શ્રી રામ આવી ગયા છે! – A Gujarati Article

Ram aavi gaya chhe! - cover image

ભારત દેશ માટે શ્રી રામ એટલે એક અખંડ ઉર્જા અને આ ઉર્જાને સંચિત કરીને એક ચોક્કસ સ્થાન આપવાનું કાર્ય આજે પૂર્ણ થયું એટલે, આજનો દિવસ સદીઓ સુધી મહત્વનો અને યાદગાર બની રહેશે. આજનાં આ અદભુત અવસરની આપ સૌને શુભકામના સહ, મુક્ત મનથી બે વાત!! વાત પર આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે, એ ભૂલ્યા નથી ને? તો, ચાલો વાંચો અને મને પરત લખી જણાવો ત્યાં સુધી રામ-રામ!!

તારીખ 22 જાન્યુઆરી, 2024 ભારત માટે 15 ઓગસ્ટ, 1947 જેટલી જ વિશિષ્ટ રહેવાની છે. આ તારીખે હયાત લોકો પાસે એમની પછીની પેઢીને જણાવવા માટે કેવું અને કેટલું છે, એ વિચારીને જ કંઈક પામ્યા હોવાની અનુભૂતિ થાય છે.

તમારી દ્રષ્ટિએ આ મંદિર નિર્માણ, આ પ્રાણ-પ્રતિષ્ઠા એ શું છે તેની તમને સ્પષ્ટતા ખરી?, કે પછી આપણને જેમ ટેવ પડી ગઈ છે કે કંઈ પણ એવું કે જે કામમાંથી ‘રજા’ અને ઉત્સવની ‘વજહ’ (હા, હા ‘કારણ’ જ, આ તો પ્રાસ બેસતો હતો એટલે જરા શબ્દ-ગમ્મ્ત!) આપે એ બધું જ ટ્રેન્ડ કરવા લાગે અને આપણે એમાં જોડાઈ જઈએ. જો તમારું કારણ આ છે તો, તમે શેનો ભાગ બનીને અતિ-ઉત્સાહે શું કરી ગયા તેના પર પુનર્વિચાર કરશો તેવી મારી વિનમ્ર અરજ છે. અને જો મારી જેમ તમે સ્પષ્ટ છો કે આ શું બન્યું અને તેમાં આપણી શું ભૂમિકા છે તો, તમને ધન્યવાદ સહ નમન!

લગભગ દરેક જગ્યાએ, દરેક મીડિયા પર કે દરેકનાં અવાજમાં એક જ વાત છે કે “શ્રી રામ આવ્યા છે!” (राम आये है!) તો શું ખરેખર?? મારા ખ્યાલથી તો શ્રી રામ અહીં જ છે, હતા અને રહેશે; વાત માત્ર એ છે કે આપણને એ હવે યાદ આવ્યું છે કે ‘રામ છે’ અને તેને પોતાનાં સ્થાને બિરાજમાન કરવા એ આપણી જ જવાબદારી છે. આપણે નાગરિક તરીકે હંમેશા બે વાતે ઊણા ઉતરતાં હોવાનું મેં વ્યક્તિગત રીતે અનુભવ્યું છે. આપણે પોતે ‘ભારતીય’ અને સાથે જ ‘હિન્દૂ’ હોવાનું ગૌરવ અનુભવતા એટલા ખચકાઈએ છીએ, જેટલા કોઈનું અહિત કે ભ્રષ્ટાચાર કરતા પણ ખચકાતા નથી. હા, વિચિત્ર છતાં સત્ય છે!! આપણે આસ્તિક હોઈએ કે નાસ્તિક દરેક વખતે કોઈ બીજું આપણા માટે નિર્ણય લે એ અપેક્ષા શાશ્વત રીતે આપણા જીવનનો ભાગ બની ગઈ છે. આસ્તિક હોઈએ તો, કોઈ અવતાર કે યુગ-પુરુષની રાહ જોઈએ છીએ અને નાસ્તિક હોઈએ તો, સરકાર કે પછી તેનાં જેવી કોઈ પાવરફુલ એજન્સી આપણા માટે વિચારે તેવી સતત માગણી સાથે સમય પસાર કરતા અને “બીજાઓને” ભાંડતા રહીએ છીએ. આપણે માટે આ વસ્તુ નૉર્મલાઇઝ (સર્વસ્વીકૃત) થઇ ગઈ છે. પોતાનાં પરિવારથી લઈને દેશની સરકાર સુધી, એક નજર ફેરવી લો અને તમે જ કહો કે શું આપણે દર વખતે કોઈક આપણને મુશ્કેલીથી ઉગારે તેની આશાએ સતત સમસ્યા તરફ કેન્દ્રિત નથી રહેતા?

આ શુભ અવસરે આ વાતો ખૂંચતી અને અસ્થાને લાગી શકે પણ વિકસિત થવું હોય તો, શરૂઆત મૂળથી જ થવી જોઈએ એ મારી દ્રઢ માન્યતા છે.

આ વિશેષ દિવસનાં આપણે સાક્ષી બની શક્યા છીએ તેનો શ્રેય તમે પણ લેજો કે, આ 500 વર્ષ જૂની સમસ્યાને, ભલે રાજકારણ હેતુ તો એમ માનીને પણ પોતાની પ્રાથમિકતા બનાવી શકતી સરકારનાં ચયન માટે તમારું પણ યોગદાન છે. આપણી ઈચ્છા-શક્તિ શું અને કેવા ચમત્કાર સર્જી શકે તેનું પણ આ મંદિર એક ઉદાહરણ છે.

હવે, रामो राजमणिः सदा विजयते.. એ વાતમાં કોઈ શંકા હોય? પણ, આ વિજય ઘટિત કરવામાં ભાગ ભજવતા પરિબળોની હાજરી પણ અવગણી શકાય નહીં ને?? દૈવ દ્વારા નિર્મિતને સાકાર કરવામાં આપણી જે ભૂમિકા છે એ ન ભજવીએ ત્યાં સુધી કાળચક્રનું વર્તુળ પૂર્ણ થતું નથી અને ઘટના આકાર પામતી નથી જ. રામ-લક્ષ્મણને હનુમાન મળે, સુગ્રીવની ઓળખાણ થાય, વિભીષણનો સાથ રહે અને આ બધામાં ‘ભગવાન શ્રી રામ’ને વાનર સેનાની સહાય મળે ત્યારે રાવણ સુધી પહોંચી શકાય અને આ બધાની વચ્ચે દરેક નાની-નાની ઘટનાઓ આકાર ન પામી હોત, તો શું રાવણ પર વિજય મેળવવાનું શક્ય થયું હોત ખરું? ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે ત્યારથી એ નક્કી હોય છે કે, તેમને પૃથ્વી પરનાં મનુષ્ય સહિતનાં બીજા જીવોની ઉર્જાની જરૂર પડવાની જ છે. પછી ભલે કોઈ પણ મહાન ઘટના માટે કોણ ભાગીદાર કે જવાબદાર બનશે તેની પસંદગી ભગવાન જાતે કરી રાખવાના હોય પણ, દરેક મોટા બદલાવ કે પરિવર્તન માટે ચયનિત થવા માટે તૈયાર રહેવું તે આપણી વ્યક્તિગત જવાબદારી છે.

મંદિર નિર્માણ એ સમગ્ર દેશ માટે ખુબ મોટું પરિવર્તન છે અને તેમાં આપણી વ્યક્તિગત ભૂમિકા અને જવાબદારી છે અને રહેશે તે આપણે માનીને જ ચાલવાનું છે. અહીં માત્ર આર્થિક યોગદાન કે ઘર પર ધ્વજ લહેરાવી, દીપ પ્રગટાવીને ખુશાલી વ્યક્ત કરવી એટલાથી ચાલી જશે તેમ માનીને ચાલતા હો તો, આપ સૌનું ધ્યાન દોરવા ઈચ્છું છું કે, આનંદના અતિરેકમાં કદાચ નોંધી ન શક્યા હો તો, શ્રી રામની પુનઃ પ્રતિષ્ઠાની આખી ઘટના એ આવનારા સમયમાં થનારા બીજા અનેક પરિવર્તનોની શરૂઆત માટેનો શંખનાદ માત્ર છે. આપણી બીજા પર આધારિત રહેવાની મનોવૃત્તિ હેઠળ આજે રાજનેતાઓ આપણા માટે કોઈ નિર્ણય લઇ રહ્યા છે અને આપણને તેમાં આનંદ મળે છે ત્યાં સુધી આપણે તેઓને બિરદાવીએ છીએ અને તેમની દરેક વાતને ‘અફર’ માનીને ‘એ છે તો કંઈ પણ શક્ય છે’ તેમ કહીને વધાવી રહ્યા છીએ ત્યારે, આ જ સિક્કાની બીજી બાજુ પણ છે એ વાતને અવગણી ન જ શકાય, એ ધ્યાનમાં રાખવી એ પણ આપણી વ્યક્તિગત જવાબદારી જ છે, બરાબર ને?

આજે સૈકાઓ પછી આપણને કોઈએ યાદ કરાવ્યું છે કે, આપણે હિન્દૂ છીએ અને એ હોવું તે ગૌરવપૂર્ણ છે; તો આ વાત યાદ રાખવામાં અને તેને બીજી પેઢી સુધી જેમની તેમ પહોંચાડવામાં બહુ મહેનત લાગશે એ પણ મગજમાં ક્યાંક નોંધી રાખશો. કેમકે, આ તો રામજીની દુનિયા ને, રામજીની મરજી!! ક્યારે કયો દિવસ દેખાડે તે તો રામ જ જાણે!! આજે જે રામજીને 496 વર્ષ પછી એમને શોભે તેવા ભવનમાં આપણે સ્થાપિત કર્યા, તેમનું એ ‘ભવન’ અને તેમનું જ આ ‘ભુવન’ (ભારત દેશ) અખંડ રાખવામાં મહેનત કે બલિદાન કરવું પડે તો આપણે પાછા તો નહીં પડીએ ને? હજી સમય છે ત્યાં સુધીમાં વિચારી રાખીએ, બાકી પછી આજે જે લોકો આપણને ઉદ્ધારક કે રક્ષક લાગે છે તે જ પાછા આપણને ભક્ષક લાગવા માંડે અને આપણને ‘હા પસ્તાવો વિપુલ ઝરણું…’ એટલે કે, આ જે કંઈ કર્યું તે શા માટે કર્યું? કે તેની શું જરૂર હતી? એવું અનુભવાય એ પહેલા આપણે શું થઇ રહ્યું છે અને તે કઈ દિશામાં જઈ શકે છે તેટલું પોતાને સમજાવી શકીએ અને રાઘવ આપણને આપણા જ આજનાં નિર્ણય પર ટકી રહેવાની હામ આપે તેવો નિશ્ચય તો કરી લેવાનો રહેશે.

અહીં લખેલું છે એ, આપણે વીતેલા સમયમાં જે નથી કરી શક્યા એ, એટલે કે પોતે સમજીને કોઈ નિર્ણય લઈએ, તેનાં પર ટકી રહીએ અને એકજુટ બનીને આવનારા કોઈ પણ પરિણામનો સામનો કરીને પણ આજે સ્થાપિત થયેલ ગૌરવને જાળવી રાખવા પુરુષાર્થ કરીએ તે માટેની ટકોર માત્ર છે. અને તેમ કરવા માટે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એમ મને લાગે છે. એક તો, આજે જે કંઈ પણ સાકાર થયું છે એ અનેક લોકોનાં લાંબા અને સતત સંઘર્ષનું પરિણામ છે જેમાં આપણો ફાળો તો, સમુદ્રમાં વર્ષાનાં અમુક છાંટણા સમાન છે. આપણી ભૂમિકા તો હવે અને આજથી શરુ થાય છે; એટલે કાર્ય-સિદ્ધિનાં મદમાં ભાન ભૂલવાને બદલે તેની જવાબદારી અનુભવવાની જરૂર છે. બીજું અને સૌથી મહત્વનું કે, હવે આવનારા સમયમાં બનવાની દરેક ઘટના માટે સંતુલિત માનસિકતા તેમજ પરિપક્વતા કેળવવા અનિવાર્ય બની રહેશે. લંકા પર ચઢાઈ વખતે ભગવાન શ્રી રામનું સંતુલિત વલણ જ તેમને એક યોદ્ધાથી વધારે એટલે કે એક મહારથી બનાવે છે. શક્તિ કે તાકાત પોતાની સાથે બહુ મોટી જવાબદારી લઈને આવે છે. શક્તિ-પ્રદર્શન કરવામાં આનંદ અનુભવતા દરેકે એ યાદ રાખવું પડે છે કે, શક્તિશાળીને બેજવાબદાર બનવાની છૂટ નથી જ!!

બસ, આ બે વાતનું ધ્યાન આપણે રાખી લઈએ એટલે આગે ભલી કરેંગે રામ!!

આપણને બસ એક દીવાદાંડી કે Guiding Light ની હંમેશા જરૂર રહે છે અને રામકૃપાથી આપણી પાસે આ વખતે સાચો દિશા નિર્દેશ કરતા પરિબળોની હાજરીનો યોગ બન્યો છે ત્યારે, આનંદો!!

બાકી તો,

रामो राजमणि: सदा विजयते रामं रमेशं भजे ।

रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नम: ।

रामान्नास्ति परायणं परतरं रामस्य दासोSस्म्यहम्‌ ।

रामे चित्तलय: सदा भवतु मे भो राम मामुद्धर ॥

“રાજાધિરાજ ભગવાન રામ હંમેશા વિજયી છે. હું ભગવાન સીતાપતિ રામની પૂજા કરું છું. રાક્ષસ સેનાનો નાશ કરનાર ભગવાન રામને હું વંદન કરું છું. મને ભગવાન રામથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી લાગતું. હું ભગવાન રામનો સેવક છું. મારું ધ્યાન હંમેશા ભગવાન રામના ચરણોમાં રહે. હે રામ, મારો ઉદ્ધાર કરો!!”

આટલું જ કહેવું, એ પ્રભુ તરફથી તમને અભય વચન આપે છે!!

સારું ચાલો ફરી મળીએ ત્યાં સુધી વાંચો, વિચારો અને આનંદમાં રહો તેવી શુભકામના….

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal