સંવેદનશીલ વ્યક્તિ માટે જીવન બીજા લોકો જેટલું સરળ નથી હોતું. દુનિયા અને તેના વ્યવહાર આવી વ્યક્તિઓને પોતાનાં અસ્તિત્વ વિશે પણ સંશયમાં મૂકી દે છે. આંતરિક, ભાવનાત્મક હરિયાળીની સુંવાળપ સિંચતી વ્યક્તિઓને દુન્યવી બરછટ વ્યવહારો સતત પજવે છે. સામેવાળાની લાગણીઓ વિશે જવલ્લે જ વિચારી શકતા, બેફીકર એવા લોકોની ભીડની વચ્ચે આવી વ્યક્તિઓ એકલતા અનુભવે એ સ્વાભાવિક છે. આવા જ એક હુંફાળા માનવીને તેનાથી અલગ એવી, કોરીકટ દુનિયામાં પોતે છે અને છે તો શું છે તેનાં પ્રશ્નો પરેશાન કરે છે તેની સુંદર અભિવ્યક્તિ માણો તેમજ પોતાનાં પ્રતિભાવો આપવાનું ભૂલશો નહીં.
આ ભીડ, આ લોકો, આ તહેવારની વચ્ચે
શોધતો રહ્યો હું મને
આ વહેવારના પડકારની વચ્ચે
શોધતો રહ્યો હું મને
લાગણીનાં માવઠા વરસ્યા ધોધમાર
કોરો રહીને બે ધારની વચ્ચે
શોધતો રહ્યો હું મને
પડઘા ઝીલવા પહોંચ્યો હું જેના
એના મૌનના સુનકારની વચ્ચે
શોધતો રહ્યો હું મને
દરખાસ્ત રજુ કરવા હું બોલું તે પહેલા
બરખાસ્ત કરેલા દરબારની વચ્ચે
શોધતો રહ્યો હું મને
આ વહેવારના પડકારની વચ્ચે
શોધતો રહ્યો હું મને