સોશિયલ મીડિયા, ટેકનોલોજીએ આપણા હાથમાં આપેલું એક રૂપકડું રમકડું! આ રમકડાને તો આપણે દંભને જસ્ટીફાય કરતા સાધન તરીકે ઉપયોગમાં લેવા લાગ્યા છીએ અને છતાં તેનો કોઈ એહસાસ જ નહીં!! આજે જે લોકો, જે સાથ અને સહકારને આપણે આ સોશિયલ મીડિયાનાં ખોખલા ચહેરા પાછળ રહી પોતાનાથી દૂર કરી રહ્યા છીએ એ કોઈક દિવસ ‘કોને પડી છે’ એમ કહી દેશે ત્યારે શું? વિચારી રાખજો… ખાલી પારકા ઉજાસે ચમકતી સ્ક્રીન બનવા કરતા, લાગણીથી ભરેલ હૃદયનો ચહેરો બનીએ તો કેમ?
હાર્ડવેરના શરીરોમાં, સોફટવેરના દિલમાં લાગણીઓ થઇ કેદ છે…
કોને પડી છે ?
વધતા જતા દંભી અવતાર, ગૌતમ બુધ્ધના સ્વાંગમાં,
ભલા થાઓ, ભલું કરો નાં મહોરાં પહેરી સહુ ફરે ઈ-વર્લ્ડમાં…
કોને પડી છે ?
કોમ્પ્યુટરની સ્ક્રીન પર, રોજ નવા ફેઈસ ‘બુક’ થાય …
કોને પડી છે ?
કોણ કેવા છે વાસ્તવમાં ને કોણ શું કરે છે?…
કોને પડી છે ?
કોઈ લાઇક કરે, કોઈ ડીસ્લાઈક, એડ કરે કે ડીલીટ…
કોને પડી છે ?
વોટ્સ એપ પર ‘વોટ્સ અપ?’કહે, પણ દિલથી કહે ‘યુ શટ અપ’
ઈમોજીઝની કરવતથી, શબ્દો વહેરાય…
કોને પડી છે ?
આ તો સોશિયલ સાઈટ્સ છે કે મેટ્રો ટ્રાફિક?
ગમે ત્યારે, ગમે તે, ગમે તેને કરે બ્લોક,
પાખંડીઓ કરે ચક્કા જામ ને ભલા-ભોળા ચડે ટલ્લે…
કોને પડી છે ?
હાર્ડવેરના શરીરોમાં, સોફટવેરના દિલમાં લાગણીઓ થઇ કેદ છે…
કોને પડી છે ?