પુરુષ અને સ્ત્રી – એકબીજાથી ચઢિયાતાં કે સમાન?

men vs women swatisjournal article relationship

મનુષ્ય કુદરતનું શ્રેષ્ઠત્તમ સર્જન છે એમ માનીએ ત્યારે આપોઆપ જ એ સ્વીકારીએ છીએ કે, તેનામાં પણ ઈશ્વરીય અંશ છે. પ્રકૃતિએ માણસને આ દિવ્યતા આપતા પહેલાં એ સ્ત્રી છે કે પુરુષ એવો કોઈ પક્ષપાત કર્યો નથી કેમકે, વ્યક્તિનું સ્ત્રી કે પુરુષ હોવું એ તેનાં કાર્યની વહેંચણીનો એક ભાગ માત્ર છે એમ મારું માનવું છે. એટલે કે બીજા સજીવોની માફક જ આપણે પણ કોઈ નિશ્ચિત કામ કરવા માટે જ અહીં છીએ. તો, નૈસર્ગિક કાર્યોની પૂર્તિ માટેનાં સાધનો વચ્ચે કોઈ સ્પર્ધા કે સરખામણી શક્ય છે ખરી? આપનો જવાબ મને લખશો જરૂર.

Enjoy reading a new article in the series – With love, Swati. If you prefer to read it in English, Click Here.

પુરુષ અને સ્ત્રી – એકબીજાથી ચઢિયાતાં કે સમાન?

આ એક એવો સનાતન પ્રશ્ન છે કે જેના વિશે લખવું, વાંચવું કે ચર્ચા કરવાનું વર્ષોથી ચલણમાં છે. અને છતાં, આનો સર્વસંમતિથી કોઈ એક જ જવાબ મળતો હોય તેવું લાગતું નથી. તો, ચાલો આજે આપણે પણ આ રસપ્રદ વિષય પર થોડું મનન, મંથન કરીએ.

પુરુષો અને સ્ત્રીઓ વિશે સામાન્ય ધારણાઓ!

આમ જોવા જઈએ તો આ વિષય પર એટલું બધું કહેવાય ચુક્યું છે કે, હવે આપણે તેનાં પર શું વાત કરીશું એ અહીં ઘણાને પ્રશ્ન થશે. સોશિયલ મીડિયાની કૃપાથી સ્ત્રી કે પુરુષ કેટલા મહાન છે, કેટલો ત્યાગ કરે છે, કેટલા અન્યાયનો ભોગ બને છે, સંબંધોમાં કેટલા ખરપાય છે કે કેટલો ફાયદો ઉઠાવે છે વગેરે વિષયો પર બંનેને ઉચિત ઠેરવતી અઢળક માહિતીનો ભંડાર ઉપલબ્ધ છે.

સ્ત્રી એટલે શું? તેનાં અનેક અર્થઘટન, એવું જ પુરુષ એટલે શું? તેનાં પણ પાર વિનાનાં સ્પષ્ટીકરણ, મારા મતે આ બધું સાધારણ માણસને ગૂંચવી દે છે અને ધીમે ધીમે પોતાનાં અમુક (હા, સાવ જૂજ) અનુભવોને આધારે પૂર્વગ્રહો વડે ગ્રસિત થતા જાય છે.

આવું થવાનાં અંગત નુકસાન તો છે જ પરંતુ, સામાજિક સ્તરે પણ ઘણો મોટો ફર્ક પડે છે. આજકાલ સંબંધો વિશે સમાજનાં જાહેર જીવનને અસર કરતાં એવા અમુક પ્રતિષ્ઠિત લોકોનાં વિચારો સાંભળ્યા કે વાંચ્યા બાદ, સાધારણ રીતે વાતને વધુ સમય કે મનન આપ્યા વિના જ સ્વીકારી લેતો વર્ગ એ વાતોને વધુ ગંભીર રીતે લઇ લે છે. એવામાં સ્ત્રી કે પુરુષનાં અરસ-પરસ કે પછી બીજા લોકો સાથેના સંબંધોનો પાયો ધીમે ધીમે નબળો પડે છે એ જવલ્લે જ કોઈ જોઈ કે નોંધી શકે છે.

ટૂંકમાં, સ્ત્રી અને પુરુષ માટેનાં કોઈ ખાસ લોકોનાં મત કે મંતવ્યો વડે આખા સમાજમાં એકબીજા પરના વિશ્વાસનું મૂળ તત્વ ખંડિત થાય તો એ વિચાર માગી લે એવી વાત નથી લાગતી આપને?

એવા ગુણો કે જે આપણને સારા માણસ બનાવે છે!

વ્યક્તિગત રીતે આપણે કોઈના સ્ત્રી કે પુરુષ હોવાને વિશેષ મહત્વ આપીએ છીએ ત્યાંથી જ આખી સમસ્યા શરુ થાય છે એવું મારું માનવું છે. કૌશલ્યો, ખામીઓ, સકારાત્મકતા કે નકારાત્મકતા, નબળાઈઓ, મહાત્વાકાંક્ષાઓ, આનંદ, દુષ્ટતા, ભલમનસાઈ, ચારિત્ર્ય આમાંથી એકપણને વ્યક્તિનાં સ્ત્રી કે પુરુષ હોવા સાથે કોઈ જ પક્ષપાત કે પ્રતિકાર નથી. અને શું તમે પણ સહમત નથી કે, આ અહીં લખાયેલા શબ્દો એ જ ગુણ કે મૂલ્યો છે જે માનવ જીવનને સાર્થક કરવા માટે પૂરતાં છે?

પુરુષો અને સ્ત્રીઓની તુલના કેમ?

તો, આના સિવાય કઈ એવી બાબતો છે જેનાં માટે આપણે સ્ત્રી કે પુરુષને એકબીજા સાથે સરખાવીને કોણ ઊંચું કે કોણ નિમ્ન એ સાબિત કરતા રહીએ છીએ? કુદરતી રીતે એક ગુણવત્તાયુક્ત જીવનનાં ઘડતર માટે જે કંઈ પણ જરૂરી છે એ સ્ત્રી અને પુરુષ બંને પાસે છે જ. તો, સ્ત્રી VS. પુરુષ એ આખો ખ્યાલ જ ઉચિત નથી લાગતો મને.

જયારે પણ સ્ત્રી ને પુરુષની કે પુરુષને સ્ત્રીની વિરુદ્ધ ઉભેલા જોઈએ ત્યારે સમજવાનું કે એ સ્વભાવગત લક્ષણો કે ત્રુટીઓને કારણે હોઈ શકે, જેમાં એમની આસપાસનાં વ્યક્તિઓ અને સંજોગોનો જ હાથ હોય છે. બાકી, નૈસર્ગિક રીતે બંનેનું સર્જન બીજા બધા સજીવોની માફક જ પ્રાકૃતિક વ્યવસ્થાને મજબુત કરવા તેમજ એકબીજાને સહાયક બનવા માટે થયેલું છે. આપણે મનઘડંત વિચારોનાં આરોપણ અને માવજત વડે જ કુદરતની શ્રેષ્ઠત્તમ રચનાને તુચ્છ અને સંપૂર્ણ બિનજરૂરી સ્પર્ધાનો ભાગ બનાવી દઈએ છીએ.

નારીવાદ – શું તે વાસ્તવિક છે?

લોકો કે જે સ્ત્રી અને પુરુષને એકબીજાનાં વિરોધી તરીકે નથી જોતાં (છતાં, સ્પર્ધક તરીકે તો જુએ જ છે!) એમનો વળી નવો તર્ક છે કે બંને સમોવડિયા કે સમાન હોય છે. લગભગ દુનિયાની મોટાભાગની વસ્તીમાં સમાજ હજી પુરુષપ્રધાન જ હોવાથી, આ માન્યતા સર્વસ્વીકૃત બની નથી અને એટલે આ સાબિત કરવા માટે ‘નારીવાદી’ એવો એક આખો વિશિષ્ટ જનસમુદાય અસ્તિત્વમાં આવ્યો છે.

લોકોની આ નવી વિકસેલી માનસિકતાને વ્યાપાર બનાવતા લોકો આખા ખ્યાલને હવા આપવા માટે રીતસર આર્થીક રોકાણ, પ્લાનિંગ કરે છે, જાહેરાતો, વાર્તાઓ, કિસ્સાઓ અને તેનું નિરૂપણ કરવા માટે ખરીદાયેલા પ્રતિષ્ઠિત, જાણીતા ચહેરાઓ આ બધા સાથે મળીને સરવાળે સાધારણ લોકનું રીતસરનું બ્રેઈનવોશ કરે છે અને આગળ કહ્યું એમ વધુ વિચાર કર્યા વિના એમને ગમતાં, માનીતા અને આબરૂદાર લાગતા લોકોની વાત સ્વીકારી આપણો કોમન મેન (સ્ત્રી કે પુરુષ કોઈ પણ) જે-તે વિચારસરણીને અનુસરવા લાગે છે.

