પંચતંત્રની આ મજેદાર વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે. આ વાર્તા આપણને શીખવે છે કે, ક્યારેક એવો પણ સમય હોય કે જયારે આપણને કોઈની મદદ કે સહકાર ન પણ મળે, મુસીબતનાં એવા સમયમાં આપણી તીક્ષ્ણ બુદ્ધિ જ આપણી સાચી સાથી છે. મુશ્કેલીનાં સમયમાં પણ જે ડર્યા વિના, સ્વસ્થ મનથી, ઝડપથી વિચારવાની કાબેલિયત ધરાવે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે છે!
ચાલો, આજે એક નવી બાળવાર્તા (fun story for kids in Gujarati) વાંચીએ. If you prefer to read such fun stories for kids in english, Read here.
બહુ વખત પહેલાની વાત છે, એક તળાવ પાસે એક બગલો રહેતો હતો.
બગલો ખબર છે ને? પેલું એકદમ રૂ જેવું સફેદ, લાંબી ચાંચ, લાંબા પગવાળું પક્ષી, જે પાણીમાં લાંબા-લાંબા ડગ ભરીને ચાલે. અને એ શું ખાય ખબર છે? માછલી ખાય, દેડકા ખાય, નાના-નાના કરચલા ખાય અને વળી પાણીમાં રહેતા જીવ-જંતુ પણ ખાય!
તો, આવો જ એક બગલો એક સરસ મજાના, નાનકડા તળાવ પાસે રહે.
તળાવ તો ખુબ સુંદર, તેમાં ચોખ્ખું, મીઠું પાણી અને એ પાણીમાં જાત-જાતની માછલીઓ અને બીજા જીવો રહે. એટલે આપણા બગલાભાઈને તો મજા જ મજા! રોજ અલગ-અલગ પ્રકારની માછલીઓ ખાવા મળે તો કોને ન ગમે? એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો.
સમય જતા બગલો થઇ ગયો વૃદ્ધ! હવે આંખો નબળી થઇ, શક્તિ ઓછી થઇ એટલે બગલો સારી રીતે શિકાર કરીને માછલીઓ પકડી શકે નહીં. કોઈ કોઈ વખત તો ભૂખ્યા રહેવાનો વારો આવે. પણ, બગલો એટલે એક ચતુર પક્ષી! તેણે એક યુક્તિ વિચારી લીધી કે જેથી કરીને તેની સમસ્યાનું કાયમી સમાધાન થઇ જાય અને હંમેશને માટે તેનાં ભોજનની વ્યવસ્થા થઇ શકે.
એક દિવસ બગલો તળાવમાં એકદમ ઉદાસ ચહેરા સાથે સ્થિર ઉભો હતો, ન હલે કે ન ચલે; ન તો માછલીઓ પકડે!! આમ તો તળાવના બધા જીવો આ બગલાથી દુર જ રહે કેમકે, ક્યારે બગલાભાઈ એમનો કોળીયો કરી જાય એ થોડી ખબર પડે? પણ, આજે તો બધા તરતા-તરતા એમની ખૂબ નજીક પહોંચી ગયા તો પણ, બગલો તો એમને જાણે જોતો પણ નથી. આ તો કેવું આશ્ચર્ય!? બગલો માછલીઓ ન પકડે એ તે કેવું?
તેનાં આવા વર્તનથી આશ્ચર્ય પામેલા જીવોમાંથી તળાવનો સૌથી વૃદ્ધ અને સમજુ કરચલો આગળ આવ્યો અને તેણે બગલાને પૂછ્યું, “શું વાત છે, બગલાભાઈ? કેમ આમ ઉદાસ છો?” દુઃખી ચહેરે, ભારે અવાજમાં જવાબ આપતા બગલો બોલ્યો, “અરે, અરે મારા આ પ્રિય તળાવને છેલ્લી વખત મન ભરીને જોઈ લઉં. હવે તો હું આ ઘર છોડીને દૂર ઊડી જવાનો છું. મને તમારી બધાની અને આ સુંદર તળાવની ખૂબ જ યાદ આવશે પણ, શું કરી શકાય?”
આ સાંભળી એક નાનકડી માછલી આગળ આવી અને આતુરતાથી પૂછવા લાગી, “કેમ? શું થયું? ઘર છોડીને કેમ જાઓ છો?”
તળાવના જીવોને પોતાની યુક્તિમાં ફસાતા જોઈ બગલો વધુ ઘેરા, ઉદાસીન અવાજમાં બોલ્યો, “મેં સાંભળ્યું છે કે, અમુક લોકો આ તળાવને માટીથી ભરી દેવાના છે. એ લોકો અહીં ખેતી કરીને પાક ઉગાડવાનું વિચારે છે. આ તળાવ સુકાઈ જશે તો શું થશે? આમ કહીને બગલો તો રડવા જેવો થઇ ગયો. રડમસ અવાજમાં આગળ બોલતા બગલો કહે, “હું તમને મરતાં નહીં જોઈ શકું. એટલે જ, હું અહીંથી ઊડી જવાનો છું. મેં નજીકમાં જ એક મોટું તળાવ જોયું છે. ત્યાં જઈને તમારા બધા વિના બાકીનું જીવન જીવી લઈશ.
અલવિદા મિત્રો!! કાશ, હું તમારી મદદ કરી શક્યો હોત!”
બગલાની આવી વાત સાંભળી તળાવમાં રહેતી માછલીઓ, દેડકા અને કરચલા તો ગભરાઈ ગયા. એ બધા સાથે મળીને તેમને બચાવી લેવા માટે બગલા પાસે આજીજી કરવા લાગ્યા. તેમણે બગલાને કહ્યું કે, એ તેમને ચાંચમાં ભરીને પેલા મોટા તળાવ સુધી લઇ જાય.
બગલો આવા કામ માટે ના પાડે ખરો?
થોડી હા-ના કરતા લુચ્ચો બગલો બધાને એક-એક કરીને વારાફરતી પેલા તળાવ સુધી લઇ જવા માટે માની ગયો. તળાવનાં બધા જીવો તો ખુશ-ખુશ થઇ ગયા. એ તો નવા, મોટા તળાવમાં એમનું જીવન કેટલું સરસ હશે તેની કલ્પનામાં રાચવા લાગ્યા.
હવે, બગલો વારાફરતી એક-એક માછલીને પોતાની ચાંચમાં ભરીને પેલા તળાવ સુધી લઇ જવા માંડ્યો. તળાવનાં જીવો નવી જગ્યામાં પોતાના ભાઈઓ અને મિત્રોનું જીવન કેટલું સરસ હશે એ વિચારીને ખુશ થતા. બધા હોંશભેર પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. પણ, ખરી વાતની તેમને ક્યાં જાણ હતી?
હકીકતમાં, બગલો તેમને ચાંચમાં ભરીને ઊડતો હતો ખરો પણ, એ તેમને ક્યાં લઇ જતો હતો ખબર છે? એ તેમને ચાંચમાં ભરીને, તળાવથી થોડે દૂર એક મોટા ખડક પર (ખડક એટલે કાળો, વિશાળકાય પથ્થર!) લઇ
જતો અને ત્યાં બેસીને આ માછલીઓ, દેડકા કે નાના કરચલાઓને પોતાનું ભોજન બનાવતો હતો. અને તેમનાં હાડકાં ત્યાં જ ફેંકી તળાવ પર પાછો આવી બધાને ખોટું-ખોટું કહેતો કે, પેલા મોટા તળાવમાં તો બધા ખુબ આનંદ કરી રહ્યા છે. તળાવનાં જીવો તેની વાત માની, બગલાનો આભાર માનતા પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોતા!
આ તો હવે રોજનું થયું, જયારે-જયારે બગલો ભૂખ્યો થાય, ત્યારે-ત્યારે એ પેલા મોટા તળાવમાં લઇ જવાનાં બહાને માછલીઓને પોતાની ચાંચમાં ભરીને લઇ જતો અને તેમનો કોળીયો કરી જતો.
આવું લાંબો સમય ચાલ્યું. અત્યાર સુધીમાં તો હવે બગલો આ તળાવની મોટાભાગની માછલીઓ, દેડકા અને નાના કરચલા ખાઈને તાજોમાજો થઇ ચુક્યો હતો.
હવે વારો આવ્યો પેલા વૃદ્ધ, સમજુ કરચલાનો! વૃદ્ધ કરચલો નવા ઘરમાં જવા માટે ઘણો ઉત્સુક હતો. તે વિચારી રહ્યો હતો કે, “હાશ! હવે હું મારા પરિવાર અને મિત્રો સાથે નવા, મોટા ઘરમાં આનંદથી જીવન પસાર કરીશ.”
આ બાજુ મનમાં રાજી થતો બગલો વિચારી રહ્યો હતો કે, “આવ, આવ મૂર્ખ કરચલા! આજે મને પણ થોડી અલગ વાનગી ખાવાનો આનંદ આવશે. રોજ-રોજ એકસરખું ભોજન ખાઈને હું પણ ઉબાઈ ગયો છું! (ઉબાઈ જવું એટલે ખબર છે ને? કંટાળી જવું કે એકનું એક ખાઈને અરુચિ થવી)”
હવે, બગલો તો કરચલાને ઉપાડી અને પેલા મોટા ખડક તરફ ઉડવા લાગ્યો. કરચલો પણ મનમાં ખુશ થતો પોતાનું નવું ઘર જોવા મળે તેનાં ઉત્સાહમાં નીચે આમ-તેમ જોવા લાગ્યો. અધીરો બની એ તો હવે ક્યારે મોટું તળાવ દેખાય અને ક્યારે તેનાં પરિવારજનો અને મિત્રો તેને આવકારે તેની રાહમાં ચારે તરફ નજર દોડાવે છે. પણ, દૂર-દૂર સુધી ક્યાંય કોઈ તળાવ કેમ નથી દેખાતું? અને આ શું? નીચે એક મોટો, કાળો ખડક છે ને તેના પર આ શું પડ્યું છે? અરે, આ તો માછલીઓના હાડકાં!? આખા ખડક પર આમ-તેમ વિખરાયેલા માછલી વગેરેનાં હાડકાં જોઇને અનુભવી અને હોશિયાર એવો કરચલો આખી વાત સમજી ગયો.
હવે, બગલો જેવો ખડક તરફ નીચે ઉતરવા લાગ્યો કે તરત જ, કરચલાએ
પોતાનાં કાતર જેવા ધારદાર પંજા વડે બગલાની ડોક કચકચાવીને પકડી લીધી. બગલો આમ-તેમ જટકા મારી પોતાનું ગળું છોડાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ, કરચલો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે, તેણે બગલાની ડોક પર પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી. છેવટે દુષ્ટ બગલાની ડોક મરડાઈ ગઈ અને મરેલો બગલો જમીન પર પટકાઈ પડ્યો.
ત્યારબાદ, કરચલો ત્યાંથી ધીમે-ધીમે ચાલીને પોતાના તળાવ સુધી પાછો ફર્યો. આવીને તેણે બધાને બગલાની દુષ્ટતા અને તેનાં બદ્દઈરાદા વિશે જણાવ્યું. તેમજ પોતે કઈ રીતે બગલાથી પોતાનો બચાવ કર્યો એ વાત પણ કહી સંભળાવી. તળાવનાં બધા જીવોએ સમજુ કરચલાનો આભાર માન્યો અને તેની બહાદુરીનાં વખાણ કરતા તેને બિરદાવવા લાગ્યા.
આમ, કરચલાની ત્વરિત વિચાર કરી શકવાની શક્તિ, ધૈર્ય અને તેની બહાદુરી વડે તેનો તથા તળાવનાં બીજા ઘણાં જીવોનો દુરાચારી બગલાથી બચાવ થઇ શક્યો!
એકદમ જોરદાર
ધન્યવાદ!
This is a good story and keep ot up
Thank you!
Hope you like all the stories and articles here.
Will love to have your views on the other posts too.
Keep writing me back…
Happy reading!