લપલપીયો કાચબો! – (એક પંચતંત્ર કથા)

panchantantra short story for kids turtle and geese

પંચતંત્રની આ વાર્તા આપણને એક બહુ મહત્વનો સંદેશ આપે છે કે, જયારે-જયારે આપણે સમજદાર મિત્રોએ આપેલી સારી અને સાચી સલાહને અવગણીએ છીએ ત્યારે…

ચાલો, આજે એક નવી બાળવાર્તા (fun story for kids in Gujarati) વાંચીએ. If you prefer to read such fun stories for kids in english, Read here.

turtle who cant stop talking children story - swati's Journal short storyઘણા લાંબા સમય પહેલાંની વાત છે. એક સરસ મજાનું તળાવ હતું. આ તળાવમાં રહેતો હતો એક કાચબો. કાચબો ભારે વાતોડિયો. જે મળે તેની સાથે અલક-મલકની વાતો કરે. આખો દિવસ બસ બોલ-બોલ કર્યા કરે. એક મિનીટ માટે પણ મોઢું બંધ રાખવાનું તેને ન ફાવે. કાચબાને ઘણાં મિત્રો,  તેમાં પણ તેનાં ખાસમખાસ દોસ્ત હતા બે કલહંસ! કલહંસ એટલે બતક અને હંસનાં જ પરિવારનું એક પક્ષી છે, તો તમને પ્રશ્ન થશે કે, ખબર કેમ પડે કે આ હંસ છે કે કલહંસ? તો બાળમિત્રો, હંસને એકદમ સફેદ રૂ જેવી પાંખ અને પીંછા હોય અને લાંબી, સુંદર ડોક હોય, જયારે કલહંસ ને શરીરે નાના કાળા પીંછા હોય અને તેની ડોક ટૂંકી હોય! હવે બીજા મિત્રોને પણ આ કહેજો, હો ને? turle and gees panchatantra story - swati's Journal short story

ચાલો આપણી વાર્તામાં આગળ વધીએ… તો, કાચબાને એ બે કલહંસ સાથે બહુ ગાઢ મિત્રતા હતી. બંને કલહંસ દૂર દૂરનાં પ્રદેશોમાં જઈ, આ તળાવ પાસે પાછા ફરતા. આવીને તેઓ એમના અનુભવો કહે અને કાચબાને એ સાંભળવાની બહુ મજા પડે.

દૂરનાં પ્રદેશોની વાતો સાંભળી કાચબાને પણ એ જોવાનું મન થતું અને એ વિચારતો કે, “કાશ, હું પણ ઉડી શકતો હોત તો કેટલું સારું થાત! હું પણ મારા મિત્રોની સાથે જંગલ, નદી, પહાડ, વાદળ આ બધું નજીકથી જોઈ શકતો હોત.” આવું વિચારતો એ ફરી મિત્રો સાથે વાતોમાં મશગૂલ થઇ જતો. આમ, ત્રણેય મિત્રો આનંદથી રહેતા હતા.

એક વખતની વાત છે કે, લાંબા સમય સુધી વરસાદ ન થયો એટલે દુષ્કાળ પડ્યો. તેને લીધે નદી, સરોવર, તળાવ સુકાવા લાગ્યા. કાચબો રહેતો હતો તે તળાવમાં પણ બહુ જ ઓછું પાણી બચ્યું હતું. એકબાજુ ખાવા-પીવાની તંગી, ઉપરથી જીવલેણ તાપ! આવી પરિસ્થિતિમાં પશુ-પક્ષી હેરાન, પરેશાન થઇ ગયા હોવાથી, તેમણે બીજા કોઈક ફળદ્રુપ પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. જ્યાં તેમને જીવવા માટે પૂરતો ખોરાક અને પાણી મળી રહે અને તેઓનો જીવ બચી જાય. કાચબો અને કલહંસ પણ જીવ બચાવવા માટે હિજરત કરી બીજી જગ્યાએ જવું જ પડશે એ વાત સમજી ગયા. તેમણે દૂરનાં એક તળાવમાં રહેવા જવાનું નક્કી કર્યું કે જ્યાં ભરપૂર પાણી અને ખોરાકની સુવિધા હતી.

બંને કલહંસ માટે તો એ દૂરનાં તળાવ સુધી ઉડીને જવું એ રમત વાત હતી પણ, સમસ્યા એ હતી કે કાચબો ત્યાં સુધી કેવી રીતે પહોંચે? એ ત્યાં પગપાળા પહોંચે એ વાત તો સાવ અશક્ય જ હતી. કોઈ ઉપાય ન મળવાથી બિચારો કાચબો તો નિરાશ થઇ ગયો.

ત્રણેય મિત્રો મળીને આનો કોઈક ઉપાય શોધવા લાગ્યા. કલહંસ પોતાના મિત્રને એકલો છોડીને જવા તૈયાર ન હતા. ઘણો વિચાર કર્યા પછી અચાનક એક કલહંસને કોઈ ઉપાય સુઝ્યો. તેણે કહ્યું, “મને એક યુક્તિ સુઝે છે કે, આપણે એક લાકડી લઈએ. એ લાકડીને કાચબાભાઇ તેનાં મોઢામાં પકડી લે અને ત્યારપછી આપણે બંને ચાંચ વડે લાકડીને એક-એક છેડેથી પકડી ધીમે-ધીમે ઉડીને એ દૂરનાં તળાવ સુધી પહોંચી જઈએ. શું કહો છો મિત્રો?” આવો અદ્ભુત ઉપાય સાંભળીને કાચબો અને બીજો કલહંસ તો રાજીનાં રેડ થઇ ગયા. યુક્તિ તો બહુ સરસ હતી પણ, તેને સફળ બનાવવી હોય તો, એકમાત્ર શરત હતી કે લપલપ કરવાની ટેવ ધરાવતા કાચબાએ પોતાનું મોં બંધ રાખવું પડે. કાચબો તો સમજી ચુક્યો હતો કે આ એક જ ઉપાય છે જેના વડે તેનાં મિત્રો તેને નવી જગ્યાએ લઇ જઈ શકે તેમ હતા. આથી, કાચબાએ તેનાં મિત્રોને વચન આપ્યું કે, દૂરનાં તળાવ સુધી ન પહોંચે ત્યાં સુધી તે ચુપ રહેશે.

પછી તો, આ તળાવને વિદાય આપી દૂરદેશ માટે મુસાફરી શરુ કરવાનો દિવસ પણ આવી ગયો. એક વહેલી સવારે ત્રણેય મિત્રો તૈયાર થઇ ગયા. કાચબો તો ખુબ ખુશ હતો કે છેવટે તેને નવી જગ્યાઓ જોવાનો મોકો મળ્યો પરંતુ, બંને કલહંસ થોડા ચિંતિત હતા. કલહંસોએ કાચબાને ફરી એક વખત ચેતવણી આપતા કહ્યું, “જો મિત્ર આપણે દૂરનાં તળાવ સુધી પહોંચતામાં ઊડીને ઘણી જગ્યાઓ પરથી પસાર થઈશું. બસ તું એક વાત ખાસ ધ્યાનમાં રાખજે કે, કંઈ પણ કેમ ન થઇ જાય તારે તારું મોં ખોલવાનું નથી.” ઉત્સાહમાં ને ઉત્સાહમાં કાચબાએ હકારમાં માથું ધુણાવ્યું. નક્કી થયા મુજબ બંને કલહંસો એ લાકડીનાં એક-એક છેડાંને પોતાની ચાંચ વડે પકડી લીધો અને કાચબો લાકડીનાં વચ્ચેના ભાગને મોં વડે પકડી તેમાં લટકાઈ ગયો. અને કલહંસ તો ઉડ્યા ફર્રર્રર કરીને ઉંચે આકાશમાં! તળાવ ખાસ્સું દૂર હતું પણ, કલહંસ જેનું નામ, પાંખોનાં એક-એક ઝપાટા સાથે એ તો ઉંચે ને ઉંચે ઉડવા લાગ્યા.

નીચે પસાર થતી ખીણ, પહાડ, મેદાન વગેરે જોઇને કાચબો તો દંગ જ રહી ગયો. ઠંડી હવાની લહેરખીઓની મજા લેતો કાચબો નીચેથી પસાર થતા દ્રશ્યો મન ભરીને માણી રહ્યો હતો તેવામાં ઉડતા-ઉડતા તેઓ એક ગામ પરથી પસાર થયા. ગામના લોકો માટે તો આ જાણે નવું જ જોણું!! “અરે, આ શું નવી નવાઈ છે ભાઈ??” ગામલોકો ટોળે વળી એકબીજાને પુછવા લાગ્યા, આંગળી ચીંધી એકબીજાને આ કૌતુક બતાવવા લાગ્યા. તાળીઓ પાડી, મોટેથી હસતા અમુક તો કાચબાને લઈને ઉડતા કલહંસ તરફ જોઈ ચિચિયારીઓ પાડવા લાગ્યા. લોકોનો આવો વિચિત્ર વ્યવહાર જોઈ કાચબાને તો ભારે માઠું લાગ્યું.

panchantantra short story for kids turtle and geese - swati's Journal short storyઘોંઘાટ કરતા લોકોને જોઈ ગુસ્સે ભરાયેલા કાચબાએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો અને તેણે લોકોને સમજાવવાનું નક્કી કર્યું. પણ, આ શું?? ભાન ભૂલેલા કાચબાએ જેવું ગામલોકો સાથે વાત કરવા મોં ખોલ્યું કે મોઢામાં પકડેલી લાકડી છૂટી ગઈ અને કાચબો તો સરરરર ઊંચેથી ધબ્બ કરતો આવી પડ્યો જમીન પર!

જોતજોતામાં કાચબાનાં રામ રમી ગયા!! કલહંસ બિચારા કંઈ સમજી શકે તે પહેલા તો આ બધું બની ગયું. મિત્રનાં આવા અચાનક મૃત્યુથી ઉદાસ થઇ ગયેલા કલહંસ એમનાં માર્ગે આગળ વધી ગયા. એ તો જાણી જ ન શક્યા કે એમનાં મિત્રનું મૃત્યુ કઈ રીતે થયું પણ, આપણે તો એ જાણીએ છીએ, ખરું ને? કાચબાએ તેનો જીવ પોતાની મૂર્ખતા અને અણસમજુ, અધીરા સ્વભાને લીધે ખોયો!! મિત્રોએ આપેલી સલાહ માનીને મોઢું બંધ રાખ્યું હોત તો કાચબો તેના મિત્રો સાથે એ દૂરનાં તળાવે પહોંચી ગયો હોત…

The End.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • One Comment
    1. ખૂબ સરસ વાર્તા , 20 વર્ષ પહેલાં આ વાર્તા સાંભળી હતી આજે વાંચી ને આનંદ થયો . જાને એક બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ.

      સ્વાતિ આપ ખૂબ સરસ લખો છો. ભવિષ્યમાં પણ ખૂબ નામના મેળવો એવી હૃદયસ્થ અભ્યર્થના .

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal