ક્યાં જોઈએ છે કોઈ માપદંડ
કે સંબંધને ચોક્કસ નામ જોઈએ છે?
જોઈએ તો બસ હું અને તું
અને આમ મળતા રહેવાની હામ જોઈએ છે.
મુલાકાત આપણી માપસર ની
એ તે વળી માફક કેમ આવે?
વરસવું તારે ધોધમાર
મને ખોબાથી ઉલેચતાં કેમ ફાવે?
અઘરું હોય છે આમ અધવચ્ચે આપણી
વાતચીતમાં મૂકવું અલ્પવિરામ,
હજી તો વિચારોના વમળ ઘેરાય,
કિનારે ડૂબાડી દે આ અલ્પવિરામ.
હશે ઘણા પ્રશ્નો, હશે ઘણીયે મૂંઝવણ
ચાલ સમાધાન કરીએ.
અનાવૃત અહંકાર, મ્હોરું મનગમતું
ચાલ નવી ઓળખાણ કરીએ.
વિખેરી દે વિહ્વળતા અને
વહી જવા દે વિચારોને,
ખાલી કરીને અંતર અખૂટ
ચાલને અસીમ ઊંડાણમાં તરીએ.
વિચારો નું અદભૂત બંધન તોયે
કેટલા મુક્ત અરસ-પરસ!
આ તે કેવો આત્મીયતાનો ભાવ?
લાગણીનો આ તે કેવો સ્વભાવ!