મારા નાનકડા સપનાની શરૂઆત થયે બે હા, પુરા બે વર્ષ થયા. આજે એ કહેવું ઘટે કે, દૈવત્વ, અમારા પ્રયત્નો અને સાથે મળેલો આપનો અઢળક પ્રેમ અને સાથ Swati’s Journal ની બીજી એનિવર્સરી ઉજવી શકવાનું કારણ બન્યા છે. હવે પછીનું આખું વર્ષ તનતોડ મહેનત કરીને દોડવા પાછળ કાઢવાની ગણતરી છે. આ દરેક ડગલે આપની હાજરીએ બળ આપવાનું કામ કર્યું છે અને મને વિશ્વાસ છે કે, આગળ તમારો અવિરત સંગાથ રહેશે… તો, આજે આ લખવાનો મોકો છે ત્યારે, પ્રસ્તુત છે મારી નાનકડી સિદ્ધિ!
મુજ નયનોમાં નીંદર, કાજળ, સાજનમાંથી કંઈ ન સમાયે,
લોચન માંહે જૂના નવા સપનાનો ઝખીરો મોટો છે!
તુલનાની તુ-તુ, મૈ-મૈ માં આપણ શાને પડવું?
અનુપમ સૌનાં ઘાટ અનોખા, આપણો ક્યાં કોઈ જોટો છે?
મંઝિલ ચાહે દૂર ઘણી ને મજલ હો લાંબી,
હળવા ડગલે ચાલતા રહેવું, દિવસોનો ક્યાં તોટો છે?
સોણલાં મારા આંખો વાટે આકાશે વિચરે પણ,
દેખી દરિયો થાય નિરાશ એ ખ્યાલ જગતનો ખોટો છે!
કાંક્ષાઓનાં રસ્તે પગમાં શૂળ, ઘાવ ને દર્દ ઘણાં પણ,
સિદ્ધિપત્ર તો સૌને કાજે આપણો હસતો ફોટો છે!