જોઈએ તો બસ હું અને તું – Gujarati Poetry | Japan Vora

featured image gujarati poetry japan vora swatis journal

સ્ત્રી-પુરુષ વર્ષો સાથે રહ્યા પછી પણ રહે છે સ્ત્રી અને પુરુષ જ! પરંતુ, લાગણીઓ જ્યાં સુધી આ બે પાત્રોને એકબીજા સાથે બાંધે છે ત્યાં સુધી સંબંધનું સ્વરૂપ, આચાર-વિચાર કે સ્વભાવ કંઈ જ તેમના શાશ્વત સંગાથને અસર કરી શકતું નથી.ભાવનાઓથી જોડાયેલા બંને ગમે તે સંજોગો કે મૂંઝવણોમાંથી પોતાને માટે અનુકૂળ સમાધાન વડે સાથ ટકાવી રાખવાનો માર્ગ શોધી લે છે.વર્ષોનાં સાથ બાદ આ તેમનો સહજ સ્વભાવ બની જાય છે. કદાચ આ જ આપણા સંબંધોનાં મૂલ્યોનું ખરું ભાષાંતર છે!

ક્યાં જોઈએ છે કોઈ માપદંડ
કે સંબંધને ચોક્કસ નામ જોઈએ છે?
જોઈએ તો બસ હું અને તું
અને આમ મળતા રહેવાની હામ જોઈએ છે.

મુલાકાત આપણી માપસર ની
એ તે વળી માફક કેમ આવે?
વરસવું તારે ધોધમાર
મને ખોબાથી ઉલેચતાં કેમ ફાવે?

અઘરું હોય છે આમ અધવચ્ચે આપણી
વાતચીતમાં મૂકવું અલ્પવિરામ,
હજી તો વિચારોના વમળ ઘેરાય,
કિનારે ડૂબાડી દે આ અલ્પવિરામ.

હશે ઘણા પ્રશ્નો, હશે ઘણીયે મૂંઝવણ
ચાલ સમાધાન કરીએ.
અનાવૃત અહંકાર, મ્હોરું મનગમતું
ચાલ નવી ઓળખાણ કરીએ.
વિખેરી દે વિહ્વળતા અને
વહી જવા દે વિચારોને,
ખાલી કરીને અંતર અખૂટ
ચાલને અસીમ ઊંડાણમાં તરીએ.

વિચારો નું અદભૂત બંધન તોયે
કેટલા મુક્ત અરસ-પરસ!
આ તે કેવો આત્મીયતાનો ભાવ?
લાગણીનો આ તે કેવો સ્વભાવ!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 3 Comments
    1. “વિખેરી દે વિહ્વળતા અને
      વહી જવા દે વિચારોને,
      ખાલી કરીને અંતર અખૂટ
      ચાલને અસીમ ઊંડાણમાં તરીએ.”

      કેટલો સરળ ઉપાય છે.. પરંતુ આટલું જ કરી શકવાનું કેમ અશક્ય લાગતું હશે?

      સુંદર રચના!

      1. ખુબ ખુબ આભાર ?? સંબંધ માં તો જ્યાં વ્યક્તિગત ઓળખાણ પૂરી થાય ત્યાં જ કોઈ નવો સંબંધ જોડાઈ શકે એવું મને લાગે છે. કોઈ સાથે જોડાવા અને એનો સ્વીકાર કરવા પોતાનો પર્દાફાશ તો કરવો જ રહ્યો. પણ જાત ને ગુમાવવાનું એ અભિમાન જતું કરવું કદાચ અઘરું હશે એટલે અશક્ય લાગી શકે ?

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal