આ ગુજરાતી લોકવાર્તા આપણને સંપ, હિંમત અને ચપળતાનું મહત્વ સમજાવે છે. સાથે જ આ વાર્તા સંદેશો આપે છે કે, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, જયારે આપણા વિશ્વાસુ મિત્રો આપણી સાથે હોય ત્યારે આપણે કોઈ પણ મુશ્કેલીને હરાવી શકીએ છીએ. તો ચાલો, તમે પણ તમારા વ્હાલા મિત્રોને આ વાર્તા મોકલો અને ગોપાલ અને મોહનની યુક્તિઓનો આનંદ લો!
How about free bedtime stories tonight? ચાલો, આજે વાંચીએ એક નવી ગુજરાતી વાર્તા. Read it in English language too.
ઘણાં સમય પહેલાની વાત છે. એક મોટું અને ગાઢ જંગલ હતું. ગાઢ એટલું કે, તેમાંથી દિવસે પસાર થતા પણ ડર લાગે. એટલે જ એ ચોર-લુંટારાઓમાં છુપાવા માટેનાં શ્રેષ્ઠ સ્થાન તરીકે જાણીતું હતું. જંગલની આસપાસ ઘણાં નાના ગામડાં હતા. એક સાંજે, આવા જ એક ગામનો ગોપાલ નામનો કઠિયારો આ જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. એ લગભગ જંગલની વચ્ચે જ પહોંચ્યો હશે ત્યાં તો, અચાનક એક માણસ બાજુની ઝાડીમાંથી બહાર આવ્યો.
ગોપાલે તેને પૂછ્યું કે, એ કોણ છે તો એ માણસે જવાબ આપતા કહ્યું, “તમે ડરશો નહીં, હું તો એક હમાલ (સામાન ઊંચકનાર) છું. તમારી પેટી બહુ વજનદાર લાગે છે, લાવો હું એ ઊંચકી લઉં!”
ગોપાલને થયું કે, “આ આવા ગાઢ જંગલમાં હમાલ વળી શું કરે છે? મને લાગે છે કે એ ચોર છે. કદાચ તેની પાસે કોઈક હથિયાર પણ હશે. મારે સાવધાનીપૂર્વક કંઇક યુક્તિ કરીને તેનાથી પીછો છોડાવવો પડશે.”
એટલે મનમાં એક યુક્તિ વિચારી, ગોપાલે ખુશીથી પેલા માણસને પોતાનો સામાન ઊંચકવા દીધો. હવે થયું એવું કે, ગોપાલનો બાળપણનો મિત્ર મોહન આ જ જંગલનાં એક ખાલી હિસ્સામાં રહેતો હતો. મોહન પણ વ્યવસાયે એક કઠિયારો હતો. જંગલમાંથી લાકડા કાપીને વેંચતો અને તેનું ગુજરાન ચલાવતો. ગોપાલ પેલા હમાલને મોહનનાં ઘરે લઇ ગયો અને કહ્યું, “અરે ભાઈ, આ આવી ગયું મારું ઘર; તું તારે સામાન અહીં જ ઉતારી દે.”
લુંટારાને તો ભારે ગુસ્સો આવ્યો કે આ શું? પણ, કશું કરી શકાય તેમ તો હતું નહીં એટલે, તેણે વિચાર્યું, “હું આને રસ્તામાં તો ના લુંટી શક્યો પણ, હવે કોઈ પણ રીતે જો હું અહીં રોકાઈ જાઉં તો, હું રાત્રે મારું કામ પાર પાડી શકું.”
આવું વિચારીને, પોતાની યોજનાનાં અમલ તરીકે લુંટારો તો અચાનક જ ચક્કર આવતા હોય તેવો અભિનય કરીને, ધબ્બ! કરતો જમીન પર બેભાન થઈને પડ્યો. એવામાં મોહન ઘરની બહાર આવ્યો અને જોયું કે ગોપાલ આવ્યો છે. તેને આશ્ચર્ય થયું કે, આવા સમયે ગોપાલ ત્યાં ક્યાંથી? એ કંઈ પણ પૂછે એ પહેલા જ ગોપાલે તેને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને ધીમેથી મોહનનાં કાનમાં કહ્યું કે, “આ માણસ એક લુંટારો છે અને મારો સામાન અને પૈસા ચોરી લેવાના ઈરાદે મારી સાથે આવેલો પણ, હું તેને અહીં લઇ આવ્યો છું જેથી આપણે તેને પકડી લઈએ. હવે, હું જેમ કહું તેમ કરજે!”
મોહનને આખી વાત સમજાઈ ગઈ. બંને મિત્રો સાથે મળીને બેભાન હોવાનો ડોળ કરતા લુંટારાને ઊંચકીને ઘરની અંદર લઇ ગયા. લુંટારો તો મનમાં મલકતા વિચારવા લાગ્યો કે, “કેવા મુર્ખ છે! રાત પડતા બંને સુઈ જાય એટલી જ વાર છે, આખું ઘર સાફ કરીને નીકળી જઈશ હું તો!” લુંટારો હજી આવા વિચારમાં ખોવાયેલો હતો અને હજી એ કંઈ સમજે એ પહેલા તો, ગોપાલ અને મોહને તેને એક મોટા પટારામાં (મોટી પતરાની પેટી) પૂરી દીધો અને ઉપરથી તાળું વાસી દીધું. તેઓ પટારો ઘરની બહાર લઇ ગયા અને દૂર એક ઊંડા ખાડામાં નાખી આવ્યા.
હવે, આપણે તો જાણીએ જ છીએ કે જંગલ આવા જ લુંટારાઓનું જાણે ઘર હતું. એટલે, બીજા કેટલાક લુંટારાઓની એક ટોળી આમતેમ ભટકતી એ જગ્યા પર પહોંચી જ્યાં પેલો પટારો પડેલો હતો. એ લોકો તો આટલો મોટો પટારો જોઈ ઉત્સાહમાં આવી ગયા.
તેમાંથી એક લુંટારો કહે, “ઓહો આટલો મોટો પટારો… નક્કી બહુ કિંમતી સામાન ભરેલો હશે! આજે તો મોટો દલ્લો હાથ લાગ્યો.”
તેમણે પટારો ખાડામાંથી અને ખોલીને જુએ તો આ શું?
“અરે! આ તો આપણો મિત્ર…” લુંટારાઓ તો આ જોઇને દંગ રહી ગયા. તેઓએ પેલા ચોરને પૂછ્યું, “ભાઈ, તું આ પટારામાં કેવી રીતે આવ્યો?” ચોરે તેમને આખી ઘટના કહી સંભળાવી કે, કેવી રીતે બે મિત્રોએ તેને મુર્ખ બનાવી અહીં નાખી દીધો.
ગુસ્સે ભરાયેલા લુંટારાએ નક્કી કરી લીધું, “મિત્રો, હવે હું એકલો નથી ચાલો આપણે સાથે મળીને પેલા બંનેને પાઠ ભણાવીએ અને તેમનું ઘર લુંટી લઈએ!”
આ દરમિયાન, ગોપાલ અને મોહનને અંદાજ આવી જ ગયેલો કે પેલો લુંટારો તેનાં માણસોને લઈને ફરીથી ચોક્કસ હુમલો કરશે જ. એટલા માટે તેમણે અગાઉથી જ જરૂરી તૈયારીઓ કરી રાખી.
આ બાજુ લુંટારાઓની ટોળી મોડી રાત્રે મોહનનાં ઘરે પહોંચી. ચારે તરફ ખુબ જ અંધારું હતું. તેમણે ધીમેથી દરવાજો તોડ્યો પણ, હજી એ લોકો અંદર પ્રવેશે એ પહેલા તો, તેમનાં પર ગરમ પાણીનો વરસાદ થવા લાગ્યો. ગોપાલ અને મોહન બાલદીઓ ભરી ભરીને ગરમ પાણી લુંટારાઓ પર ફેંકી રહ્યા હતા. જેવું ગરમ પાણી તેમનાં શરીર પર પડ્યું કે લુંટારાઓ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા, કણસતા અવાજે તેઓ બોલ્યા, “ઈઈઈઈઈય્ય્યય્ય! કોઈ કંઇક કરો, આખા શરીરમાં બળતરા થાય છે…!”
આટલું જાણે પુરતું ન હોય તેમ, મોહને તેમનાં પર બરફ જેવું ઠંડુ પાણી ફેંકવાનું ચાલુ કર્યું. “અરરરર!” લુંટારાઓ તો થરથર કાંપવા લાગ્યા. હવે એ ઠંડી લાગવાને લીધે ધ્રુજતા હતા કે આઘાત લાગવાને લીધે એ સ્પષ્ટ નહોતું થતું! લુંટારાઓની ટોળકીને આ રાત બરાબર યાદ રહી જવાની હતી કેમકે, ગરમ પાણી, ઠંડા પાણી બાદ હવે ગોપાલે મુઠ્ઠી ભરી ભરીને લાલ મરચાનો ભુક્કો આ લુંટારાઓ ઉપર ફેંકવાનું ચાલુ કર્યું.
બસ, આ આંચકો લુંટારાઓ સહી શક્યા નહીં અને ગુસ્સામિશ્રિત પીડામાં ચીસો પાડવા લાગ્યા, “એઈઈઈઈઈઈઇ!બસ કરો હવે…!” મોહન અને ગોપાલે ચપળતાથી લુંટારાઓની આખી ટોળીને ઘરમાં પૂરી દીધા અને પોતે બહાર આવી ગયા. બહાર આવી તેમણે મહેલનાં સૈનિકોને જાણ કરી. મહેલનાં સૈનિકો જલ્દી જ આવી ગયા અને તેઓ લુંટારાઓની આ ટોળકીને પકડીને લઇ ગયા.
આ રીતે ગોપાલ અને મોહન બંને મિત્રોએ સાથે મળીને સંપ, હિંમત અને ચતુરાઈ વડે બદમાશોની આખી ટોળકીથી પોતાનો બચાવ કર્યો.
The end.
Read more free bedtime stories in Gujarati at Sadhna Weekly Magazine.