જીવન એક અદ્ભુત ઘટના છે.અહીં જે જેવું દેખાય છે કે, સમજાય છે એ એજ સ્વરૂપમાં અનુભવી શકાશે એ નક્કી રહેતું નથી. વસ્તુઓ, ઘટનાઓ કે અભિવ્યક્તિઓ તેમનાં વ્યક્ત સ્વરૂપ અને એના અર્થ વચ્ચેનાં ભેદ વડે આપણને સતત અચંભિત કર્યા કરે એ જ જીવન!
બાર ગાઉએ બોલી બદલાય
પણ, બોલી ને બદલાય
એ ન્હોતી ખબર…
ભીની રેતમાં ઘર ઘર રમે
એવા ઘર ન ચણાય
એ ન્હોતી ખબર…
લીલુડાં ખેતરની લ્હાયમાં
પાનખર થઈ જવાય
એ ન્હોતી ખબર…
વાવ્યું હશે એવું લણ્યું હશે પણ,
આ ખેતર સાવ રણ હશે
એ ન્હોતી ખબર…
ચાલ્યા તો ખૂબ પણ પહોંચ્યા નહીં,
આ ટાંટિયા તૂટશે પછી
એ ન્હોતી ખબર…
આવીશ કહી ને બહાર જાય,
એ ફરી પાછા ના ફરે
એ ન્હોતી ખબર…
લાંબી સફરે નીકળેલ જહાજ,
વા વાતા પલટી ખાશે
એ ન્હોતી ખબર…
છું કહી ને હોય નહીં મેદાનમાં,
મેચ એવી પણ ફિક્સ થાય
એ ન્હોતી ખબર…
તૃષાતુર થતા પીતા હતા જે જળ,
ઝાંઝવાનાં નીકળશે
એ ન્હોતી ખબર…
મુમતાઝ માટે બંધાતા તાજમહેલમાં,
શહેનશાહની ખોદાઈ જશે કબર
એ ન્હોતી ખબર…