આજકાલ પોતાને ‘નારીવાદી’ કહેવડાવવું એ સન્માનનીય વાત ગણાય છે. લગ્ન માટે નારીવાદી પુરુષ પસંદ કરતી આપણી કન્યાઓને લગ્ન પછી એ પુરુષ બીજી નારી વિશે ન્યાયિક વાતનું સમર્થન કરે એ પાલવતું નથી, જે સ્હેજ! ? આ તો થઇ થોડી ગમ્મત! બાકી, વ્યક્તિગત રીતે જગતનો કોઈ સજીવ પોતાનાં મૂળભૂત લક્ષણો ન બદલી શકે એ સ્ત્રી અને પુરુષ બંને માટે પણ એટલું જ સહજ અને સત્ય છે.

અસ્તિત્વનો હેતુ!

સ્ત્રી અને પુરુષ બંનેને સરખા કહી જ ન શકાય એ મારો અંગત મત છે કેમકે, તમે અગ્નિ અને જળ કે ધરતી અને આકાશ કે પછી બીજા કોઈ પ્રાકૃતિક તત્વોને એકસરીખા કહી શકો ખરા? જવાબ ચોક્કસ રીતે ના જ છે.

સ્ત્રીમાં ધરતીની જેમ સહનશીલતા, સમૃદ્ધિ, જતન, ફળદ્રુપતા (માત્ર બાળકોનું સર્જન કરવાની જ નહીં, તેનું સિંચન કરવાની વૈચારિક ફળદ્રુપતા પણ) અને સ્થિરતા નૈસર્ગિક હોય છે. સામે આકાશની માફક વિશાળતા, સ્વસ્થતા, પોષવાની વૃત્તિ, આશ્રય આપવો વગેરે પુરુષનાં કુદરતી ગુણો છે.

બંને સાથે હોવાનો આશય પ્રકૃતિનું સંતુલન જળવાય એ છે. આ જ પ્રાકૃતિક સંતુલન નાના સ્કેલ પર જોઈએ ત્યારે સમજાય કે સ્ત્રી અને પુરુષનાં પોતપોતાનાં ગુણ-દોષ સાથેનાં સહ-અસ્તિત્વને સ્વીકારી સાથે કામ કરવાને લીધે જ સમાજ કે કુટુંબનું પણ સંતુલન બનેલું રહે છે. અહીં સાથે કામ બંને એ કરવાનું છે. આપણે ત્યાં આજકાલ કમાવું એટલે જ કામ કરવું એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે.

તેને બદલે સ્ત્રી કે પુરુષ તરીકે બાળક, ઘર કે રસોડું સંભાળવાથી લઈને અર્થોપાર્જન જે કંઈ પણ હોય પરંતુ, જેને ભાગે જે કામ આવ્યું છે એ પૂરી નિષ્ઠાથી કરવું અને બીજાનાં કામને પણ સન્માનનીય ગણવું એ અત્યંત જરૂરી છે. અને આ કામ નિષ્ઠાપૂર્વક કરવામાં કે એકબીજાનાં પ્રયત્નોને સન્માનનીય ગણવા માટે કોઈનુંએ સમોવડિયું કે એકબીજાથી ચઢિયાતું હોવું જરૂરી છે ખરું?

તો, મારી દ્રષ્ટીએ આ આખી વાતનો સાર એ જ કે, સ્ત્રી અને પુરુષ બંને વ્યક્તિગત ક્ષમતા કે સામર્થ્યનાં માપદંડોને આધારે રીતે સંપન્ન, સંપૂર્ણ અને સ્વતંત્ર છે અને છતાં પણ કોઈ પણ સર્જનાત્મક કાર્ય, ચાહે એ જીવનનું ઘડતર હોય કે સમાજનું ઘડતર એ બંનેનાં સાયુજ્ય વિના અધૂરું છે એટલે, સર્જન કે સંવર્ધન માટે બંને એકબીજાનાં પૂરક છે. સ્ત્રીને સર્જક ગણીએ તો પુરુષ એ સર્જનનો પોષક છે! પ્રકૃતિ કારણ છે તો, સ્ત્રી અને પુરુષ બંને કર્તા છે. એટલે, ઉપયોગીતા કે સાર્થકતાને આધારે મૂલવીએ ત્યારે સ્ત્રી VS. પુરુષ કે સ્ત્રી = પુરુષ એટલા વાંછનીય નથી જેટલા સ્ત્રી + પુરુષ શ્રેયસ્કર છે!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • One Comment
    1. વાહ ! સુંદર લેખ .
      એક સ્ત્રી ને પુરુષ સમોવડિયું બનવાની જગ્યા એ એના પૂરક બનવું .સ્ત્રી એ પુરુષ સાથે કે પુરુષ એ સ્ત્રી સાથે સ્પર્ધા કર્યા વિના એક બીજા ના પૂરક સહભાગી બની સંસાર અથવા તો માનવજીવન ને ઉજાગર કરવાનું છે .

      -દશરથ.

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal