કુદરતમાં કદાચ મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેની મર્યાદાઓ અને શક્તિઓ બંને અસીમ છે. આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ…
Read new poetry in Gujarati this week. Visit all Gujarati Poems by Author Here.
હું ઢંઢેરાનો ઢોલ નથી,તું મારા પર દાંડી પીટ્યા કર ના.
હું થાળીમાં વધેલું અન્ન નથી, તું મને ઉકરડામાં ફેંક ના.
હું કરમાયેલી કળી નથી, તું મને નિર્દયી થઇ મસળ ના.
હું બરફનો ટુકડો નથી, તું મને તારા તાપની ધાકમાં રાખ ના.
હું પૂનમનો ચાંદ નથી, તું મને અમાસી બીક બતાવ ના.
હું ના વંચાતું પુસ્તક નથી, તું મને પસ્તીની જેમ વેંચ ના.
હું ઢોળાયેલી શાહીથી ખરડાયેલ ચિત્ર નથી, તું મને ફાડીને ફેંક ના.
હું તારો શબ્દકોશ નથી, તું મને તારા શબ્દોનાં અર્થ સમજાવ ના.
હું કાષ્ઠની કોઈ પુતળી નથી, તું મને તારે ટેરવે નચાવ ના.
હું શતરંજની રમતનું પ્યાદું નથી, તું દર વખતે નવી ચાલ, ચાલ ના.
પણ,
હું ધસમસતો પ્રવાહ છું, તું મારા પર બંધનોના બંધ બાંધ ના.
હું નગ્ન-સત્ય છું તારા જીવનનું, તું મને દંભ ને જુઠના ચિંથરે ઢાંક ના.
હું એકમાં અનેક, ને અનેકમાં એક છું, સર્જન વિસર્જનની વ્યાખ્યા, તું મને આપ ના.
હું અમર, અવિનાશી નથી મને ખબર છે પણ, મોતની બીક તું મને બતાવ ના.
હું અટલ, અડગ, સાકાર છું, અસ્થિરતાનો ભય, તું મને બતાવ ના.
હું એકરૂપ-આત્મસાત સ્વરૂપ છું તારું, છિન્ન-ભિન્ન કરી મને, મારા ટુકડાઓમાં શોધ ના!
Find more sad poetry in Gujarati at Kavilok.