ઘણાં એવા પણ લોકો છે જેમને પોતાની સમસ્યાઓ, પીડાઓ, દુઃખ વગેરેને પોષવામાં કોઈક અનેરો આનંદ મળતો હોય છે; પરંતુ, એમને કહેવાનું એ જ કે, એ બધાને પોષવાનાં પરિણામો મળવાનું શરુ થશે તો એમને રખે નહીં ગમે!!
પરિતાપનાં પારણાને ઝુલાવવું સૌને ગમે
પણ,જો તેમાં વેદનાનું બાળક રડે તો,
રખે નહીં ગમે!
દૂ:ખનાં બારમાસી વૃક્ષને પોષવું સૌને ગમે
પણ,ઊગશે તેમાં પીડાનાં શૂળ તો,
રખે નહીં ગમે!
કૂથલી ને કાવાદાવા ની ભેળપુરી બનાવે સૌ
પણ, મહીં કંકાસની તીખાશ ભળે તો,
રખે નહીં ગમે!
સમજાવટની ગોળી ને સાંત્વનાનો મલમ ઝંખે સૌ
પણ, કદી સલાહનું શલ્ય કોઈ સૂચવે તો,
રખે નહીં ગમે!