જન્મ-મરણ, સંગાથ-વિરહ, સંબંધ આ બધું જ માત્ર ઋણાનુબંધ! ભાગ્યએ આપણા માટે લગભગ બધું જ પૂર્વ નિર્ધારિત રાખ્યું છે. આપણું જીવનના અલગ-અલગ પડાવ પર એ નિયત પરિણામને બસ મળવાનું બાકી રાખ્યું હોય છે. આ સુંદર વાર્તા આપને એ વાતની પ્રતીતિ જરૂર કરાવશે તેવી આશા સાથે આપના વિશિષ્ટ પ્રતિભાવોની રાહ રહેશે.. લખશો ને?
કુસુમબહેન અને અરવિંદભાઈ દીકરા પરાગની જાન જોડી, વહુ લાવવા ઘરેથી નીકળી રહ્યા છે.
આજે ઘણાં વર્ષો બાદ, કદાચ પહેલી જ વખત કુસુમબહેન, સોહનભાઈને પરણ્યા ત્યારે પોતે પરાગ જેટલી જ ઉંમરનાં હતા એ યાદ આવી ગયું હતું. એ સમયે સૌ વધામણાં લેતાં કે, સોહન-કુસુમની જોડી તો શિવ-પાર્વતીની જોડી જોઈ લો જાણે! બંનેનાં પરિવાર પણ એટલા જ ખુશ કે એકમેકને દરેક રીતે અનુકુળ સંબંધ જોડાયો હતો. બંને સરકારી શિક્ષક અને સ્વભાવ, આવડત, શોખ, રંગ-રૂપ લગભગ બધી રીતે ‘મેડ ફોર ઈચ અધર’. હરવા-ફરવામાં, આનંદ કરવામાં છ-આઠ મહિના તો ક્યાં જતા રહ્યા તેનો ખ્યાલ પણ ન આવ્યો. સતત એકધારું સુખ કે દુઃખ કંઈ ભાગ્યને ગમતું નથી! બસ, આ જ ચલણ મુજબ, સમયાંતરે થોડાં બીમાર થઇ જતાં સોહનભાઈની બંને કિડની ખરાબ થઇ રહી હોવાનું નિદાન થયું. અને કોઈ અકળ કારણોસર રોગ એટલો જલ્દી પ્રસર્યો કે કિડનીનું ઓપરેશન કરવું અનિવાર્ય બની ગયું. ઓપરેશન થઇ પણ ગયું પણ, કદાચ નસીબને આ જોડીનો સાથ મંજૂર જ ન હોય તેમ સોહનભાઈનું બ્લડ પ્રેશર અચાનક ઘટ્યું અને આધુનિક તબીબી કેટલીય પ્રગતિ કરી ગઈ હોવા છતાં, કાળ સોહનભાઈને ભરખી ગયો.
સમય કોઈનાએ માટે રોકાતો નથી એ ન્યાયે, ધીમે ધીમે બધું થાળે પાડવા લાગ્યું. કુસુમબહેન આ ઘરમાં એટલા બધા વસી ગયા હતા કે, પોતે આખું જીવન એમનો કમાઉ દીકરો બનીને પસાર કરી દેશે તેવું મનથી માની ચુક્યા હતા. જેમ કુસુમબહેન પોતે વહુ મટીને દીકરી બની ગયા તેવી જ રીતે સોહનભાઈના માતા-પિતા પણ સાસુ-સસરા મટીને કુસુમબહેનના માતા-પિતા બની એમની સંભાળ રાખવા માંડ્યા હતા. અને જેમ કોઈ પણ માતા-પિતા પોતાની દીકરીનાં ભવિષ્યને સુરક્ષિત બનાવવા પોતાનાથી બનતા પ્રયત્નો કરે તેમ અહીં પણ કુસુમબહેનનાં સાસુ-સસરાએ ખુબ વિચારીને, કુસુમબહેનને સમજી શકે, સાથ આપી શકે અને તેમને સંભાળપૂર્વક આખી જિંદગી સાચવી શકે તેવા; પોતાનાં જ મિત્રના દીકરા, શાંત પ્રકૃતિનાં, મહેનતુ અને ખુબ સમજદાર એવા અરવિંદભાઈ સાથે પુનર્લગ્ન કરવા છેવટે મનાવી જ લીધા.
જયારે જીવન આપણી પાસેથી કંઈ છીનવી કે લઇ લે અને આપણે તેનો સ્વીકાર તટસ્થ રીતે કરી લઈએ ત્યારે જીવન બીજા અનેક વરદાન લઈને સામે આવે, એ કદાચ કુદરતનો ક્રમ છે. બસ, એ જ ક્રમ અનુસાર કુસુમબહેન માટે સોહનભાઈ સાથે ઋણાનુબંધ પૂરા થયા બાદ, અરવિંદભાઈનો સાથ ચિરંજીવી બની રહ્યો.
આજે ત્રણ-ત્રણ માતા-પિતાનાં આશીર્વાદ અને નિયતિની કૃપા વડે કુસુમબહેન એક ભર્યા-ભર્યા પરિવાર અને સંતાનોની હાજરીમાં એક સુંદર જીવનનું ઘડતર કરી ચુક્યા છે. આજે કુસુમબહેન પોતાનાં બાગનાં ‘પરાગ’ માટે વહુ લાવીને નવા બંધનોમાં બંધાવા જઈ રહ્યા છે.
કુસુમબહેન અને અરવિંદભાઈની આ યાત્રામાં આપ સૌ એમની સાથે છો ને?