ક્ષણભંગુર જીવનમાં ગમતાંને ગ્રાહી લેવું કે મન ભરીને માણી લેવું એ જ સુખ છે તો, એ સુખનાં ચાર છાંટા માગવામાં છોછ શાનો? કોઈના હાજર હોવા માત્રથી જીવનની ગુણવત્તામાં ફર્ક પડતો હોય તો, સાથ મળશે કે કેમ એ પછીની વાત છે, પૂછી તો શકાય જ ને? જિંદગી અપરંપાર શક્યતાઓ સહિતની યાત્રા માત્ર છે એટલે બને કે વિધાતા રીજે અને તમે જે માગો છો એ મળે પણ ખરું અને જો ન મળે તો, ઈચ્છાઓના બળે જીવનના અંત સુધી સુખ તરફ ગમન કરતા આપણને વિધાતા પણ ન રોકી શકે, ખરું ને?
અમે સૂકા તે રણનો વીરડો હો જી,
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
અમ કાને પડે ન કદી વહેવાનું ખળખળ
પણ,
વરસવું તમારું, જાણે ઝાંઝરનો અવાજ.
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
અમે મૌન બની રહીએ છો વીતતી પળોમાં
શું
નહીં પાળો તમ પણ ગર્જનનો રિવાજ?
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
આખર જે ‘તું છે એ હું છું’ ને ‘હું છું એ તું છે’
તો,
આ અતડાપણું શાને કાજ?
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
રણની ‘વિધવા’ સફેદી અમને ભરખે એ પહેલા
વરસો તો,
અમ સજી લઈએ ‘સધવા’ ના સાજ
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ! !
અમે રણનાં આ તાપે જો બાષ્પ બની ઊડશું
તો,
બસ આંબી લઈશું તમને આજ!
અમે સૂકા તે રણનો વીરડો હો જી,
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
ક્ષણભંગુર જીવનમાં ગમતાંને ગ્રાહી લેવું કે મન ભરીને માણી લેવું એ જ સુખ છે”, આ પંક્તિ એટલી પ્રભાવશાળી છે કે જીવનને જીવવાની શ્રેષ્ઠ રીત સમજી શકાય.
અમે મૌન બની રહીએ છો વીતતી પળોમાં
શું
નહીં પાળો તમ પણ ગર્જનનો રિવાજ?
કેટલીય સંવેદનાઓ આ વિચાર માં છુપાયેલી છે . અદ્ભુત લેખન. ખરેખર જોરદાર કલ્પના છે !