હેપી ટીચર્સ ડે! – Celebrate World Teacher’s Day

Gujarati article about happy living by Swati Joshi

બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પણ પાછળ પાડી દેતો આજનો સમાજ જ મહાગુરુ છે. ટીચર્સ ડે તો માત્ર એક નિમિત્ત છે એવા દરેક ‘ગુરુ’ને આભાર કહી અને તેઓએ આપણને ભણાવેલા પાઠ યાદ કરવા માટે.

World Teacher’s Day પર સ્વ. ડૉ. રાધાકૃષ્ણનને જન્મજયંતીની શુભકામનાઓ અને તમને બધાને Happy Teachers Day!

આભાર પ્રગટ કરવો એ એક ઉત્કૃષ્ટ ચેષ્ટા (આટલું ગુજરાતી ભૂલી ગયા હોય તેમના માટે meaning- Outstanding Gesture!) છે. એટલે આજનું તમારું અને મારું શેડ્યુલ જોઈએ તો મોટા ભાગનાં લોકોએ આજે જુના શિક્ષકોને સવાર-સવારમાં જ મોબાઈલ, ઈ-મેલ કે પછી રૂબરૂ ટીચર્સ ડે ની શુભેચ્છાઓનો મારો બોલાવી દીધો હશે (literally). ઘણા કામનાં કારણે ભૂલી ગયા હશે તો, તેમને મિત્રોએ સવારે ગુડ-મોર્નિંગ મેસેજની સાથે જ તમે કેટલા સારા મિત્ર છો ઉપરાંત તેમને જીવનમાં કંઈ કેટલું શીખવી શક્યા છો તે બદલ તમને ગુરુ (!) માની ટીચર્સ ડે નિમિત્તે આભાર પ્રગટ કરી યાદ દેવડાવ્યું હશે. આટલું જ નહીં, માતા-પિતા કેટલા સારા શિક્ષક છે તે યાદ કરાવતા શબ્દો પણ આજે નજર સામે આવતા જતા રહ્યા હશે. સોશિયલ મીડિયાનાં પ્રતાપે આટલા લોકોને તો આપણે આભાર કહી ચુક્યા છીએ અત્યાર સુધીમાં — પણ, એ લોકોનું શું જેમનું આપણા જીવનમાં ગુરુ તરીકે પ્રેક્ટીકલી ઘણું જ યોગદાન છે? એ લોકો કોણ? ગૂંચવાઈ ગયા કે? તો ચાલો, યાદ કરાવું… આ એક રીતે મારા તરફથી પણ તેમનો ઋણ સ્વીકાર છે!

01. તમારા નજીકનાં જ એવા લોકો જે ખુબ અંગત હોવાનો દાવો કરી, મીઠું બોલી તમને આર્થિક, માનસિક, સામાજિક અને કંઈ કેટલા આવા ‘–ઇક’ ક્ષેત્રે ઘસારો આપી ચુક્યા છે અને આવા જ કેટલાક શૈક્ષણિક (!) અનુભવોનાં કારણે તમે આ પ્રકારનાં આખા એક ‘જન-સમૂહ’ ને ઓળખતા શીખ્યા… એટલે એક થેન્ક યુ તો કહેવું જ રહ્યું!!

02. આજકાલ મોટાભાગનાં લોકો કોઈક ને કોઈક રીતે બહાર કામ કરતા હોય છે તો, આવા વર્કિંગ ક્લાસને રોજબરોજ- “તમે કેટલા ફાલતુ છો અને આ તો અહીં નોકરી કરો છો એટલે બાકી તમને કામ આપે કોણ??” તેમજ “ઘરે ગમે તેટલી સારી પરવરીશ પામ્યા હો પણ અમે તો તમને ગધેડાની જેમ જ ટ્રીટ કરીશું અને કહેતા જ રહીશું કે તમને કશું આવડતું જ નથી!!” ઉપરાંત, “તમારું કોઈ ભવિષ્ય જ નથી!” –આવું અને બીજું ઘણું બધું કહીને તમારી સહનશક્તિમાં વધારો કરવાનું શીખવતા તમારા બોસ કે ઉપરીને આજે કેમ ભૂલી શકાય?.. એટલે પ્લીઝ એક થેન્ક્સ!

03. ભારત દેશમાં રહેતા હો એટલે સરકારી ઓફિસો તેમજ પ્રાઈવેટ શાળાઓ આ બંને સાથેનો તમારો જે સંબંધ છે એ લગભગ એકસરખો જ કહેવાય. એ બંને જે કહે છે તે તમે સમજી શકતા નથી અને તમારી પરિસ્થિતિ એ સમજવા ઈચ્છતા નથી. એટલા માટે આ બંને જગ્યાઓ સાથે અમુક વર્ષો કામ પાર પાડ્યા બાદ તમને એ જ્ઞાન પ્રાપ્ત થઇ જાય છે કે દુનિયામાં ‘ધીરજ’ અને ‘પૈસા’ બે જ જરૂરી છે બાકી બધું મિથ્યા છે! તો આ આત્મજ્ઞાન આપવા બદલ પણ સરકારી ઓફિસો અને પ્રાઈવેટ શાળાઓ બંનેના કર્તા-ધર્તાઓને …. વંદન સહ આભાર કહી લેશો જી!

04. હવે આવ્યા અમુલ્ય ગણાતા પડોશીઓ. આ આખો એક એટલો બધો જટિલ વર્ગ છે જેની પાસે તમને શીખવવા માટે રોજ કંઇક અનોખું હોય છે. વસ્તુ ઉધાર લેવા-દેવાની કળા, ખરીદી વખતે સામુહિક રીતે ખરીદાયેલી વસ્તુઓનાં સરખા ભાગ પાડી- બરાબર હિસાબ કરવાની કળા, અતુલ્ય રાંધણ કળા (ખાસ વાત એ કે તમને આવડતી વાનગીનાં પણ વૈશ્વિક વર્ઝન્સ એમને આવડતા હોય!), સાત ઘરમાં તમારા વિશે કુથલી કરી લીધા પછી તમારી સમક્ષ તમારા સૌથી મોટા હિતેચ્છુ તરીકે પ્રગટ થવાની કળા, પોતાના બાળકો-પતિ કે પત્નીને સુપર હ્યુમન પાવર્સ ધરાવતા એકમાત્ર પાત્ર તરીકે રજુ કરી શકવાની કળા, બીજાની પત્નીઓ વિશે વિચાર કરતા કરતા પોતાની પત્નીનાં ખોટા વખાણ કેમ કરવા એ ભેદી છતાં અલૌકિક કળા… પડોશીઓ પર એક આખો આર્ટીકલ ખર્ચી શકાય એટલું શિક્ષણ મેં તેમના જ તરફથી પ્રાપ્ત કર્યું છે.. એટલે એ પછી ક્યારેક… તો, ટૂંકમાં, તમે સમજી ગયા ને કે અહીં આભાર માનવો કેટલો જરૂરી છે?

05. હવે આવે છે એ મહાનુભાવો કે જેમણે તમને છેતરાવાની ભાવનાથી અવગત કરાવ્યા હોય. જેમાં પૂરતું વળતર લઇ લગભગ દરેક વખતે તમને વસ્તુ કે સર્વિસનાં નામે છેતર્યા હોય. વળી, આમની બીજી પણ એક ચડિયાતી આવૃત્તિ હોય છે કે જેમણે બીઝનેસ પાર્ટનર બનીને તમને માસ્ટર્સ ડીગ્રી જેટલું જ્ઞાન આપેલું હોય છે. આ ધુતારાઓ તમારી કર્મો વિશેની લગભગ બધી જ થીયરીઓને ખોટી પાડતા આવ્યા હોય છે. તેમના પ્રતાપે તમે ઘણા કામ જાતે કરતા થઇ જાઓ છો અને આ એક મહાન ઉપલબ્ધિ કહેવાય. એટલે… તમને સ્વાવલંબી બનાવવા બદલ તમારી આસપાસનાં બધા જ છેતરનારાઓને આજના દિવસે સલામ સાથે થેન્ક યુ કહી દેજો!

06. આ જૂથ આમ બહુ પ્રસિદ્ધિ પામેલ નથી પણ, મારા જીવનમાં તેમનું યોગદાન અનન્ય છે એટલે ઉલ્લેખ કરવો જ રહ્યો. કદાચ તમે પણ મારી ભાવનાઓ સાથે સંકળાઈ શકશો. આ વખતે આભાર આપણે એવી મહિલાઓ કે પુરુષોનો માનવાનો છે જેમણે મને શાકની ખરીદી કરી લીધા પછી મફત મસાલો માંગતા શીખવ્યું છે!! કેટલાક વર્ષો પહેલા, અમુક રૂપિયાનું કે અમુક જથ્થામાં શાકભાજી ખરીદ્યા બાદ જ આપણે મફત મસાલો મેળવવા માટે યોગ્યતા કેળવી એમ કહેવાય એવો મારો મત હતો. પરંતુ, આ વર્ગ પાસેથી પ્રેક્ટીકલ ટ્રેનીંગ મેળવ્યા બાદ, મારી આ મફત મસાલો માગવાની ક્ષમતા કેળવાઈ રહી છે. હું હજી શીખાઉની શ્રેણીમાં જ છું છતાં, આ બહાદુરીભર્યા કાર્યને શીખવવા માટે… મારે હૃદયપૂર્વક થેન્ક્સ કહેવું જ રહ્યું!!

આ સિવાય તમારા બાળકો, તમારે ત્યાં કામ કરતા ઘરેલું નોકરો/શ્રમજીવીઓ, સહપાઠીઓ, સહકર્મીઓ અને બીજા ઘણા જ એવા લોકો છે જેમણે તમને જીવનનું અમુલ્ય જ્ઞાન આપવામાં ભાગ ભજવ્યો હશે. તો, આજે જ મોકો છે.. બધાને ગણી ગણીને આભાર પ્રગટ કરી જ દો. મોબાઈલમાં એક ભાવવાહી મેસેજ ટાઈપ કરો અને સેન્ડ ટુ ઓલ કરો! મને ખાતરી છે કે તમારા કોન્ટેક્ટ લીસ્ટમાં જેટલા નામ છે તેમાંથી દરેક કોઈક ને કોઈક રીતે તમારું શિક્ષક બન્યું જ હશે.

બાકી જે નામનો ઉલ્લેખ કરવાની મને જરૂર નથી લાગતી એ “સનાતન” (everlasting) ગુરુ છે- ‘જીંદગી’!! તમે તમારું જીવન જીવવામાં જે અથાગ પ્રયાસો કામે લગાડી અને રોજ એક નવી સંઘર્ષ કથા, પ્રેમ કથા, સાહસ કથા, બોધ કથા અને આવી કંઈ કેટલીએ કથાઓ શીખો છો એ માટે પોતાની જાતને અને જિંદગીને માત્ર આજે જ નહીં પરંતુ, રોજ સવારનો પહેલો સજાગ શ્વાસ લો ત્યારે થેન્ક યુ કહેવાનું ભૂલશો નહીં!

ફરી જલ્દી જ મળીએ છીએ, એક નવી વાતનાં નવા જ એન્ગલ સાથે!

Till then, spread joyous messages and best wishes. Happy Teachers Day, Once again!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments
    1. મજા પડી ગઈ વાંચી ને. મસ્ત લખ્યું છે સ્વાતિ. જર્નલ વાંચતા વાંચતા આ આર્ટિકલ મળી ગયું. આજે જ સવારે આ બધા અનુંભવો કર્યા એટલે આ આર્ટિકલ વાંચીને ઓર મજા આવી. લેખન તો અદભુત છે . કાયમ કંઇક નવું મળી જાય જૂના જર્જરિત વિષયો માં.

      Keep it up!!

      1. ધન્યવાદ!

        અનુભવ, અવલોકન અને પૃથ્થકરણ બસ બધું સાથે મળીને કંઇક મજા આવે એવું બની જાય તેનો આનંદ…

        વાંચતા રહો, પરત લખતા રહો!

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal