રોજ થોડું! – A Gujarati Poetry

roj thodu gujarati poem featured image

ચાહનાનાં પ્રદેશમાં માત્ર એન્ટ્રી જ છે, એક્ઝીટ નથી એટલે એક વખત એ વિસ્તારમાં ડગલું માંડ્યા પછી વહેતા રહેવાનું; દરેક પગલે કોઇક અનુભવની ગઠરી માથે ચઢશે એટલે ભારણ સહન થાય એટલું સહેતા રહેવાનું અને બાકી આવી રીતે જ કહેતા રહેવાનું!

રામ જાણે, ક્યાં સુધી આ ભરણું ભર્યા કરવાનું?
આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!

‘હીર’ કનેથી માટલું પેલું માગી લેવું’તુ;
કદાચ સહેલું થઇ જાત ભવસાગર પાર ઉતરવાનું!

બાકી તો, અઘરું છે,
આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!

આંખથી લઈને હૃદય સુધી સાવ લુખ્ખો વગડો;
રોકાશે ક્યારે આ ભીતર રણનું પ્રસરવાનું?

અને સાથે જ,
રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું?

નવો આ કરતબ હવે લાગે છે શીખવો પડશે;
અઘરું તો છે, લાગણીઓનાં સુકા પટ પર તરવાનું!

પણ ક્યાં છે સરળ,
આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું?

લાગતું એવું કે તુજ વિણ સઘળું થંભી જાશે;
પણ હોતું હશે કંઈ, આ હૃદય ક્યાં ભૂલે ધબકવાનું?

એટલે આપણે તો,
આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!

માંહ્યલી લીલોતરીનું ટીપે-ટીપું સુકાઈ રહ્યું છે;
આંખ એકલી નઠારી નીવડી, ભૂલતી જ નથી નીતરવાનું!

વળી સાથે જ,
આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!

વહાલપ કેરાં અનુબંધ નથી વરસાદી ફોરાં;
છારતો એ અંગાર, ન જાણે ઠરવાનું!

છે કંઈ ઉપચાર કે, પછી આ જ કર્યા કરવાનું?
આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!

*વહાલપ = પ્રેમ, અનુબંધ = સંબંધ, ફોરાં = ટીપાં, છારતો = ખાખ કરી નાખતો

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal