સમજાય નહીં! – Gujarati Poetry

gujarati-poetry-samjay-nahi

પ્રેમનાં નામે કેટલું બધું જટિલ કહેવાતું, સમજાતું અને સમજાવાતું હોય છે પરંતુ, જે અટપટું છે એ પ્રેમ નહીં પણ, લોકોએ ઉભા કરેલા વ્યવહારો છે. બસ, મને તો આટલું જ સમજાય છે. અને તમને?

આ બે મટીને એક થવું ને એકમેક માં ભળી જવું,
આ પ્રેમનાં નામે આવું અઘરું, સાવ મને સમજાય નહીં!

જો તું તું છે ને હું હું છું; તો આપણ-આપણ શાને રમવું?
આ ‘બેબી’, ‘જાનુ’, ‘લવ’ કે ‘ડાર્લિંગ’, સાવ મને સમજાય નહીં!

તું ચાહે એ હું આપું અને જે જોઈએ હું માગી લઉં,
આમ અસમંજસમાં ગગન તાકવું, સાવ મને સમજાય નહીં!

હા એ હા અને ના પણ હા? કોયડા બધા છે અઘરા બહુ,
ગ્રીવાનું જમણું-ડાબું નર્તન, સાવ મને સમજાય નહીં!

ભેંટ-સોગાદો, વ્રત ને વાયદા; સાબિતીનાં સાધન સહુ,
‘પ્રેમ કરું છું’,ક્યાં લખ્યું છે? સાવ મને સમજાય નહીં!

મળવા-ગમવાની તારીખો ને ગણે સંગે વિતતા વર્ષો સૌ,
આ જીવન છે કે કેલેન્ડર? સાવ મને સમજાય નહીં!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 9 Comments
      1. Thank you!

        બસ, આ દંભ જ માણસોનું ઓરીજીનલ લક્ષણ છે, જે મને બિલકુલ સમજાતું નથી… :) :)
        બાકી, તમે કહો છો એમ પ્રેમ દરેક જીવનો મૂળભૂત સ્વભાવ છે એમાં અલગથી કોઈ વ્યવહારની ક્યાં જરૂર જ છે?

    1. કાવ્યમાં બે વાત મિશ્ર છે, મુખ્ય વાત દંભની અને બીજી લગની-વિચારોની અભિવ્યક્તિ બોડી લેન્ગ્વેજ દ્વારા કરવા અંગેની છે.બોડી લેન્ગ્વેજ તો માનવજાતની ઉત્ક્રાંતિ દરમ્યાન સ્વાભાવિક વિકાસ પામી છે,વાલી સમાન અભિવ્યક્તિ માટે પ્રદેશ અને પ્રજાતિ વાર તેમાં^ વૈવિધ્ય જોવા મળે છે.ઘણી વાર શબ્દો કરતાં મુદ્રાઓ વધુ અસરકારક બની રહેતી હોય છે જેમાં કે કોઈ દુ;ખી મિત્રનો ખભો થાપથાપાવવો, દર્દીને હૂંફાળો સ્પર્શ કરવો વગેરે. એથી ઉલટું, ગુસ્સો કે નારાજગીની અભિવ્યક્તિમાં પણ જેસ્ચર્સ વધુ કાતિલ બને છે. ટૂંકમાં, બોડી લેન્ગ્વેજા અને ચહેરાના હાવભાવ દ્વારા અભિવ્યક્તિ એ પણ સ્વાભાવિક અને સ્વીકૃત બાબત બની ગઈ છે.બાકી તેમાં^ પણ દંભ તો હોઈ જ શકે.

      1. તમારી એ વાત સાચી કે વાણી કરતાં વર્તન એટલે કે સ્પર્શ અને હાવભાવ દ્વારા થતી અભિવ્યક્તિ ઘણી વખત વધુ અસરકારક રહે છે. અને અહીં મેં જે વ્યક્ત કર્યું છે એ જીવનસાથી તરીકે જીવતા બે પાત્રોની લાગણીઓ દર્શાવવાની રીતની વાત છે. જ્યાં, અમુક વર્ષો સાથે રહ્યા પછી કદાચ શબ્દો એટલા મહત્વના રહેતા નથી (એમાં પણ સમય અને સંજોગો ભાગ ભજવે છે, બાકી મહત્વ તો રહેવાનું જ!) હા, હાવભાવ અને સ્પર્શ આજીવન જરૂરી હોય છે પરંતુ, તેની કોઈ મોસમ કે વાર-તહેવાર મુજબની અભિવ્યક્તિ જરૂરી નથી એમ મને લાગે છે. કોઈ વ્યક્ત કરી શકતું હોય તો એ ખુબ સારી વાત કહેવાય પરંતુ, જેઓને એમ કરવાની તક નથી મળતી કે જેઓ સ્વભાવગત રીતે કરી શકતા નથી એમને લાગણી નથી એમ તો કેમ કહી શકાય?

        આજકાલનાં સમયમાં ચાલી રહેલ આવી ફરજીયાત અભિવ્યક્તિઓનો દુરાગ્રહ મને દંભ લાગે છે અને ખરેખર નથી જ સમજાતો…

    2. માનવમનનો અભ્યાસ હોય તો હાવભાવ અને સ્પર્શ, બોડી લેન્ગ્વેજ માં રહેલ દંભ પારખી સમજાઈ જાય. સ્ત્રીઓમાં તો આ કુદરતી શક્તિ-સિકસ્થ સેન્સ પ્રબળ હોય છે.

      1. સ્ત્રીઓમાં એ દંભ પારખવાની શક્તિ હોય એ સાચું પણ, ઘણીવાર ચડસા-ચડસીમાં સ્ત્રીઓ જ આવા વાયારાઓને વેગ આપવામાં મદદ કરતી હોય છે. પુરુષ સામાન્ય રીતે આવી હોડથી દૂર રહેતા હોય છે…. ‘તમારા ભાઈએ મને જન્મદિવસે ૨ તોલાનું મંગળસૂત્ર કરાવી આપ્યું!’, આનાથી સાંભળનારી મહિલાઓનાં મનમાં પણ ૨ નહીં તો ૧/૨ તોલાની અપેક્ષા તો વવાઈ જ જાય છે અને પછી કદાચ ન શક્ય બન્યું તો, ‘તમારા ભાઈને હવે બહુ લાગણી નથી’ થી લઈને ‘પોસાતું નથી તો ફલાણા ખર્ચા કેમ કર્યા?’ આવું બધું શરુ થાય છે…

        સ્ત્રીઓ કદાચ વધુ લાગણીશીલ હોવાને લીધે અભિવ્યક્તિની અપેક્ષા રાખતી હશે.. એ કુદરતી કહેવાય પણ, આ જ એ મૂળભૂત સ્વભાવ છે જે મને બિલકુલ સમજાય નહીં! :)

    3. મારા મતે પ્રેમ માત્ર અનુભવી શકાય છે… સમજી કે પામી શકવાનું લગભગ અશક્ય છે. હા, વ્યક્તિની અભિવ્યક્તિ સમજી શકાય કે વ્યક્તિનો સાથ જરૂર પામી શકાય પરંતુ, પ્રેમનું પ્રાર્થના જેવું છે ખબર હોય કે કેમ કરાય પણ, ધાર્યા મુજબનું જ પરિણામ આવશે એ ખાતરી ન રાખી શકાય.

      લખવા બદલ ધન્યવાદ.
      આમ જ લખતા રહો.. વાંચતા રહો..

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal