Read a lovely Poetry in Gujarati by Guest writer Rahul Desai. Cover image credit – hindu god wallpaper.
રાધાના પ્રેમનો પુરાવો છે આ વાંસળી,
રાધાના શ્વાસની સુગંધ છે આ વાંસળી,
રાધાના ઝાંઝરનો રણકાર છે આ વાંસળી,
રાધાના સ્પર્શનો એહસાસ છે આ વાંસળી,
રાધાના મીઠા અવાજનો કલરવ છે આ વાંસળી,
રાધાના વિરહનો પડકાર છે આ વાંસળી,
રાધાના અશ્રુની ધાર છે આ વાંસળી,
એટલે જ કદાચ વિરહના વિયોગ ને જાણવા ત્યાગી કૃષ્ણએ આ વાંસળી.
જયારે કૃષ્ણએ વ્રજ છોડ્યું, ત્યારે શું વીતી હશે એમના ઉપર અને એમની રાધાના હૃદય પર!
રાધા, કૃષ્ણ અને વાંસળી આ ત્રણેનો સંબંધ ખૂબ ગાઢ છે. જયારે કૃષ્ણ વ્રજમાં હતા ત્યારે, એમને રાધા અને વાંસળી ખૂબ જ વ્હાલા હતા. જયારે જયારે કૃષ્ણ વાંસળી વગાડતા, એમને રાધાનું સ્મરણ થતું. અને રાધા ને પણ એ વાંસળી મોહિત કરતી હતી. જેટલો પ્રેમ કૃષ્ણને વાંસળી પ્રત્યે હતો, એટલો જ પ્રેમ એમને રાધા પ્રત્યે પણ હતો. કેટલીક એવી ક્ષણો છે જ્યાં યમુના કિનારે રાધા અને કૃષ્ણ બંને નિ:શબ્દ બેઠા રહેતા હતા અને કૃષ્ણની વાંસળી થી નીકળતા મધુર સૂર ને રાધા મન મુકીને માણતી હતી. એ એટલી લીન થઇ જતી હતી કે માનો એ વાંસળીના સૂર ને નહીં, પણ કૃષ્ણનાં હૃદયમાં લાગણી બનીને વહી રહેલા એ રક્તનો અનુભવ કરતી હતી. કૃષ્ણ જયારે વાંસળી વગાડતા ત્યારે એમાંથી નીકળતા સૂરમાં, કૃષ્ણની રાધા પ્રત્યેની લાગણી હતી, એ જયારે ના મળે ત્યારે એનો વિરહ હતો.
સાંજે જયારે સૂરજ આથમતો હોય અને યમુનાના જળ ને એના સોનેરી રંગમાં રંગતો હોય અને એવા રળિયામણા વાતાવરણમાં જયારે કૃષ્ણ એની વાંસળીના સૂર થી રાધાના હૃદય અને મનને સ્પર્શ કરે છે, એ અસ્પૃશ્ય પ્રેમ નો પણ સાક્ષી એ વાંસળી છે. જયારે જયારે કૃષ્ણ એ વાંસળીનો સૂર છેડ્યો છે, ત્યારે ત્યારે રાધા ઘેલી થઈને એ સૂરની દિશામાં દોડી જતી. એ એક અદભુત પ્રેમ હતો જે કૃષ્ણની વાંસળીથી નીકળતો અને રાધાનાં હૃદયમાં જઈને વસી જતો. જયારે કૃષ્ણએ વ્રજ છોડ્યું ત્યારે એમણે એ વાંસળી પણ ત્યાં જ છોડી દીધી કારણ, એ વાંસળી સાથે એમની રાધાની યાદો હતી.કૃષ્ણની વાંસળી અને રાધાનાં ઝાંઝરના સૂર જયારે સાથે વાગતા, એવું લાગતું જાણે હવામાં અદ્ભુત તરંગો ફેલાઈ ગયા છે.
જયારે જયારે કૃષ્ણને વ્રજ યાદ આવતું, ત્યારે ત્યારે એમને એમની રાધા અને વાંસળીની યાદ આવતી હશે. એટલે જ એ વાંસળી કદાચ રાધાના પ્રેમનો પુરાવો હશે. વાંસળી એ રાધાના અનમોલ અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે. યમુના કિનારે જયારે રાધા-કૃષ્ણ રાસ રમતા અને ત્યારબાદ, કૃષ્ણનાં ખભા પર માથું મૂકીને પોતાનો થાક ઉતારતી એ રાધાના દરેક શ્વાસમાં કૃષ્ણને એની વાંસળી ના સૂરનું સ્મરણ થતું હતું.
એ વાંસળી સાક્ષી છે રાધા-કૃષ્ણનાં પ્રેમની અને એમના વિરહની! એટલે જ આ ત્રણેય નો સંબંધ ખૂબ જ ગાઢ છે. જયારે રાધાને કૃષ્ણની યાદ આવતી હશે, ત્યારે કદાચ એની સાથે એ વાંસળી પણ રડી પડતી હશે કૃષ્ણ ના વિરહમાં!! કૃષ્ણ વિના જયારે રાધા યમુનાનાં તટ પર બેસીને રડતી હશે, ત્યારે એની સાથે રહેલી એ વાંસળીને કૃષ્ણ બની એનો સૂર વગાડવાનું મન થતું હશે.
પ્રેમ અને એનો વિરહ કેવો હોય, એ રાધા, કૃષ્ણ અને એની વાંસળીથી વધારે કોઈ તમને નહીં સમજાવી શકે.
ગુજરાતી ભાષા માં સરલ રજૂઆત.અભિનંદન.
Thank you very much!
અદ્ભૂત પ્રેમની અદ્ભૂત કહાની.. ખૂબ સરસ ..સમજાય એ રીતે વર્ણન કર્યું છે