ક્યારેક આપણે જે છીએ અને લોકો આપણા વિશે જે સમજે કે માને છે એ બંનેમાં જમીન-આસમાનનો ફર્ક હોય છે અને રહેવાનો જ કેમકે, આપણે જે છીએ એ બનવા પાછળ નિયતિ, સંજોગો, સમય વગેરે જેવા અનેક પરિબળો જવાબદાર હોય છે જે લોકો સમજી ન શકે કે તમે સમજાવી પણ ન શકો. દરેકને બધું તો ન સમજાવી શકીએ પણ જો કોઈ ખાસને કંઈ કહેવું જ હોય તો, કંઈક આવું કહી જોવું..
સૂકી રેતીના ટિંબા પર મને હરિયાળીની આસ છે;
તમને દેખાય નહીં ને, મારાથી કહેવાય પણ નહીં કે,
વાદળ ભલે ને નામ હો મારું,
મારો સ્વભાવ નરી પ્યાસ છે!
સપનામાં ઊડતાં હું ભીનું – ભીનું ફર્યા કરું છું,
હવાની ઉપર લીલું – લીલું તર્યા કરું છું;
ઊંચે ઉઠતાં તૂટે જે ઘડી સ્વપ્ન એ મારું,
ધીમી ધારે દૂર વહી જાય મારી ભીનાશ છે.
તમને દેખાય નહીં ને, મારાથી કહેવાય પણ નહીં કે,
વાદળ ભલે ને નામ હો મારું,
મારો સ્વભાવ નરી પ્યાસ છે!
ઘાટ હો કે ઘટ બંને મેં મોટા રાખ્યા છે,
મધમીઠાં કે ખારા ઉસ નીર બંને મેં ચાખ્યા છે,
લીધું જે કંઈ એ રાખ્યું પોતાનું કરીને,
શું, ક્યાંથી ને કેટલું એનો ક્યાં કોઈ ક્યાસ છે?
તમને દેખાય નહીં ને, મારાથી કહેવાય પણ નહીં કે,
વાદળ ભલે ને નામ હો મારું,
મારો સ્વભાવ નરી પ્યાસ છે!
તપવું ને ગ્રહવું; શોષીને પોતાનામાં જોડી લેવું,
બહુ ભાર વધે ત્યારે અંગત પણ છોડી દેવું,
આ ક્રમ ને આ જ ક્રિયા બસ જીવન છે,
જેનું એક માત્ર સત્ય ‘ગતિ’ અને ‘પ્રયાસ’ છે!
બાકી,
તમને દેખાય નહીં ને, મારાથી કહેવાય પણ નહીં કે,
વાદળ ભલે ને નામ હો મારું,
મારો સ્વભાવ નરી પ્યાસ છે!