હાય ડીઅર !
તું પરમ કૃપાળુ દીનદયાળુ દીનાનાથ કે જે હોય તે,
તારી કૃપા તું આમ આટલી ન વરસાવ, થોડું અમારું સ્વમાન સચવાય એટલું દુઃખ તો આપ…
ઘડીક જપ તું ભઈલા, બેસ મારી સાથે, વાત કર, પછી જે કરવું હોય એ કર.
આપવું હોય તો આપ, પણ સાથે લેતાં પણ શીખ ભોળા !
આપી આપીને અમને આમ ન બગાડ…
થોડો અમારા જેવો થા તો તને પણ થશે કે, સાલું ભગવાન કરતાં માણસ બનવામાં માલ છે!
બાકી તો તું આમ ને આમ ખાલી છિદ્રાળુ પાત્રો ક્યાં સુધી ભર્યા કરશે અમ ભિક્ષુકોના દોસ્ત ?
અમે તો આવ્યા એમ જ જશું ખાલી હાથ – તારે દ્વાર…
તું ક્યાં જશે યાર ?
લિખિતંગ તારો નપાવટ,
– “માણસ”