મને ઘેરી રહેલી અધુરપનો તું એક હિસ્સો છે.
ઘડપણમાં જેનાં પર હસી શકું એવો એક કિસ્સો છે.
વિરહની વેદના અને પીડાનાં પાષાણ સાચવી રાખ્યા છે;
બે હાથ ભલે ને ખાલી, મન પર બોજો ખાસ્સો છે.
વિચારોનાં પિશાચ ભટક્યા કરે છે તારી આસપાસ;
ફરજે બંધાયેલા દેહને એ જ વાતનો તો ગુસ્સો છે.
દિન-પ્રતિદિન જર્જર થઈ રહેલા ચાહતનાં અંબરમાં;
એકલપંડે લગાડેલા એ થીગડાંનોએ ઠસ્સો છે.
સમય સાથે, હું અહીં અને તું ત્યાં વીતી રહ્યા ભલે ને;
ખાલીપામાં ખોવાતા પહેલા,હજુ જીવી જવાનો જુસ્સો છે.
મને ઘેરી રહેલી અધુરપનો તું એક હિસ્સો છે.
ઘડપણમાં જેનાં પર હસી શકું એવો એક કિસ્સો છે.
* અંબર = વસ્ત્ર