પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી! – ગુજરાતી બાળવાર્તા

short story mr parrot went to make money img1

નાનપણમાં જયારે બહાર ભણવા કે નોકરી કરવા ગયેલ ભાઈ કે બહેન વિશે સમાચાર આવતા ત્યારે ઘરનાં વડીલો હળવાશથી ટકોર કરતા કે ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ ત્યારે આખી વાતનો સંદર્ભ ખબર ન પડતી. દાદી પાસેથી વાર્તા સાંભળતી વખતે વચ્ચે આવતા જોડકણાં ગોખાઈ જતા અને એમની સાથે સાથે જોરજોરથી લલકારતા, એ યાદી મનમાં એટલી ઊંડી કોતરાયેલી છે કે, જયારે પણ યાદ કરીએ ત્યારે તરત જ જાણે એ સમયમાં જીવતા હોઈએ એટલા ઉલ્લાસ અને પ્રસન્નતાથી મન ભરાઈ જાય. આપનાં બાળકોને પણ એ સોનેરી યાદગીરી આપવા આ વાર્તા જરૂરથી કહી સંભળાવશો.

ચાલો, આજે એક નવી બાળવાર્તા (fun story for kids in Gujarati) વાંચીએ. If you prefer to read this story of Mr Parrot in English, Read here.

એક નાનકડું ગામ હતું. ગામનાં પાદરે ઘણાં નાના-મોટાં ઝાડ હતા. આ ઝાડ પર અનેક પક્ષીઓ માળા બાંધીને રહે. પંખીડાં સાથે મળી, સવાર-સાંજ બસ કલબલાટ અને મોજ કરે. આમાં એક મોટાં આમલીનાં ઝાડ એટલે કે રૂખડાનાં વૃક્ષની બખોલમાં એક પોપટનો પરિવાર માળો બાંધીને રહે.

આવી બખોલને બીજું શું કહેવાય એ ખબર છે? તેને ‘કોટર’ કહેવાય, હવે યાદ રાખજો હોં ને!?

કોટરમાં રહેતો પોપટ ખુબ વાતોડિયો. આખો દિવસ કંઈક ને કંઇક બોલ્યા કરે. પાછો સ્વભાવે આનંદી એટલે બધા તેને ઓળખે પણ ખરા. આખો દિવસ અલક-મલકની વાતો કરી પસાર કરે. એક દિવસ પોપટની મા બોલી, ‘ભાઈ, આખો દિવસ વાતો જ કર્યા કરે તો, ઝાઝી વાતુનાં ગાડાં ભરાય તેના કરતાં કંઇક કમાવા જા ને!’ પોપટને થયું કે વાત તો સાચી છે મા ની એટલે એ તો ચાલ્યો કમાવા!

short story mr parrot went to make money img1 - swati's Journal short storyચાલતા – ચાલતા ઘણો દૂર આવી ગયો અને હવે થોડો થાક પણ લાગ્યો હતો. આજુબાજુમાં જુએ તો, એક મોટું, સરસ મજાનું સરોવર હતું. સરોવરને કિનારે ઘણાં સુંદર વૃક્ષો હતા, જેમાં એક મોટો આંબો પણ હતો. પોપટ તો આંબાડાળે લૂમેઝૂમે લટકતી કાચી-પાકી કેરીઓ જોઇને ગેલમાં આવી ગયો. એક ડાળથી બીજી ડાળ કુદી-કુદીને ભરપેટ કેરીઓની જયાફત ઉડાડી પોપટભાઈએ તો. આંબો તો પોપટનું નવું ઘર બની ગયો જાણે. પોપટ તો રોજ મીઠી કેરીઓ ખાય છે, સરોવરનું ઠંડું પાણી પીવે છે અને આંબાડાળે હિંચકી અને ટહુકા કર્યા કરે છે.

ઘણાં દિવસો પસાર થઇ ગયા. એક દિવસ આંબા નીચેથી એક ગાયોનો ગોવાળ પોતાનું ધણ (ચરવા જતી ગાયો કે બીજા જનાવરોનાં ઝૂંડને ધણ કહેવાય એ ખબર છે ને?) લઈને નીકળ્યો.

વાત કરતા ખબર પડી કે, આ ગોવાળ તો પોપટનાં ગામ તરફ જઈ રહ્યો હતો. તો, પોપટે ગોવાળને કહ્યું કે, “ભાઈ ગાયોનાં ગોવાળ! મારી મા ને આટલું કહેજે ને કે…

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ

પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય

પોપટ ટહૂકા કરે!”

ગોવાળ કહે, “ના રે ભાઈ, હું આ ગાયો રેઢી મુકીને તારી બાને કહેવા ના જાઉં.”

આ સાંભળી પોપટ ઉદાસ થઇ ગયો. પોપટનું ઉતરી ગયેલ મોં જોઈ, ગોવાળ કહે, “તારે જોઈતી હોય તો આમાંથી એક ગાય લઇ લે.” આ સાંભળી પોપટ તો રાજી થઇ ગયો. તેણે સરસ મજાની, રૂ નાં પોલ જેવી એક સફેદ ગાય પોતાની પાસે રાખી લીધી અને તેને આંબાનાં થડ સાથે બાંધી દીધી.

થોડો સમય વીત્યો હશે ત્યાં પોતાની ભેંસો લઇ, બીજો એક ગોવાળ એ રસ્તે નીકળ્યો. પોપટ તેને જોઇને કહે, “ભાઈ ભેંસોનાં ગોવાળ! મારી મા ને આટલું કહેજે ને કે…

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ

પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય

પોપટ ટહૂકા કરે!

ભેંસોનો ગોવાળ કહે, “ના રે ભાઈ, હું આ ભેંસો રેઢી મુકીને તારી બાને કહેવા ના જાઉં.”
પોપટ ફરી ઉદાસ થઇ ગયો. આ જોઈ, ભેંસોનાં ગોવાળે તેને ગમતી ભેંસ આપવાનું કહ્યું. આમ પોપટે તો એક તાજીમાજી પાડીયાળી ભેંસ લઈને આંબાનાં થડ સાથે બાંધી દીધી.

આમ રોજ કોઈક ગોવાળ ત્યાંથી નીકળે અને પોપટ પોતાનો સંદેશ મા ને આપવા કહે પણ, કોઈ ગોવાળ જઈ ન શકે એટલે ઉદાસ પોપટને રાજી કરવા પોતાની પાસે હોય તેમાંથી કંઇક આપીને જાય. આવી રીતે થોડાં સમયમાં તો પોપટ પાસે ધોળી ગાય, ભગરી ભેંસ, રૂપાળાં બકરાં, ગોળમટોળ ઘેંટા, તેજીલો ઘોડો, રણનું જહાજ કહેવાતું ઊંટ અને એક રજવાડી હાથી આટલાં જાનવરો એકઠાં થઇ ગયા. પોપટ આ બધાને લઇ, મોટા શહેરમાં વેંચી આવ્યો. તેમાંથી તેને ખુબ પૈસા મળ્યા. આ પૈસામાંથી સોનું-ચાંદી લઈને ઘરેણાં ઘડાવ્યા અને એ ચાંચમાં, ડોકમાં અને પગમાં એ ઘરેણાં પહેરી ઠુમકતી ચાલે ચાલવા લાગ્યો. બાકી વધેલા પૈસા એ પાંખમાં અને ચાંચમાં ભરી ઉડ્યો પોતાનાં ઘર તરફ!

short story mr parrot went to make money img2 - swati's Journal short story રસ્તો લાંબો હતો એટલે, ઘરે પહોંચતા મોડી રાત થઇ ગઈ. પોતાનાં ઘરનો દરવાજો ખટકાવતાં પોપટ તેની મા ને કહે કે,

મા, મા!

બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો

ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો

પોપટ પાંખ ખંખેરે!

મા ને થયું આટલી રાત્રે પોપટ થોડો આવે કંઈ? નક્કી કોઈ ચોર-લૂંટારો લાગે છે. ના બાપુ, હું કમાડ ના ઉઘાડું! મા એ દરવાજો ન ખોલ્યો એટલે પોપટ તો ચાલ્યો કાકીને ઘરે. કમાડ પર સાંકળ ખટકાવી પોપટ કહે કે,

કાકી, કાકી!

બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો

ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો

પોપટ પાંખ ખંખેરે!

કાકી તો ઘસઘસાટ ઊંઘે એટલે તેને તો પોપટનો અવાજ સંભળાયો જ નહીં. હવે પોપટ શું કરે? એ તો ચાલ્યો તેની બહેનનાં ઘરે. બહેનને ત્યાં દરવાજો ખટકાવી ને બોલ્યો,

બહેન, બહેન!

બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો

ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો

પોપટ પાંખ ખંખેરે!

પણ, બીજા બધાની જેમ બહેન પણ બોલી કે, મારો ભાઈ કંઈ આમ અડધી રાત્રે ન આવે. જે કામ હોય તે ભાઈ કાલે સવારે આવજે. પછી તો પોપટ માસી, ફોઈબા અને મામીને ઘરે પણ ગયો પણ સૌએ આટલી રાત્રે પોપટ પાછો ન આવે એમ સમજી ઘરનો દરવાજો ના ખોલ્યો.

છેવટે થાકીને પોપટ તો ચાલ્યો તેની મોટીબા ને ઘરે. મોટીબા તેને બહુ વહાલ કરતી હતી. એટલે ત્યાં જઈ જેવો દરવાજો ખટકાવ્યો કે, મોટીબા તરત તેનાં વ્હાલા દીકરાનો અવાજ ઓળખી ગઈ. ફટાક કરતા કમાડ ખોલી મોટીબા બોલી, “લે આવી ગયો મારા દીકરા! આવ, આવ તારા દુખણાં લઉં મારા વ્હાલા.” પછી તો મોટીબાએ હરખભેર પાથરણા પથરાવ્યા, ઢોલિયા ઢળાવ્યા, શરણાઈવાળાને બોલાવી અને શરણાઈઓ પણ વગડાવી. શરણાઈનાં સૂર સાંભળી પોપટભાઈની ખુશીનો પાર ન રહ્યો અને આનંદમાં આવી એ તો માંડ્યા પાંખો ખંખેરવા. પાંખમાંથી અને ચાંચમાંથી જાણે પૈસાનો વરસાદ થયો અને આખું ઘર પૈસાથી ભરાઈ ગયું. પોપટ આટલું બધું કમાઈને આવ્યો એ જોઈ મોટીબાને અપરંપાર આનંદ થયો.

શરણાઈનાં સૂરે નાચતાં-કૂદતાં પોપટને ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. સવાર થતાં જ મોટીબાએ પોપટની મા ને બોલાવી, બધી વાત કરી અને પૈસા તેમજ ઘરેણાં તેને સોંપી દીધા. દીકરાને આટલું કમાઈ અને હેમખેમ ઘરે પાછો આવેલ જોઈ પોપટની મા અને બધા સગા-સંબંધીઓ ખુબ ખુશ થયા. સૌ નાચતાં-ગાતાં પોપટને સાથે લઇ ઘરે ચાલ્યા. આમ સૌ એ સાથે મળી ખાધું, પીધું અને મોજ કરી!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal