“અંત્યો” – Gujarati Poetry

antyo poetry gujarati

જીવનમાં ક્યારેક કોઈ એક ચોક્કસ પસંદગી કરવા માટે અવકાશ ન દેખાતો હોય ત્યારે, ભાગ્ય દ્વારા નિર્મિત સંબંધો તેમજ ઋણાનુબંધ જેમ મળ્યા હોય તેમ જ સ્વીકારીને સહજ રીતે જીવી જવાનું હોય છે.

મુજ જીવનનાં બે અંત્યો; જે દેતાં મુજને સાદ,
એક વર્ષોથી મરુભૂમિ ને એક નર્યો વરસાદ.

એક નિરંતર તરસાવે ને-
એક ભીંઝવે સતત;

તરસને હું પી જાણું કે,
બૂંદને ઝીલું ઝટ?

ભાગ્યવિધાતા દોરતો મુજને, વાત ના મારે હાથ.
મુજ જીવનનાં બે અંત્યો…

એક તો મુજથી દૂર કદી ના-
એકની ના હું પાસ;

એક ધબકતું હ્રદય ગણું તો,
એક ચાલતો શ્વાસ.

કઈ બાંધું,કઈ છોડું? — ઉક્લે ના આ ગાંઠ!
મુજ જીવનનાં બે અંત્યો…

રોજ ધરીને રૂપ અનોખા –
નીપજાવું સંગાથ;

એકની હું વગડાની રેણુ,
બીજાની અબ્ધિ અગાધ.

જીવાદોરીનાં બંને છેડાં- કેમ રે છોડું સાથ?
મુજ જીવનનાં બે અંત્યો…

*અબ્ધિ = સમુદ્ર, જળરાશી

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • One Comment
    1. દરેક સંવેદનશીલ માનવીના આંતરિક કોંફ્લિક્ટ્સની સુંદર અભિવ્યક્તિ.

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal