શકમંદ – A Short Story in Gujarati

Shakmand short story Cover image

કોઈક સતત અનોખીનો પીછો કરી રહ્યું છે. શું એ શ્યામલ જેને શોધી રહ્યો છે એ સિરિયલ કિલર તો નથી ને? અનોખી પર મંડરાઈ રહેલ જોખમ બાબતે શ્યામલ કશું કરી શકશે કે પછી એ શકમંદ પોતાના ઈરાદામાં સફળ થશે? જે કંઈ પણ થશે વાચક તરીકે તમારા માટે રોચક નીવડશે એ ચોક્કસ!


શ્યામલ ઓફિસથી આજે થોડો વહેલો નીકળવા માગે છે. અનોખી સાથે લગ્ન કર્યાને બે મહિના થઇ ગયા છતાં, એ બંને હજી સુધી પોતાના બેચલર મિત્રો સાથે જ રહી રહ્યા છે એટલે શ્યામલ પોતાને અનુકૂળ એક ભાડાનું મકાન શોધી રહ્યો છે. આજે તેણે અમુક મકાન જોવા જવાના છે.

અનાથ આશ્રમમાં મોટો થયો હોવા છતાં શ્યામલ બાળપણથી જ એક બુદ્ધિશાળી તેમજ તેજસ્વી વિદ્યાર્થી રહ્યો છે અને આજે શહેરના એક જાણીતા પ્રકાશનમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે સારા પગારની નોકરી કરે છે. ત્રણે’ક વર્ષ પહેલા એક એડ એજન્સીમાં ક્રિએટિવ રાઇટર તરીકે કામ કરતી અનોખી સાથે તેનું મન મળી ગયું પરંતુ, અનોખીનાં માતા-પિતા પરિવાર વિનાના આ છોકરા સાથે તેનાં લગ્ન માટે રાજી ન થયા. એટલે અંદાજે બે’ક મહિના પહેલા મિત્રોની મદદથી, અનોખી અને શ્યામલે માતા-પિતાની મંજૂરી વિના જ ભાગીને લગ્ન કરી લીધા. બંને સારું કમાય છે એટલે, શહેરમાં સારું જીવન ઉભું કરવાનું એમના માટે મુશ્કેલ ન હતું. બસ, થોડી વ્યસ્તતાને લીધે તેઓ પોતાનું ઘર શરુ કરી શક્યા નથી અને મિત્રો પણ ખૂબ સારા એટલે તેમને પોતાને અનુકૂળ સગવડવાળું કોઈ ઘર ન મળે ત્યાં સુધી એમણે શ્યામલ અને અનોખીને આગ્રહપૂર્વક રોકી રાખ્યા છે.

શ્યામલ હજી ઓફિસમાંથી નીકળે એ પહેલા જ બોસ, મિ.પરીખનું તેડું  આવ્યું. એ તરત એમની ચેમ્બરમાં ગયો. પરીખ સાહેબના ચહેરા પરની તંગ રેખાઓ જોઈને શ્યામલ તેઓ જે વાત કરવા જઈ રહ્યા હતા તેની ગંભીરતા સમજી ગયો. હાથમાં રહેલી ફાઇલ વડે જ બેસવાનો ઈશારો કરી, ફાઈલ શ્યામલને પકડાવતા મિ. પરીખ બોલ્યા, “શ્યામલ, શહેરમાં એક સિરિયલ કિલર હોવાની સંભાવના છે. કોઈ આપણા શહેરમાં વ્યવસાયી યુવતીઓને શોધી-શોધીને મારી રહ્યું છે. તમારે આ કૅસ પર કામ કરવાનું છે અને આપણે આ ખૂનીને ટ્રેક કરીને, તંત્રને ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરવાની છે. મને તમારાથી ઘણી જ આશા છે, આજથી જ કામે લાગી જાઓ.”

શ્યામલ ફાઈલ લઈને ઘર તરફ જવા નીકળી ગયો.

રાત્રે ડિનર ટેબલ પર, થાળી પીરસતી અનોખી બોલી, “તને નથી લાગતું, એમણે કહેલું ભાડું થોડું વધારે કહેવાય? ઘરમાં કંઈ ફર્નિચર પણ નથી.”

શ્યામલ, “હા, મને પણ એ જ વિચાર આવ્યો હતો અને સાચું કહું તો મને મકાન-માલિક જરા પણ પસંદ ન પડ્યા. આપણે વાત કરતા હતા ત્યારે એ જે રીતે ધારી-ધારીને તને જોઈ રહ્યા હતા, એ તને ખબર નથી. બહુ વિચિત્ર માણસ લાગ્યા મને તો એ.”

અનોખી, “શું બોલે છે? આ થોડું વધારે પડતું કહે છે તું..”

શ્યામલ, “ના યાર, મારું ઓબ્ઝર્વેશન બરાબર જ છે. કંઈ નહીં જવા દે; હજી અમુક ઘર છે આપણા લિસ્ટ પર, એટલે શનિ-રવિ સુધીમાં એમાંથી એકા’દ તો ફાઇનલ થઇ જ જશે.”

મકાન-માલિકના અનોખીને જોવાના તરીકા વિશે દલીલો અને મજાક કરતા બંનેએ જમવાનું પતાવ્યું.

બીજા દિવસે સાંજે લગભગ 6:30 આસપાસ અનોખીએ શ્યામલને કૉલ કરીને તેને ઓફિસથી લઇ જવાનું કહ્યું. અનોખીનાં અવાજમાં રહેલ અજંપો શ્યામલ પામી ગયો. તે અનોખીને ત્યાં જ રાહ જોવાનું કહી, તરત જ તેને લેવા નીકળી ગયો. અનોખીને ઓફ્સથી સીધો એ તેના મનપસંદ આઈસક્રીમ પાર્લર પર લઇ ગયો.

આઈસક્રીમનો ઓર્ડર આપીને બંને એક જગ્યાએ બેઠા, શ્યામલ: “ કેવો રહ્યો આજનો દિવસ? મારે તો હમણાંનું બહુ જ કામ રહે છે.”

અનોખી : “કંઈ ખાસ નહીં બસ, રૂટિન કામ જ હતું.”

શ્યામલ ધીમેથી અનોખીનો હાથ પસવારતા, “શું થયું? કંઈ ચિંતા જેવું છે? તું કંઈ કહેવા માગે છે?”

અનોખી, “ખબર નહીં એવું કંઈ ખાસ નથી પણ મને એવું લાગ્યા કરે છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી કોઈક મારો પીછો કરે છે કે મારા પર નજર રાખી રહ્યું છે. પહેલા મને લાગ્યું કે મારો વહેમ હશે પણ આજે મેં ધ્યાનથી જોયું તો ખબર પડી કે, મંકી કેપ (વાંદરા ટોપી) પહેરેલો એક માણસ આપણા ઘરથી જ મારી પાછળ પાછળ છેક મારી ઓફિસ સુધી આવ્યો. તે હું ઓફિસની અંદર ગઈ ત્યાં સુધી મને જોતો જ રહ્યો.”

શ્યામલ, “અનોખી, આ કઈ પ્રકારની બેદરકારી છે દોસ્ત? આટલા દિવસથી કોઈક આ રીતે તારી પાછળ ફરી રહ્યું છે અને તું આજે મને કહે છે. તને અંદાજ પણ છે આ કેટલું જોખમી થઇ શક્યું હોત? તારે મને કહેવું તો જોઈએ ને..”

શ્યામલને વચ્ચેથી જ બોલતો અટકાવી અનોખી, “એમાં જોખમ શાનું? કોઈક મજનૂ ટાઈપ લફંગો એમ જ હેરાન કરવા પાછળ આવે એ એટલી મોટી વાત નથી. આ તો હું થોડી ઇરિટેટ થઇ ગઈ એટલે મેં તને આવવાનું કહ્યું.”

શ્યામલ, “ના, મામલો તું સમજે છે તેટલો હળવો ન પણ હોઈ શકે. તને કદાચ ખબર નહીં હોય પણ શહેરમાં હમણાં વ્યવસાયી યુવતીઓને શોધી તેમનું ખૂન કરતા એક સિરિયલ કિલરની ખોજ ચાલુ છે. તેની પણ આ જ કાર્યપધ્ધતિ (મોડસ ઓપરેન્ડી) છે. તારે આવી રીતે જોખમ ન લેવું જોઈએ.”

આ મામલે શ્યામલને શક્ય તેટલું ઝડપથી પોલીસને સૂચિત કરવાનું વ્યાજબી લાગ્યું. શ્યામલ અનોખીને સ્પષ્ટ કહી દે છે કે તે આ બાબતમાં ગાફેલ રહી, ખૂનીને તક આપવાનું જોખમ લઇ શકે તેમ નથી. આખરે અનોખીની સુરક્ષાનો સવાલ છે. છતાં, અનોખી તેને હજી એક-બે દિવસ રાહ જોઈ લેવાનું કહે છે કે જેથી એ પાક્કું થઇ શકે કે, પાછળ આવનાર વ્યક્તિ ખરેખર અનોખીનો જ પીછો કરે છે.

