“राम नाम मनिदीप धरु, जीह देहरीं द्वार।
तुलसी भीतर बाहेरहुँ, जौं चाहसि उजिआर॥” – તુલસીદાસજી અહીં બહુ સરળ રીતે જીવનનું સત્ય સમજાવે છે કે, જે લોકો લૌકિક અને પારમાર્થિક જ્ઞાનનો પ્રકાશ ઝંખે છે એમને માટે, રામનામ ચેતનાનો ઉજાસ પૂરો પાડતો દિપક છે. શ્રદ્ધા અને શરણાગતિ વિશ્વનાં ચાલકબળ છે પરંતુ, સામર્થ્ય હોય ત્યાં સુધી મનુષ્ય આ સત્યને પામી કે સ્વીકારી શકતા નથી. પોતાનાં બળ, હિંમત અને પ્રતાપે આપણે માનીએ છીએ કે સંસારમાં કશું અશક્ય નથી છતાં, આપણને એ બક્ષનાર પણ કોઈ શક્તિ છે એ તો માનવું જ રહ્યું. આ શક્તિને દરેક વ્યક્તિ, પોતાનાં ગુણ – તત્વોને આધારે અલગ અલગ સ્વરૂપે અનુભવે અને સ્વીકારે છે. મારા માટે આ પૃથ્વી પર એ શક્તિ એટલે શ્રી રામછે. મારા અસ્તિત્વ અને જીવનનું સાતત્ય તેમજ પ્રાણ હો કે પ્રેરણા, મારો એક માત્ર સ્ત્રોત એટલે રામનું નામ. આજનાં પાવન અવસરે એમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મારો આ નાનકડો પ્રયાસ.
અમ શ્વાસ કહો કે આસ ગણો, ચાહે કહો આ વિશ્વ તમામ,
મુજ ક્ષેત્ર, છત્ર કે નક્ષત્ર ગણો, મારું સઘળું પ્રભુ શ્રી રામ!
રાખે ઘડ્યા ને રાખમાં રોળશે, ઈશ્વરનું એ જ તો કામ,
માયાને ધોકડે પ્રાણ પૂરી, રમતા રાખે મારા રામ!
શબ્દ કહો કે મંત્ર ગણો, મુજ શ્રુતિ કેરો એ સામ,
મારી સર્વે ક્રિયાનું જારણમારણ, બસ રામનું નામ!
સુખનું કારણ, દુઃખનું મારણ, જીવની શાતા ને આરામ,
મુજ હેમંત, શિશિર, વર્ષા કે ગ્રીષ્મ, એ સકળ પ્રભુ શ્રી રામ!
જીવન મોક્ષ, ધર્મ ને અર્થનો મંડપ, જેનો ચોથો પાયો કામ,
માંડવો મારો સદા સલામત, કે એનો ચંદરવો શ્રી રામ!
દુષણ હો ચાહે કોઈ વ્યગ્રતા, દિગ્મૂઢતા કે હો અવમાન,
વ્યાહત વૃત્તિ કેરું મારક છે પ્રભુ રામનું નામ!
ક્ષેત્રી કેરા સ્વામી એક એ, મુજ ચિત્તનો એ જ વિરામ,
વસુંધરા પર સર્વવ્યાપ્ત વિભુ, સંસાર સત્વ શ્રી રામ!
અમ શ્વાસ કહો કે આસ ગણો, ચાહે કહો આ વિશ્વ તમામ,
મુજ ક્ષેત્ર, છત્ર કે નક્ષત્ર ગણો, મારું સઘળું પ્રભુ શ્રી રામ!
ક્ષેત્ર = જમીન (અહીં), છત્ર = આકાશ (અહીં), નક્ષત્ર = ખગોળીય વિસ્તાર (અહીં), ધોકડે = શરીરે, દેહમાં,
સામ = ગાયન વિશિષ્ટ મંત્ર, એક તાલનું નામ,
જારણમારણ = વશીકરણ, મંત્ર કે પદ, વ્યાહત = કુંઠિત, વિક્ષિપ્ત, ક્ષેત્રી = આત્મા,
સત્વ = સાર, બળ