બંધન કેરાં મેઘ તણો છો હો આડંબર;
કહે જો તું તો,
મેઘધનુષ થઇ આપણ થોડું ફોરી લઈએ!
પ્રતિબંધોનાં બળબળતા ઉદ્દંડ ઉનાળે;
કહે જો તું તો,
લીલુડાં મનથી થોડું-થોડું મ્હોરી લઈએ!
સાંજ ઢળે, આ આગ સ્નેહની ઠરતા પહેલા;
તું હાથ પકડ તો,
આપણ હૂંફ હૈયે સંકોરી લઈએ!
સંબંધોનાં પલડે, લાગણી લોકો છો ને તોળ્યા કરતા;
કહે જો તું તો,
ખોબો-ખોબો હેત પરસ્પર વહોરી લઈએ!
સમય-વંટોળે હસ્તીની વેળુ ઉડતા પહેલા;
કહે જો તું તો,
આતમ-દ્વારે નામ મજિયારા કોરી લઈએ?
•હસ્તી = અસ્તિત્વ , વેળુ = રેતી , મજિયારા = સાથે , કોરી લેવું = કંડારી લેવું