જીવતર ઉજાળશું – A Gujarati Poetry by Swati Joshi

jeevatar ujalishu gujarati poetry swatisjournal

નિયતિ, ઈશ્વર, કુદરત સૌ સૌનું કામ કરે. એમણે જ ઘડ્યા છે એટલે આપણે તેને તાબે થઈને એ આપે એ સ્વીકારીએ પણ ખરા. પરંતુ, મનુષ્ય તરીકે આપણને આ બધા તરફથી એક ખાસ બક્ષિસ મળી છે – ઇચ્છાશક્તિ! જાતે વિચારી શકવાની અને પસંદગી કરવાની છૂટ કદાચ આપણને એકને જ છે તો, પસંદગી સાચી છે કે ખોટી એ ઝંઝટમાં પડ્યા વિના, હૃદયમાં હિમ્મત ભરી આગળ વધતા રહેવું એ જ આપણા માટે જીવનનું સત્ય છે. અને આમ આગળ વધવામાં, સમયનાં અંત સુધી આવવું હોય એ આવી જાય, થવું હોય એ થઇ જાય પણ આપણે તેમની શ્રેષ્ઠ રચના છીએ એટલે કરીશું તો કંઈક ખાસ એ તો એમને કહેવું જ રહ્યું.. તો કહીએ??

અમારા મથાળે તમે લખશો જો અંધારું,

અમે એ છીએ કે,

બાળીને જાત અમ જીવતર ઉજાળશું.

તમસ ઉસેડી લાવો તમે આખા બ્રહ્માંડનું,

અમે એ છીએ કે,

ખરતા તારા વીણી લાવશું.

આછો આપો કે પછી ઘેરો અંધકાર ચાહે,

અમે એ છીએ જે,

કોઠે દીવડા પ્રગટાવશું.

ગાઢો અંધાર તમે આપી તો જુઓ જરા,

અમે એ છીએ જે,

મહીં ચાંદો ઉગાડશું.

કાળેરા કોલસે લખો કિસ્મત અમારી તમે,

અમે રે એમાંથી,

રૂડાં રત્નો ખોજી લાવશું.

હથેળીની રેખાઓ જો તિમિરે ભરો તમે તો,

અમે એ છીએ કે,

એની કરી મેશ, અમ આંખ્યુંમાં આંજશું.

શ્વેત બધું વહેંચી, અમને શ્યામ સાવ આપો ભલે,

અમે એ છીએ કે,

એના રે ટીલે ખુદની નજરું ઉતારશું.

અબનૂસી આડંબરે તમે ઘેરી દો ગગન અમારું,

અમે એ છીએ કે,

મંછાના જોરે ખુદનું ‘ઇંદ્રચાપ’ સજાવશું.

કાળા માથાનો મને માનવ ઘડ્યો ત્યારે;

તમને એ કેમ કરી ભૂલવા દઉં ભુવનેશ્વર?

અમે એ છીએ જેને,

હૈયે હામ કેરો રામ વસે –

અમ શું તમને લજાવશું??

અમારા મથાળે તમે લખશો જો અંધારું,

અમે એ છીએ કે,

બાળીને જાત અમ જીવતર ઉજાળશું!!

કોઠો = મન (heart ), અબનૂસી = ઘેરું કાળું (Color of Ebony tree, Jet black), મંછા = ઈચ્છા, મરજી (desire), ઇંદ્રચાપ = મેઘધનુષ્ય (rainbow)

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal