મનની બારીનો આગળિયો સરખોથી વાસી લઉં,
લાગણીઓનું આકાશ ફરી ગોરંભાય એવું લાગે છે.
મનના એ ઓરડામાં ભેજ હજી અકબંધ છે,
સ્મૃતિઓમાં ભીનાશ જરા હોય એવું લાગે છે.
પ્રતીતિઓના ઉકળાટે બાષ્પ બની બાઝે તું,
વરસીને મુક્ત થતો હોય એવું લાગે છે.
ઈચ્છા ઘણી કે તારું ફોરે-ફોરું ઝીલી લઉં,
રખે, મનમાં ચૂવાક થઈ જાય એવું લાગે છે.
ઝાકળ શો ઝરે કે ઝડી સરીખો ઝબકોળે,
મનની હાલત બિસ્માર થઈ જાય એવું લાગે છે.
સમજણના વાયરે વ્હાલા, દિશાઓ બદલજે તારી,
હવે ‘હું’ થી ‘તું’ નહીં રે ઝીલાય એવું લાગે છે!
એટલે જ,
મનની બારીનો આગળિયો સરખોથી વાસી લઉં,
લાગણીઓનું આકાશ ફરી ગોરંભાય એવું લાગે છે.