શું કરું? – A Gujarati Poetry

Written by Swati Joshi

April 17, 2019

વીતી ગયેલી વાતનો મલાલ શું કરું?
વણમાંગ્યા સૌ જવાબોને સવાલ શું કરું?
તેં તો બસ નકારથી આ મન હણી લીધું,
બાકી બચેલા દેહને હલાલ શું કરું?
સંબંધોના ઠીકરાં બસ એમ જ ફૂટયા કરે,
રચ્યું સકળ તે માટીનું; ધમાલ શું કરું?
વીંખે,પીંખે ને ગોઠવે,જ્યાં તને બસ ગમે,
ખેલ સૌ તુજ મરજીનો; હું કમાલ શું કરું?
સુખ-દુ:ખનાં તું કોયડા છો ને પૂછે ઘણા,
હિસાબનો છું કાચો હું, બવાલ શું કરું?

*મલાલ- અફસોસ, બવાલ- ઝંઝટ

Advertisement

નિયતિ આપણા માટે જે નિર્ધારિત હોય છે એ સામે લાવે જ છે; ચાહે આપણને ગમે કે ન ગમે. પામવું-છુટી જવું, મેળવવું-ખોઈ દેવું, સંગાથ-વિરહ આમાંથી કંઈ જ આપણા કાબુમાં નથી તો શા માટે ખોટું લડ્યા કરવાનું?ખેલ સૌ તેની મરજીનો…

Copy link