સવારે શ્યામલ તેના રોજના સમય કરતા થોડો વહેલો ઘરેથી નીકળી ગયો અને હજી અનોખી ઓફિસ જવા માટે તૈયાર થાય એ પહેલા તો પાછો પણ આવી ગયો. તેણે અનોખીને ઓફિસે મૂકી, તેને થોડું સાવધાન રહેવાની તાકીદ કરીને પોતે જરૂરી કામે નીકળી ગયો.

લગભગ બપોરે 12:45 વાગ્યા હશે, અનોખીને તેના એરિયાના પોલીસ સ્ટેશનથી એક ફોન આવે છે. તેમનું કહેવું છે કે તેમણે એક માણસની અટકાયત કરી છે. આ એ માણસ હોઈ શકે છે જે રોજ અનોખીનો પીછો કરી રહ્યો હતો. એટલે અનોખી પોલીસ સ્ટેશન આવીને તેની ઓળખ કરે તો એ લોકો આગળની કાર્યવાહી કરી શકે. આ આખી વાત વિશે અવઢવ અનુભવતી અનોખી શ્યામલને કૉલ કરે છે. શ્યામલે કહ્યું કે તેને પણ ઇન્સ્પેક્ટર સાહેબે આ બાબતે બોલાવ્યો છે.

બંને થોડી વારમાં પોલીસ સ્ટેશન પહોંચે છે. ઇન્સ્પેક્ટર તેમને જણાવે છે કે આજે એમણે એક માણસની ધરપકડ કરી છે જેના પર અનોખીનો પીછો કરતા હોવાની શંકા છે. તેણે મંકી કેપ પહેરેલી હતી અને એ શંકાસ્પદ રીતે અનોખીની ઓફિસની આસપાસ ફરી રહ્યો હતો. અનોખીને હજી સમજાતું નથી કે ઇન્સ્પેક્ટરને આ બધી માહિતી કઈ રીતે મળી.

અનોખીએ પૂછ્યું ત્યારે ઈન્સ્પેક્ટરે ફોડ પાડતાં કહ્યું કે આજે સવારે શ્યામલ અહીં આવેલ અને તેણે જ અમને કોઈ તમારો પીછો કરી રહ્યું હોવા વિશે જણાવ્યું. અમે પહેલેથી જ એક સિરિયલ કિલરની શોધ કરી રહ્યા છીએ, એ આ વ્યક્તિ પણ હોઈ શકે ઉપરાંત, શ્યામલ એક પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન ક્રાઇમ રિપોર્ટર છે, એમણે શેયર કરેલી માહિતીને અમે હળવાશથી ન લઇ શકીએ. એટલે અમે એક છટકું ગોઠવ્યું અને છેવટે તેને ઝડપી પાડ્યો.

આખી વાત સાંભળી અનોખીના આશ્ચર્યનો પાર ન રહ્યો. શ્યામલે પેલા માણસને મળવા માટે ઇન્સ્પેક્ટર પાસેથી પરવાનગી માગી. ઇન્સ્પેક્ટર બંનેને પેલા માણસને રાખ્યો હતો ત્યાં લઇ ગયા. પોલીસ અને ક્રાઇમ સંબંધિત આ બધું અનોખી માટે તદ્દન નવું છે એટલે એ થોડી ગભરાયેલી પણ છે. કેદીઓને રાખવાની એક નાનકડી ઓરડીમાં એક માણસ દીવાલ તરફ મોઢું રાખીને બેઠેલો છે. કદકાઠી પરથી તો કોઈ આધેડ ઉંમરનો સાધારણ માણસ હોય તેવું લાગતું હતું અને તેને જોઈને એ કોઈ સિરિયલ કિલર હશે તેવું કોઈ કહી શકે તેમ ન હતું.

ઈન્સ્પેક્ટરે કડક અવાજમાં તેને પોતાની તરફ ફરી મોઢું ફેરવવાની સૂચના આપી. દીવાલ તરફ તાકીને બેસેલ એ વ્યક્તિ ધીમેથી બધા ઉભા હતા એ તરફ વળે છે. એ જેવો આ બાજુ ફર્યો અને બધા તેનું મોઢું જોઈ શકે તેવું થયું ત્યાં તો અનોખીએ અચાનક મોટેથી ચીસ પાડી, “પપ્પા!?!?!?”

શ્યામલ અને ઇન્સ્પેક્ટર એક સાથે બોલી પડયા, “શું? તારા પપ્પા, સિરિયલ કિલર?”

એ અનોખીના પિતા છે એ જાણ થતાં જ ઇન્સ્પેક્ટર એમને બહાર કાઢવાનો હુકમ કરે છે. એમના બહાર આવતાં જ હજી ઇન્સ્પેક્ટર કે શ્યામલ કશું પૂછે કે સમજે એ પહેલા જ અનોખી એમને ખેંચીને લઇ ગઈ અને તેમને સામે પડેલી બેન્ચ પર બેસાડી દીધા.

અનોખી : “પપ્પા, આ બધું શું છે? ગયા અઠવાડિયાથી તમે મારો પીછો કરી રહ્યા છો?”

અનોખીના પિતા એકદમ ધીમા અવાજે, સ્હેજ અટકીને બોલ્યા : “હા!”

આશ્ચર્યચકિત શ્યામલથી સહજ જ પૂછાઈ ગયું, “પણ શા માટે?”

“હું ખાતરી કરવા માગતો હતો કે અનોખી સુરક્ષિત છે. લોકલ સમાચારમાં જોયેલું કે આપણા વિસ્તારમાં કોઈ સિરિયલ કિલર છુટ્ટો ફરી રહ્યો છે અને તે વ્યવસાયી યુવતીઓને શોધી-શોધીને મારી રહ્યો છે એટલે હું અને અનોખીની મમ્મી થોડા ડરી ગયા અને અમને તેની સલામતીની ચિંતા થવા લાગી. અને ત્યારથી જ…” અનોખીના પિતાએ થોડા ખચકાટ સાથે પોતાની વાત ઇન્સ્પેક્ટર સામે રજુ કરી.

હવે તે અનોખી તરફ વળ્યા, “બેટા, શ્યામલ ચોક્કસ તારી સારી સંભાળ રાખતો હશે પરંતુ, જે પ્રકારના સંજોગોમાં તમે લગ્ન કર્યા અને બધું ખૂબ ઝડપથી બન્યું કે અમે તેને હજુ સારી રીતે ઓળખતા નથી કે અમને તેનો જોઈએ તેટલો પરિચય નથી. અને એટલે જ અમારી ચિંતા વધી ગઈ. હું તારી સલામતી બાબતે કાંઈ બાંધછોડ કરવા માગતો ન હતો એટલે જ તું ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરે સુરક્ષિત રીતે પહોંચી જાય તેટલો સમય જ તારી પાછળ આવતો હતો.”

અનોખીને હજી વિશ્વાસ નહોતો આવતો કે તેનાં પિતા આવું કરે, “તમારે મને એક વખત કહેવું તો જોઈતું હતું, અને આ વાંદરા ટોપી?”

“હું નહોતો ઈચ્છતો કે શ્યામલને ખબર પડે કે હું તમારી દરકાર કરું છું કે પછી અમારો વિરોધ નબળો પડ્યો છે. તમે જે રીતે લગ્ન કર્યા તેની સામે હજુ પણ અમને વાંધો છે જ. છતાં, ચિંતા તો થાય અને હું એક રિટાયર્ડ બેંક મેનેજર છું, કોઈ પ્રશિક્ષિત જાસૂસ નથી. એટલે કોઈ ઓળખે નહીં એ હેતુથી મને વેશપલટો કરવા માટે વાંદરા ટોપીનો જ વિચાર આવ્યો. મને શું ખબર કે મારો છૂપો દેખાવ જ મને શકમંદ બનાવી દેશે!?” અનોખીનાં પિતાએ ગંભીર અવાજ અને રડમસ ચહેરા સાથે ફોડ પાડતાં કહ્યું.

અચાનક જ પોલીસ સ્ટેશન ખડખડાટ હસવાના અવાજથી ગુંજી ઉઠ્યું. અનોખી સહીત  પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ પકડીને હસી પડ્યા. શ્યામલ એક પિતાની પોતાની દીકરી પ્રત્યેની ચિંતા અને પ્રેમ બહુ સારી રીતે સમજી ગયો અને તેણે લગ્ન પછી એમની પાસે ન જવાની જે ભૂલ કરી તે બદલ સસરાજી પાસે માફી માગી.

છેવટે, ઇન્સ્પેક્ટરે તેમને માનભેર છુટ્ટા કરીને પોતાની જીપમાં ઘરે મૂકી જવાની દરખાસ્ત મૂકતી વખતે આગળ આવું કોઈ સાહસ કરતા પહેલા વિચારવાની તાકીદ પણ કરી. બસ, અત્યારે તો પોલીસની જીપ શ્યામલ, અનોખી અને આ નિર્દોષ ‘શકમંદ’ને લઈને એમના ઘર તરફ નીકળી પડી છે!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Swati's Journal

    © 2026 Swati's Journal