સંબંધમાં એનાથી હોય શું રૂડું? – A Gujarati Poetry by Swati Joshi

Sambandh ma enathi - Gujarati poetry

શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે એમ, “કોઈ ગુમાને ઉર-અરમાને અમથું મુખડું મોડે, કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે” એટલે સંબંધમાં અરસ-પરસ શું અને કેટલું કરીએ તો પૂરતું થઇ પડે એ જાતે જ નક્કી કરવું પડે છે. આ ‘પૂરતું કરવામાં’ પહોંચી વળવા એકબીજાનો સાથ અને સંવાદ અનિવાર્ય છે. ટકેલા કે વણસેલા સંબંધોમાં થોડું ઊંડે ઉતરીને ચકાસીએ તો, કોઈ પણ સંબંધનાં પાયામાં સંવાદની હાજરી કે ગેરહાજરી હોવાનું જોઈ શકીએ છીએ. આવામાં નિષ્ઠાપૂર્વક સંવાદના સેતુને જોડી રાખીએ અને સંબંધો મજબૂત બને તો, એનાથી રૂડું શું હોય, બરાબર ને?

હું કંઈ થોડું કહું ને તું જો સમજે પૂરું,

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

આપણ સંગાથે ચાલતા જઈએ કશે;

જ્યાં મારગ લીલો ને મહીં ફૂલો હશે,

વાતની અધૂરપને ભાવ વડે ભરવાને –

ધીમેથી હું ડાળથી એક પાંદડું તોડું,

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

કહેવું ઘણું હો પણ કહી ન શકીએ જયારે;

લાગણીની ભરતીમાં સંગે વહી ન શકીએ ત્યારે,

ઉસ જેવા કહેણનું ભરીને હું હાંડલું –

એય ને આઘે જઈને ફોડું,

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

વાતગરા દિવસો ને મૂંગી રાતોની જોડમાં;

ફરજ ઊભી હો જ્યાં લાગણીની હોડમાં,

તોયે ‘રામ-મિલાઇ’ બેલડી –

જો ન લાગે કજોડું,

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

વિચારોને શું એ તો કાંટા થઇ ઉગી નીકળે;

શબ્દ બની ભોંકાય ને રાતા સંવેદનો નીંગળે,

અણધારી માફીનાં આછેરા ઉંટણે –

બાઝે એ ઘા પર જો રૂઝનું પોડું,

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

કરવા ખાતર જ કરીએ એવી વાતો પણ જરૂરી છે;

બિલ્લોરી કાચે અર્થ ખોળીએ, એ વાત નહીં મજૂરી છે,

ગમતીલી કે ચાહે વણગમતી વાત્યુંમાં –

ન તું કંઈ ઉથાપે, ન હું કંઈ વખોડું!

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

સગપણમાં તંતને ખંત વડે ખાળીએ જો;

નિષ્ઠા, વિશદતાને ધરમ કરી પાળીએ તો,

તારી સાચુકલી નજરુંના નિવેદને –

હું સંગે આખું જીવતર ખેડું!

સંબંધમાં એનાથી હોય શું રૂડું?

– ઉસ જેવા – ખારાં, નુકસાન પહોંચાડે તેવા,
– હાંડલું – નાનું માટલું,
– રૂઝ – રુઝાવું, ઘા સાજો થવા લાગવો,
– વાતગરા – બોલકા,
– ઉંટણે – લેપ, ઉબટન વડે,
– વાત્યું – વાતો,
– તંત – હઠ, જીદ,
– ખંત – મહેનત, પ્રયાસ,
– નિષ્ઠા – પ્રામાણિકતા,
– વિશદતા – પારદર્શિતા
– સાચુકલી – સાચી, પ્રામાણિક

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Swati's Journal

    © 2026 Swati's Journal