Love doesn’t bind or hold, it liberates! – એટલે કે બાંધવું કે કેદ કરી રાખવું એ પ્રેમનું લક્ષણ નથી, પ્રેમ તો મુક્તિ આપે છે! ડૉ. માયા એન્જેલોના આ શબ્દો કોઈને મુક્ત કરવું એ કેટલું સામર્થ્ય માંગી લે છે અને સાચો પ્રેમ સાધારણ માણસને એ બળ આપી શકે છે તેની પ્રતીતિ કરાવે છે. પોતાના પ્રિયજનને તેમના સપનાને જીવવા દો તે કહેવું એકદમ સરળ છે, તેમ છતાં કરવું સૌથી મુશ્કેલ છે. સાચા પ્રેમથી ભરેલું હૃદય કોઈને મુક્ત કરવાનો સાચો અર્થ સમજે છે.
કોલેજમાં લગભગ બધાને જ ખાતરી હતી કે શ્રીરામ અને આહુતિને તેમના ઇચ્છિત ક્ષેત્રોમાં નોકરી મળવાની સાથે જ એકબીજાને પરણી જશે. કોલેજના લાંબા પાંચ વર્ષોનો એમનો એકધારો સાથ એટલો ગાઢ બની ગયો હતો કે, જ્યારે મિત્રોએ આહુતિને કોઈ અન્ય સાથે લગ્ન કર્યાનું સાંભળ્યું ત્યારે કોઈ વિશ્વાસ કરી શક્યું ન હતું.
મિત્રો જાણતા હતા કે બંને એકબીજાથી તદ્દન અલગ હતા. તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ પણ સાવ અલગ જ હતી. આહુતિ એક એવા કુટુંબથી આવતી હતી કે જે લગભગ દરેક સામાન્ય માણસ ઈચ્છે કે તેનું કુટુંબ એ પ્રકારનું હોય, મતલબ કે તે એક એવું સંયુક્ત કુટુંબ હતું કે જેમાં દરેક સભ્ય સુશિક્ષિત, સામાજિક રીતે ગણનાપાત્ર તેમજ આર્થિક રીતે સ્વાવલંબી હતા. એટલું જ નહીં, સૌથી મહત્ત્વની વાત એ કે બધા એકબીજા માટે પ્રેમથી જોડાયેલા હતા. આહુતિ ખુબ સારો ઉછેર પામી હતી અને આ વાત તેના વ્યક્તિત્વમાં સતત પ્રતિબિંબિત થતી. શ્રીરામને આહુતિમાં તેનાં મૂલ્યો અને તેની કુટુંબભાવના સૌથી વધુ ગમ્યા હતા. રામનો પરિવાર આહુતિના પરિવારથી એકદમ અલગ હતો. બંને પરિવારો વચ્ચે કોઈ જ સામ્યતા જ ન હતી. શ્રીરામ માટે પરિવાર એટલે એ પોતે અને તેનાં માતા-પિતા! રામના પિતા એક સામાન્ય માણસ હતા, જે ક્યારેય તેમની રોજિંદી જરૂરિયાતો કરતાં વધુ કમાઈ શક્યા ન હતા. તેમની ટૂંકી આવકે રામને બહુ મિત્રો રાખવાની મંજૂરી આપી ન હતી. આ ત્રણેય શું કરી રહ્યા છે તેની પરવા ન કરતા કેટલાક સંબંધીઓ હતા. રામની માતાએ જીવનભર ઈચ્છાઓ અને જરૂરિયાતો વચ્ચે સંઘર્ષ કર્યો. જીવન તેમના માટે ક્યારેય સરળ નહોતું.
ઉનાળાની એક ગરમ સાંજે, આહુતિ અને શ્રીરામ તેમના ફેવરિટ કૅફેમાં બેઠા છે. કૉફી પતાવીને આહુતિ એ કહ્યું, “સાંભળ, આપણા લગ્ન રજીસ્ટર કરાવવા માટે તેં કોઈ તારીખ વિચારી રાખી છે? આપણે એ દિવાળી પહેલા કરાવવું પડશે કેમકે, એ પછી મારા બોસ ન્યુયોર્ક ઓફિસનો પ્રોજેક્ટ મને આપવાનું વિચારી રહ્યા છે, તો કદાચ મારે થોડા સમય માટે ત્યાં શિફ્ટ થવું પડશે…”
થોડું અટકીને એક સ્મિત સાથે આહુતિ આગળ બોલી, “ …એટલે મારે જવાનું થાય એ પહેલા મારે મિસિસ શ્રીરામ બની જવું છે. પપ્પા પણ આપણે જલ્દી નિર્ણય લઈએ એવું ઈચ્છે છે. આપણે એક વખત નક્કી કરીએ એ પછી એ તારા ઘરે આવીને અંકલ સાથે વાત કરી લેશે એવું એ કહેતા હતા. ”
શ્રીરામ કંઈ જવાબ આપ્યા વિના વિચારવા લાગ્યો.
આહુતિ, “શું થયું? તને એક્સાઇટમેન્ટ નથી? ઓફિસમાં કંઈ થયું છે?”
રામ હજુ પણ ખોવાયેલો જ લાગતો હતો.
આહુતિ આખી વાતને હળવી કરવાના ઇરાદે બોલી, “જોજે હો તેં વિચાર બદલી નથી નાખ્યો ને? એવું કંઈ હોય તો….”
આહુતિ હજી વાક્ય પૂરું કરે એ પહેલા જ રામ બોલ્યો, “આહુતિ, મને નથી લાગતું કે આપણું એકસાથે કોઈ ભવિષ્ય હોય, મારાથી આ નહીં થાય.”
આહુતિ, – “ જો રામ, આવી વાતમાં મજાક ન હોય અને હું સિરિયસલી પૂછું છું કે તને કઈ તારીખ ફાવે એમ છે?”
શ્રીરામ સીધું જ આહુતિની આંખોમાં જોઈ મક્કમતાથી,- “ આ તારા માટે સરળ નહીં રહે પણ મને ખબર છે કે હું શું કરી રહ્યો છું.. અને આજે આપણી આ છેલ્લી મુલાકાત છે, હું હવે ફરીથી કદાચ તને નહીં મળી શકું!”
શ્રીરામની ભાવહીન આંખો તેમજ દ્રઢ અને સપાટ અવાજ, તે સાચું બોલી રહ્યો હોવાની ખાતરી આપી રહ્યા હતા છતાં, આહુતિ માટે આ વાતને સાચી માની લેવાનું શક્ય જ ન હતું એટલે તેણે રામને આટલો મોટો નિર્ણય શાને આધારે તેણે એકલાએ લઇ લીધો એ પૂછવાની ખૂબ કોશિશ કરી પરંતુ, તેની દરેક વાતનો રામ માત્ર એક જ જવાબ આપી શક્યો અને તે હતો, “સોરી!”
વાત આગળ ચાલે એ પહેલા જ એ અચાનક ઉભો થઇ જતો રહ્યો!!
આ વાત પછી બે-ત્રણ મહિના સુધી આહુતિ અને તેનાં માતા-પિતા રામને ફોન કરીને, મળી શકાય તેવો પ્રયત્ન કરતા રહ્યા; આ દરમિયાન જ આહુતિને ન્યુયોર્ક ઓફિસ જોઈન કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ એટલે તેનાં ગયા બાદ, છેવટે એક દિવસ આહુતિનાં પિતા શ્રીરામના ઘરે પહોંચી ગયા. ત્યાં એમની વચ્ચે જે વાત થઇ હોય એ પણ, ત્યારબાદ એમણે આહુતિને રામને ભૂલીને જીવનમાં આગળ વધી જવું જ હિતાવહ છે તેમ કહી દીધું.
હૃદયમાં રોષનાં અસહ્ય ડંખ સાથે, આહુતિ આખરે તેના પરિવાર દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિ સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ. આજે તેનાં લગ્ન છે. રામને પણ આ વાતની જાણ હોય જ અને આહુતિ તરફથી તેને આમંત્રણ ન જ હોય આ બંને વાતો સ્વાભાવિક હતી! છતાં, તેનાં પિતાએ રામે જવું જોઈએ એવી ટકોર કરી જોઈ પણ, રામનો નિસ્તેજ ચહેરો તેનો ઈરાદો સ્પષ્ટ કરી ચુક્યો હતો એ સમજીને, શ્રીરામનાં પિતા ઓફિસે જવા નીકળી ગયા.
રામે આજે રજા લીધેલી છે. આજે સવારથી જ આકાશ ઘેરાયેલું હતું એટલે પિતા ઓફિસે જવા નીકળી ગયા બાદ, તે હાઉસ હેલ્પ તરીકે આવતા રોશનીબહેન સાથે મળીને ઘરનાં નાના મોટાં કામ પૂરાં કરી રહ્યો છે. કામનો બોજો ઘણી વખત મનનાં ખલેલને ધરબી રાખે છે, એ ન્યાયે આજે સવારથી જ રામ સતત વ્યસ્ત રહેવા પ્રયત્ન કરી રહ્યો છે. આહુતિ સંગાથે શોખથી માણેલો વરસાદ આજે બારીમાંથી અંદર પ્રવેશીને મનને હરિયાળું ન કરી દે તેની તકેદારીરૂપે રામ બારીઓ બંધ કરી રહ્યો છે ત્યારે ઘરની ડોરબેલ રણકે છે. અચાનક કોઈએ જગાડી દીધો હોય તેમ રામ ઘડિયાળ સામે જોઈને વાસ્તવિકતા સાથે જોડાઈ શકે તેનાં પ્રયાસ તરીકે સ્વગત જ બોલ્યો, “અરે, સાડા દસ વાગી ગયા! નર્સ આંટી આવી ગયા લાગે છે.”
છેલ્લા ત્રણે’ક વર્ષથી શ્રીરામના મમ્મી અલ્ઝાઇમર નામનાં સ્મૃતિભ્રંશના રોગનો શિકાર બન્યા છે. રોગ જાણે ઘર કરી લેવા જ આવ્યો હોય તેમ ખૂબ ઝડપથી વકર્યો અને લગભગ છેલ્લા આઠ મહિના જેટલો સમય થઇ ગયો છે કે જ્યારથી દૈનિક ક્રિયાઓ માટે પણ એમને નર્સની જરૂર પડવા લાગી છે.
રામે આહુતિને વાતની ગંભીરતા ક્યારેય જણાવા જ નહોતી દીધી. તે આહુતિ, તેની ક્ષમતા અને તેનાં સપનાં ને બહુ સારી રીતે જાણતો અને સમજતો હતો. તે પોતે જે લાચારી અને નિઃસહાયતા અનુભવી રહ્યો હતો તેનો આહુતિ પણ એક ભાગ બને કે પછી એ પોતાનાં સપનાં સાથે સમાધાન કરે, આ બંનેમાંથી એક પણ વાત રામને મંજૂર નહોતી. તેણે આ વાતની સ્પષ્ટતા આહુતિના પિતા સાથે કરી લીધી હતી તેમજ આહુતિને તેની જાણ ન થાય તેવું વચન પણ લીધેલું અને એટલે જ એમનાં પ્રયત્નો વડે આહુતિ જીવનમાં આગળ વધવા તૈયાર થઇ ગઈ હોવાનો આજે રામને સંતોષ પણ હતો.
છતાં, મષ્તિષ્ક અને હૃદયની પરિસ્થિતિને સમજી શકવાની, તેને સ્વીકારી શકવાની અને તેને સહજ ગણી જીવનનો એક ભાગ બનાવી લેવાની ક્ષમતા તદ્દન અલગ અલગ હોવાથી, તેનું આળું મન આહુતિના લગ્નની કલ્પનાઓ વડે તેને બેચેનીનો અનુભવ કરાવી રહ્યું છે. મન ભાગતું હોય ત્યારે શરીર સ્થિર બની જતું આપે પણ અનુભવ્યું હશે. પીડાનો પ્રસાર વધી જતાં, વિચારહીન અવસ્થામાં બારી સામે અનિમેષ તાકીને ઉભેલો શ્રીરામ, આહુતિને પહેલી વખત મળ્યો ત્યારથી આજનાં દિવસ સુધીની જાણે આખી રીલ મનમાં ચાલતી હોય તેમ એકસાથે અનેક પ્રકારનાં ભાવ અનુભવી રહ્યો છે. આખી યાત્રા પૂરી થઇ હોય અને છેવટે આજનો દિવસ આહુતિના જીવનની દિશા નક્કી કરવા માટે કેટલો જરૂરી છે એ વાતના સંતોષે રામના ચહેરા પરનો તણાવ ઓગળવા લાગ્યો. સાથે જ કુદરત પણ જાણે તેના નિર્ણય સાથે સહમત થઇ, તેનાં મનનાં ભાવો સાથે તાદાત્મ્ય સાધી રહી હોય તેમ વાદળો હટી રહ્યા છે. ઉઘાડ નીકળતાં જ બારીનાં કાચ પાછળથી અંદર આવવાની પરવાનગી માંગતો કુમળો તડકો રામની વિશદતાને (clarity) પ્રતિબિંબિત કરી રહ્યો.