થોભેલા જોઈ અમને, માનશો ના કે,
આ જ આખરી પડાવ છે;
દિવસો હોય કે જાત ખર્ચવાના જ હોય તો,
જીવ આપણો ઉડાઉ છે!!
ઋતુ બદલાવાની જ રાહ હોય છે બસ;
ઝાલ્યા નહીં રહીએ કોઇથી જો હવામાં,
થોડો પણ તણાવ છે!!
પતંગ કે પાંખ હોઈએ તો, હવાની અધ્યારી ને?
અહીં તો ઝરણ, તરંગ કે વહેણ મળ્યા તો,
જાત આપણી નાવ છે!!
ખેડવા જ નીકળ્યા છીએ તો, શું ટીંબા કે શું ડુંગરા?
ઊંચા ચઢાણને જ હકીકત ન માની લેશો,
જ્યાં બીજી બાજુનું સત્ત તો ઢોળાવ છે!!
આવન-જાવનનાં ફેરા આપણે જ નથી ખાલી;
ચંદ્ર હો કે ભાનુ દોડ્યા કરે છે આપણી જેમ,
જુઓ, એને પણ રાયતનો અભાવ છે!!
મનમાન્યું એક કામ કરવાની છૂટ હો ત્યારે;
સમયની માટીમાં જોરથી એક પગલું પાડી જજો,
કેમકે,ભૂંસાઈ જવું એ ક્યાં આપણો સ્વભાવ છે??
બાકી,
થોભેલા જોઈ અમને, માનશો ના કે,
આ જ આખરી પડાવ છે;
દિવસો હોય કે જાત ખર્ચવાના જ હોય તો,
જીવ આપણો ઉડાઉ છે!!
*તણાવ= તાણ, ખેંચાણ, *અધ્યારી= (અહીં)ગુલામી, *ઝરણ= ઝરણું,પ્રવાહ, *સત્ત= સત્ય, *રાયત= રાહત, સુખચેન