત્રી મંત્ર” પણ અહીં ઋગ્વેદમાં જ લખાયેલો છે.
તદુપરાંત, બ્રહ્માંડ, બ્રહ્માંડ ની વ્યુત્પત્તિ,આપણું અસ્તિત્વ, ઓળખ, જીવનમાં દાનનું મહત્વ, સમય, અવકાશ વગરે જેવા ઘણાં જ અમૂર્ત વિષયોની ચર્ચા પણ આ અતિ પ્રાચીન ભારતીય લખાણમાં જોવા મળે છે!
‘નાસદીય સૂક્ત’ તરીકે ઓળખાતી ઋચાઓ ભારત સિવાય પણ વિશ્વનાં ઘણાં જ ભાગોમાં પ્રસિદ્ધ છે. તેનું કારણ એ કે, તેમાં બ્રહ્માંડની રચના તેમજ તેનાં વિસ્તરણ વિશેનાં સિદ્ધાંતો વગેરેની માહિતી છે. આ જ કારણથી તેને ‘સર્જનનાં સૂક્ત’તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે પણ આ વૈદિક દર્શનશાસ્ત્ર ઘણાં જ વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર બની રહ્યું છે.
https://www.scienceandnonduality.com/article/the-influence-vedic-philosophy-had-on-nikola-teslas-idea-of-free-energy
સામવેદ – ઋગ્વેદ અને સામવેદને એક યુગલ ગણવામાં આવે છે! સામવેદની ઋચાઓને ગાયન દ્વારા શીખવામાં આવે છે, આ વાત તેને બીજા વેદોથી અલગ બનાવે છે. વિશ્વમાં રહેલ દરેક પ્રકારના સંગીતનાં મૂળ સામવેદમાં રહેલા છે. ઋગ્વેદનાં ૧૮૭૫ શ્લોકોને અહીં સ્વરોમાં ઢાળવામાં આવ્યા છે. સામવેદ જ્ઞાન તરીકે રહેલી માહિતીની સાથે સાથે ભાવનાઓની શક્તિનાં મહત્વ પર ભાર મૂકે છે.
આપણા દ્વારા ઉચ્ચારવામાં આવતા દરેક શબ્દનાં દરેક વર્ણનો પોતાનો પ્રભાવ છે એ વાતનાં મૂળ આપણને અહીં મળે છે. સંગીતનાં સ્રોત સમાન આ વેદમાં, ઋગ્વેદમાંથી લેવામાં આવેલ પરમાત્માની પ્રશસ્તિ વિશેનાં શ્લોક જોવા મળે છે, જેમાં જે-તે દેવની આરાધનામાં કહેવામાં આવેલા શબ્દોની વાસ્તવિક ભાવનાઓ વ્યક્ત થાય છે. આપણે કહી શકીએ કે, સામવેદમાં દર્શાવેલ ખાસ લય કે ઢાળ વડે ગાવામાં આવે છે ત્યારે, ઋગ્વેદની ઋચાઓ જીવંત થઇ ઉઠે છે!
યજુર્વેદ – સમયાંતરે, હિંદુ ધર્મમાં અનેકવિધ ધાર્મિક વિધિઓ ઉમેરવામાં આવે છે. યજુર્વેદ એ વિવિધ પૂજાવિધિ દરમિયાન સમર્પિત કરવામાં આવતા મંત્રો અને ક્રિયાઓ વિશેનો વેદ ગણવામાં આવે છે.તેમાં પંડિતો (પૂજાવિધિ કરાવનાર) દ્વારા ધાર્મિક વિધિ કરાવતી વખતે ખાસ રીતે ઉચ્ચારવામાં આવતા મંત્રો સંકલિત કરવામાં આવ્યા છે.
આપણે હિંદુ ધર્મની મોટા ભાગની વિધિઓમાં અગ્નિની હાજરી જોઈ શકીએ છીએ. તેનું કારણ એ કે, હિંદુ ધર્મમાં અગ્નિને બીજા દેવતાઓ સુધી પહોંચવાનો માર્ગ કે મુખ ગણવામાં આવે છે માટે જ, અલગ અલગ પૂજા વિધિઓ દરમિયાન વિવિધ દેવતાઓ માટેનાં ભોગ કે નૈવેદ્યને અગ્નિમાં સમર્પિત કરવામાં આવે છે. આ ક્રિયાને આપણે ‘યજ્ઞ’ તરીકે ઓળખીએ છીએ! યજુર્વેદને તેમાં રહેલા મંત્રોની ચોક્કસાઈ તેમજ લયબદ્ધતાનાં આધારે તેમની ગોઠવણ અનુસાર, ‘શુક્લ યજુર્વેદ’ અને ‘કૃષ્ણ યજુર્વેદ’ એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. સર્જનની ભૂમિકા સમાન હોવાનાં કારણે જ, ઋગ્વેદનાં કુલ ૬૬૩ મંત્રોને તેમનાં મૂળ સ્વરૂપે જ યજુર્વેદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. હું માનું છું કે, અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જ રહ્યો કે,પશુ-પક્ષી કે માનવનું બલિદાન કરવું, પૂજાવિધિમાં મદ્ય કે દારૂ નો પ્રયોગ કરવાનું કે દેવી-દેવતાઓને ખુશ કરવા માટે કોઈ પણ અનૈતિક પ્રક્રિયાઓનું સમર્થન કે જરા સરખો પણ નિર્દેશ યજુર્વેદમાં નથી જ!!
અથર્વવેદ – તેને અંતિમ તેમજ સર્જનની સમયરેખા ને આધારે આધુનિકત્તમ વેદ માનવામાં આવે છે. તેમાં ૫૯૮૭ મંત્રોનો સમાવેશ થાય છે. જેમાં ઋગ્વેદનાં મંત્રો તો છે જ તદુપરાંત, અથર્વવેદમાં ભાષાઓ, ભૂગોળ, આધ્યાત્મિકતા, રાજકારણ, લગ્ન, સ્વપ્નોનાં અર્થઘટન, આકર્ષણનો સિદ્ધાંત, આતિથ્ય, અંતિમ સંસ્કાર, સંમોહનની કળા, જાદુઈ પ્રયુક્તિઓ વગેરે જેવા વૈવિધ્યપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
ઘણાં તેને ‘ચમત્કારિક મંત્રો’નાં વેદ તરીકે પણ ઓળખે છે પણ, એક વાતની સ્પષ્ટતા હું ચોક્કસ કરવા ઈચ્છું છું કે, અમુક લોકો તેને કામણ-ટુમણ કરવા માટેનાં કાળા જાદુનાં પુસ્તક તરીકે જ ઓળખે છે તો એ સદંતર ખોટો ખ્યાલ છે. અથર્વવેદ સંપૂર્ણતઃ પવિત્ર મંત્રોનો જ સંગ્રહ છે. એટલું જ નહીં, શલ્ય ચિકિત્સા (સર્જરી) સહીતનું સંપૂર્ણ આયુર્વેદ કે જેને આજે સમગ્ર વિશ્વ એક શ્રેષ્ઠત્તમ ચિકિત્સા પદ્ધતિ તરીકે સ્વીકારી ચુક્યું છે, તે પણ અથર્વવેદ તરફથી જ મળેલ એક અમૂલ્ય ભેંટ છે.ચમત્કાર વિશે જાણવું જ હોય તો, અહીં અથર્વવેદમાં વિવિધ બીમારીઓનો ઈલાજ માટેનાં મંત્રો આપેલા છે!(હા, આ જ કદાચ એ ચમત્કાર છે જેની શોધ વિશ્વ હજુ સુધી કરી રહ્યું છે!)
આ સિવાય, સંખ્યાઓ, દશાંશ પધ્ધતિ, ઘાત અને ઘાતાંક વગેરે જેવી ગાણિતિક અભિવ્યક્તિઓનો મૂળ સ્ત્રોત પણ આ પવિત્ર ગ્રંથ હોવાનું જાણવા મળે છે!
તો, મને લાગે છે કે, હિંદુ ધર્મ એ આવરેલા બહોળા વિસ્તારની એક ઝલક તરીકે વેદોનો આ સંક્ષિપ્ત પરિચય પર્યાપ્ત છે!હિંદુ ધર્મને આપણે જ્ઞાનનાં માર્ગ થકી, આપણી આખરી મંઝીલ સુધી પહોંચાડનાર સાધન કહી શકીએ.હું માનું છું કે, સમગ્ર વિશ્વમાં તમને મનગમતા સાધનો પસંદ કરી, જ્ઞાનમાર્ગે આગળ વધી, પરમાત્મા સુધીની યાત્રા ખેડવાની સંભાવ્યતા આપતો એકમાત્ર ધર્મ છે,હિંદુ ધર્મ!
0 Comments