કહે જો તું તો!  – A Gujarati Poem

Written by Swati Joshi

January 28, 2020

બંધન કેરાં મેઘ તણો છો હો આડંબર;

કહે જો તું તો,

મેઘધનુષ થઇ આપણ થોડું ફોરી લઈએ!

પ્રતિબંધોનાં બળબળતા ઉદ્દંડ ઉનાળે;

કહે જો તું તો,

લીલુડાં મનથી થોડું-થોડું મ્હોરી લઈએ!

સાંજ ઢળે, આ આગ સ્નેહની ઠરતા પહેલા;

તું હાથ પકડ તો,

આપણ હૂંફ હૈયે સંકોરી લઈએ!

સંબંધોનાં પલડે, લાગણી લોકો છો ને તોળ્યા કરતા;

કહે જો તું તો,

ખોબો-ખોબો હેત પરસ્પર વહોરી લઈએ!

સમય-વંટોળે હસ્તીની વેળુ ઉડતા પહેલા;

કહે જો તું તો,

આતમ-દ્વારે નામ મજિયારા કોરી લઈએ?

* હસ્તી = અસ્તિત્વ , વેળુ = રેતી , મજિયારા = સાથે , કોરી લેવું = કંડારી લેવું 

કંઇક થોડી દાનત અને કંઇક નિયતિ આ બંનેનું સંયોજન સ્નેહ સંબંધોની ભૂમિકા તો બાંધી દે છે પરંતુ, તેમાં સંગાથે આગળ વધવા અને તેને નિભાવવા માટે ચપટી ચાહત કામ નથી આવતી, તેમાં ટનબંધ તૈયારી (willingness) કામે લગાડવી પડે છે ત્યારે કોઈક મુકામે પહોંચવું શક્ય બને છે! એટલે, ડગલે ને પગલે કહેતા રહેવું પડે કે, કહે જો તું તો…!
DO YOU LOVE READING ?

DO YOU LOVE READING ?

As much I love writing these stories, I'd love to connect with Readers like You! Subscribe to monthly updates. You'll find my short stories, articles that I publish every month in your Inbox. I promise not to SPAM.

You have Successfully Subscribed!

Copy link