ગમતાં માટે ઝૂરીએ કદી, અણગમતા માટે મરીએ કદી;
જીવન નામે ખેલ મજાનો, હારીએ કદી ને જીતીએ કદી!
ના ક્રમ છે નિયત, ના કાળ અચળ;
નિયમ “ખેલ”-જીવન નાં અકળ,
ના શતરંજ, ના સાપ-સીડી તોયે,
ચડીએ કદી ને પડીએ કદી!
જીવન નામે ખેલ મજાનો, હારીએ કદી ને જીતીએ કદી!
ના રૂપ અચળ, ના ભાવ અચળ;
ખેલ મોહ માયાનો સકળ,
એક-મેક નાં મન નાં દોરા,
બાંધીએ કદી ને તોડીએ કદી!
જીવન નામે ખેલ મજાનો, હારીએ કદી ને જીતીએ કદી!