ચાહે વાયુ વાતા હો વિપરીત,
પથદર્શી પ્રવાહો હો ના ભલે;
હાથોનાં હલેસે શમણાંને, મેં પાર ઉતરતા જોયા છે.
ચાહે હો અંધારું ગીચ ઘણું,
સૂરજ હો ક્ષિતિજને પાર ભલે;
સપનાથી ભરેલી આંખોમાં, મેં તેજ નીતરતા જોયા છે.
મેઘ મન મૂકીને જો ના વરસે,
ખળખળ જળનું હો દૂર ભલે;
માથેથી ટપકતા પ્રસ્વેદે, મેં બાગ ઉઝરતા જોયા છે.
શમણાં જ તારા તુજ સંગી છે,
ગમતીલા સાથ રહે ના ભલે;
બાકી,
રોજ ‘રમલ’નાં હાથેથી, મેં પાસા સરકતા જોયા છે!
*રમલ = અંકશાસ્ત્રી (numerologist who predicts with the help of dice)