મનસ્વી – Gujarati Poetry

Manasvi Gujarati Poetry Indian Writer

આજકાલ અહીં પ્રસ્તુત અભિવ્યક્તિ મુજબની છોકરીઓ અને એ માહોલ બહુ જોવા મળતો નથી પણ, જો કોઈક ગ્રામીણ ઇલાકામાં એકા’દ આવી આપખુદ છોકરી મજાક-મજાકમાં છેડતી કરતા કોઈ રોડસાઈડ રોમિયોને ભટકાઈ જાય તો, કંઇક આવો જ જવાબ આપે કે નહીં?

માટીનાં શકોરા જેવું મ્હોરું તારું મલકાવી,
મનાવે તું મુજને માણીગર.

કહું કરમની કઠણાઈ; કાબેલિયત ના તારી,
આવા કામનો કાચો તું કારીગર.

ગમે તેવી ગાંડી-ઘેલી ગોઠડીનાં ગાડાં ભરી,
ગોરીઓને ગમ્મતે ગરક કર.

ટુચકા ને ટોળનાં રે કાળા-મેલાં ટૂમણથી,
ટાયલા તું ટણી કે ટીખળ કર.

નિત-નવા નાટક ને ચેટકના નુસખાથી,
ભલે ને તું નારીથી નજર ભર.

મનની જો મોળી ભાળી; મુજને જો છેડી જાણી,
માથાકૂટ થશે જોજે માતબર.

કપટ ને કાલાવાલા; કરે તું તો રે ને ઠાલા,
કુડા નેણે વળી પાછો તું કંકરી કર.

મરણિયો થશે તોયે; મલોખુંએ મળે નહીં,
એવી મંજરી હું મનસ્વી મનોહર!

*ગોઠડી= વાતો, ગરક કર= ડુબાડી દેવું,ટોળ= ઉપહાસ, ટુમણ= તાંત્રિક ટોટકા, ટાયલા= નખરાળા, ટણી= માથાકૂટ માટે ઉશ્કેરવા, ટીખળ= છેડતી (અહીં), ચેટક= જાદુ, માતબર= મોટા પાયે, કુડા= કાળા, મલોખું=ઘાસનું તણખલું, મંજરી= આંબાનાં મોર જેવી ખીલેલી

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal