ધોમ ધખતા તડકે, મેં એક સપનું જોયું’તુ!
બંધ પાંપણની પાંખે, એક સપનું ઉડ્યું’તુ!!
ગયું આભલીએ ગામ ને, ગામ એને ગમી ગયું
દાદા, મામા મળી ગયા ને, એ લઇ ગ્યા તારલીયે બાગ
રમ્યું સંતાકુકડી બહુ જ, વાદળિયું ની વચ્ચે
રમતાં – રમતાં મળી ગયું મેઘધનુષી મિત્ર
સતરંગે રંગાયું એના થઇ ગયું રંગીન
ધોધમાર વર્ષાએ પટકયું પાછું, એને જ્યાંનું ત્યાં
રોકાયું ના ત્યાં, જોયું’તુ મેં જ્યાં-
થઇ ને ખારું ઉસ, વહી ગયું…વહી ગયું.
ધોમ ધખતા તડકે, મેં એક સપનું જોયું’તુ!
બંધ પાંપણની પાંખે જે સપનું ઉડ્યું’તુ!!