ચંદન છાયા – Gujarati Story by Swati Joshi

short story-story-emotion-life-relationship

‘છાયા’- એક પ્રતિકાત્મક નામ!  કુટુંબી મહિલાઓ દ્વારા આ નવજાત બાળકીને આપવામાં આવ્યું છે. લોકોને લાગ્યું કે, આ નામ ચરણને એ વાત નહીં ભૂલવા દે કે, આ બાળકીને જન્મ આપતી વખતે તેની પત્ની આ પિતા-પુત્રીને એકબીજાનાં સહારે મૂકીને  દુનિયા જ છોડી ગઈ હતી!  પણ, તેનાથી તદ્દન વિપરીત કે, ચરણ આ દીકરીને પત્નીની છેલ્લી નિશાની સમજીને તેની પાછળ પોતાનાં ગજા બહાર ખર્ચાઈને, ખૂબ લાડકોડ અને જતનથી તેનો ઉછેર કરવા લાગ્યો. અને છાયા માટે તો જાણે તેનાં સમગ્ર વિશ્વની ધરી એટલે ચરણ! સાધારણ દરજ્જાનાં આ ‘અસાધારણ’ વ્યક્તિએ, તેની જ્ઞાતિમાં અતિ સામાન્ય ગણી શકાય તેવા પુનર્લગ્નનો વિચાર પણ કર્યા વિના, મા વગર મોટી થઇ રહેલી છાયાને ક્યારેય મા યાદ ન આવે તેટલો પ્રેમ આપીને મોટી કરી છે. આજે તેની આંખોમાં દીકરી માટે પોતે કલ્પના કરતાં પહેલા પણ વિચાર કરે તેવા આકાશી સપનાઓ આંજીને ચરણ એ સપનાઓ સાકાર કરી શકાય તે માટે આકરી મહેનત કરે છે.

ચરણ વનવિભાગ દ્વારા ચાલતી કામગીરી કે જેમાં સમયાંતરે અમુક ચિહ્નિત (marked) વૃક્ષોને ખસેડવાના હોય છે, એવા જ એક નિયત સ્થળે કામ કરી રહ્યો છે ત્યારે દૂરથી દોડી આવતી છાયાનો અવાજ તેને કાને પડે છે.

“બાપુ … બાપુ!”

દોડતી આવતી હોવાથી હાંફી રહેલી નાનકડી દીકરીને ચરણએ એક મોટા વૃક્ષના છાયામાં લઇ જઈને બેસાડી, પોતે માથે બાંધેલું ફાળિયું ખોલી તેનો પરસેવો લૂછ્યો અને ઝાડ નીચે રાખેલી ભાથાની થેલીમાંથી પાણીની બોટલ કાઢીને તેને પીવડાવતાં પૂછવા લાગ્યો-

“શું થયું? અત્યારે તાપમાં આમ કેમ દોડી આવી? શાળાએ કેમ નથી ગઈ?”

છાયાને શાળા કે ગરમીની કશી દરકાર નથી અને એ ચરણ બીજું કંઈ પૂછે એ પહેલા જ પોતાનો સવાલ પૂછે છે,

“હું તમને પૂછવા આવી છું બાબા કે આ લોકો શું સાચું કહે છે?”

ચરણ – “કોણ લોકો? શું કહે છે?”

છાયા – “મારી સાથે ભણતા બીજા છોકરાંઓ! એ કહે છે કે હું મારી મા ને ખાઈ ગઈ છું અને હવે એક દિવસ હું તમને પણ ખાઈ જઈશ.. શું એ સાચું છે? ”

ચરણ કંઈ વળતો જવાબ આપે એ પહેલા તો છાયાએ રડમસ અવાજે બીજો પ્રશ્ન પણ પૂછી લીધો,

“શું હવે તમે પણ મરી જશો? તો હું એકલી શું કરીશ??”

નાનકડી દીકરીનાં આવા અઘરા સવાલોને બહુ સરળતાથી સમજી જતો ચરણ તેને પ્રેમથી સમજાવે છે કે, તેની મા તેમને માટે આશીર્વાદ મેળવવા ભગવાનને ઘરે ગઈ છે એટલે એમની સાથે ક્યારેય કશું ખરાબ થાય જ નહીં. આ જવાબ મેળવીને છાયાની આંખોમાં ચમક આવી ગઈ પણ, તેની બાળસહજ જિજ્ઞાસા ચરણ માટે વધુ એક પ્રશ્ન ઉભો કરી દે છે કે, બીજા બાળકોની જેમ છાયાને કોઈ ભાઈ કે બહેન કેમ નથી? આ પ્રશ્નનો ચોક્કસ અને સંતોષકારક જવાબ ચરણ પાસે નથી. એટલે કોઇક અલગ કારણ કે કિસ્સા વડે એ દીકરીને બીજી વાત તરફ દોરી ગયો છે.

વળી એક નવો દિવસ અને છાયા નવા પ્રશ્નો સાથે તૈયાર. દરેક નવા ઉગતા દિવસે એક પ્રશ્ન કે જે સર્વથા સામાન્ય રહેતો તે એ કે, તેને કોઈ ભાઈ-બહેન કેમ નથી અને શું મા ભગવાનને કહીને એક ભાઈ કે બહેન મોકલી શકે કે નહીં? આજે પણ રાત પડતા સુધીમાં ચરણએ અવનવી વાતો વડે છાયાનું મન મનાવવા પ્રયત્નો કર્યા છતાં, આજે પણ છાયા તેનાં અનુત્તરિત પ્રશ્નો સાથે જ સૂઈ ગઈ.

ચરણ બીજા દિવસે છાયાનાં એ સનાતન પ્રશ્નનો કાયમી ઉકેલ આણવા સવારથી જ ઘરેથી નીકળી ગયો છે. પોતાના ઉપરી સાહેબની મદદથી એક ચંદનનો છોડ લઈને એ બપોરે ઘરે આવ્યો ત્યારે છાયા હજુ શાળાથી પાછી આવી ન હતી. ચરણે એ છોડ ઘરની સામેની ખુલ્લી જગ્યામાં રોપી દીધો. સાંજે શાળાથી પાછી આવી રહેલ છાયાને એ તો જાણ હતી કે બાપુ તેના માટે કશુંક લાવવા ગયા છે પણ એ ખબર ન હતી કે શું? એટલે, ઘરે પરત ફરતી છાયાનાં પગ તો જાણે પાંખ બની ગયા હતા. ઘરે આવતાં જ તેની નજર નવી કોઈ  વસ્તુ શોધવા લાગી એટલામાં ચરણ તેને બહાર લઇ ગયો અને તેણે છાયાને તાજો રોપેલો ચંદનનો કુમળો છોડ બતાવતાં કહ્યું કે,

“તારી બા કાલે મારા સપનામાં આવી હતી અને તેણે આ નાનકડો ભાઈ ભગવાન પાસેથી લઈને તારા માટે મોકલ્યો છે.”

વિસ્ફારિત આંખો વડે ચંદનનાં છોડને નિહાળતી છાયા એક ક્ષણમાં કૂદીને ક્યારામાં પગલાં પાડતી એ રોપને પંપાળવા લાગી જાણે તેના બાપુ ક્યારેય ખોટું ન કહે એ જાણતી આ નાનકડી ઢીંગલી ભગવાન અને બા એ તેના માટે મોકલેલી આ ભેંટને સ્વીકારી રહી હોય.

“બાપુ, ભાઈ હવે આપણી પાસે જ રહેશે ને? ભગવાન તેને મા ની જેમ પાછો તો નહીં લઇ લે ને?”

ચરણે છાયાને ઊંચકી લેતા કહ્યું,

“ ના રે ના. આપણે બંને મળીને તેનું ધ્યાન રાખીશું એટલે એ ક્યારેય પાછો નહીં જાય પણ, હા જો આપણે તેનાથી દૂર જઈશું તો, એ આપણી સાથે નહીં રહે.”

બાપુનાં હાથમાંથી સરકીને નીચે ઉતરી, છાયા તેના વ્હાલા ભાઈને પંપાળવા દોડી ગઈ. હળવે હાથે કુમળા છોડની પાંદડી પસવારતી એ બોલી,

“બાપુ, ભાઈનું નામ શું? હું એને શું કહી બોલવું?”

ચરણ, “ચંદન, એનું નામ ચંદન છે.”

નામ ગમ્યું કે કેમ એવું પૂછવા ચરણે છાયા તરફ વળીને જોયું ત્યાં તો, એ મિત્રોને ‘ભાઈ’ વિશે જણાવવા પતંગિયાની જેમ ઉડી ગઈ હતી.

હવે આ ચંદનનો છોડ એમનાં જીવનનું કેન્દ્ર બની ગયો છે. ચરણ અને છાયાની સમગ્ર દિનચર્યા આ છોડની આસપાસ ગોઠવાઈ ગઈ છે. છાયા રોજ તેને પાણી પીવડાવી, તેની આસપાસની જગ્યા સાફ રાખે છે. ચંદન પાસે બેસીને તેની સાથે કલાકો સુધી પોતાના મનની વાતો કરે, તેની સાથે રમે, તેને વાર્તાઓ પણ કહે એટલું જ નહીં ‘ભાઈ’ જ્ઞાનથી વંચિત ન રહી જાય એટલે તેની પાસે બેસીને ભણે અને તેને સમજાવે પણ ખરી. ચરણ પોતાની નાનકડી ઢીંગલીને હસતી-રમતી જોઈને મનોમન ભગવાનનો પાડ માને તેમજ પરિવારના ખરા સભ્યની માફક બાપ-દીકરીનો સહારો બનેલા ચંદનનાં એ છોડને કૃતજ્ઞતાપૂર્વક નિહાળી રહે. હવે, કોણ આગળ થાય એ વાતે સમય આ ત્રિપુટી સાથે હોડમાં ઉતર્યો છે. એકલપંડે ઉપાડેલ જવાબદારીના ભારે ચરણનું જીવતર અને શરીર થોડાં જીર્ણ થયા છે. છાયાએ આ વર્ષે શાળાનું શિક્ષણ પૂરું કર્યું છે અને ચરણ અને છાયાની માવજત વડે ચંદનનો છોડ પણ આજે એક વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે.

આપણે માણસો એટલા અદ્ભૂત છીએ કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે લગાવ અનુભવી શકીએ છીએ, સ્વેચ્છાએ પ્રેમ કે નફરત કરી શકીએ છીએ. છાયાએ પણ આટલા વર્ષોમાં ચંદન સાથે આવો લગાવ બાંધી લીધો છે. તેણે ચંદનને આ ઘર તરફથી મળેલ સંભાળ,  સ્નેહ અને હૂંફનો બદલો આપતો હોય તેમ જીવનનાં દરેક ચઢાવ-ઉતારમાં સતત પોતાની પાસે અને સાથે અનુભવ્યો છે. અને ચંદન પણ છાયા માટે જાણે સુખ-દુઃખ અનુભવતો હોય તેમ, તેનાં સુખમાં ખીલી ઉઠતો અને તેની તકલીફમાં મુરજાતો હોવાનું કોઈથી અજાણ્યું નથી. કુદરત ‘જીવંત’ હોવાની લાગણીની કેટલી અદ્ભૂત રીતે નોંધ લેવડાવી શકે છે, તેનું આ ‘ભાઈ-બહેન’ એક ઉત્તમ ઉદાહરણ બની ગયા છે. ચંદન માત્ર છાયા માટે જ આશીર્વાદ બન્યો છે એવું નથી, તેણે છાયાને તેનાં ઉગતાં વર્ષોમાં ભાવનાત્મક રીતે સંભાળી લીધી છે, એટલે આજે એ ચરણના જીવનનું પણ અભિન્ન અંગ બની ગયો છે.

સમયનાં વહેણમાં વર્ષો વહી રહ્યા છે. આજે મોટો દિવસ છે કેમકે, એગ્રિકલચર વિષયમાં અનુસ્નાતક થયેલી છાયા આજે તે જે વિભાગમાં ભણતી હતી તેમાં જ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે ઈન્ટરવ્યુ આપવા ગઈ છે. ચરણ અને ચંદન એક મૂક બેચેનીના સહભાગી બનીને છાયાની રાહ જોઈ રહ્યા છે. ચરણના ચાલતા પગ અને ચંદનના પાંદડાનો ખડખડાટ એમની આ બેચેનીની ભાષા બન્યા છે.

શહેરથી બસ આવી અને તેમાંથી ઉતરી રહેલી છાયાના પગનાં તરવરાટ અને આંખોની ચમક, ચરણને પોતે વર્ષો સુધી દીકરી માટે જોયેલ સપનાની દુનિયાના દરવાજા ખુલી ચુક્યા હોવાની ખાતરી આપે છે. નવી સંભાવનાઓ અને ખુશીનાં આંસુનું મિશ્રણ ચરણની આંખો આંજી રહ્યું હોવાથી નજીક આવીને પગે લાગતી દીકરીનો ચહેરો સ્પષ્ટ ન જોઈ શકતો ચરણ આકાશ તરફ નજર કરી જાય છે અને ઊંચે જોતાં જ ઈશ્વર તેમજ તેમનાં વરદાનસમા ઉભેલા ચંદનનો પણ મનથી આભાર માને છે. પણ, સમાચાર ફક્ત એટલા જ નથી, છાયાએ આ નોકરી માટે થઈને હવે શહેરમાં રહેવાનું છે. ક્ષણમાત્રની રાહ જોયા વિના ચરણે દીકરીને શહેર જતા રહેવાની પરવાનગી આપી દીધી છે કેમકે, આ જ તો એ સમય છે જેના માટે તેણે આટલા વર્ષો મહેનત કરી છે. દીકરી માટે આ ગામ તેની સીમિત દુનિયા બને તે ચરણને મંજૂર ન હતું. છાયા મોટી જગ્યામાં રહે, દેશ-દુનિયા વિશે શીખે, સમજે અને અનુભવ મેળવી જીવન સાર્થક કરે એ જ ચરણનું સપનું હતું. શહેર જવાનો દિવસ આવ્યો ત્યારે છાયા ચંદનને બથ ભરીને ધ્રુસકે-ધ્રુસકે રડી.

છાયા શહેરમાં આવી ગઈ એ વાતને હવે છ મહિના થઇ ગયા છે. તે રવિવારની રજામાં ઘરે આવી જાય અને શહેરનાં પોતાનાં જીવન, નોકરી, અનુભવો અને લોકો વિશે અઢળક વાતો કરે. ગામલોકો, છાયા વિના જીવવાની ઘરેડ બેસાડવા મથતા ચરણ, ચંદન અને તેમનાં ઘરના આંગણને દર રવિવારે જીવંત થઇ ખીલી ઉઠતું જોઈ રહે છે.

આજે છાયા સાથે તેનો એક મિત્ર પણ ઘરે આવ્યો છે. રાઘવ યુનિવર્સીટીમાં છાયા સાથે જ કામ કરે છે. તે છાયાના વિભાગમાં તેનો સિનિયર છે. આખો દિવસ સાથે રહ્યા પછી ચરણની અનુભવી આંખો રાઘવ અને છાયાના ચહેરા પરની વણલખી અરજી વાંચી ચુકી છે. એ પછીનાં દિવસોમાં રાઘવ ચાર-પાંચ વખત ચરણને મળવા આવી ચુક્યો છે અને ચરણ તેનાં ઘર-પરિવાર વિશે તપાસ કરીને, બંનેને જીવનનાં નવા સોપાન પર ડગ માંડવા માટે સ્વીકૃતિ અને આશિષ આપે છે.

અને એ દિવસ પણ આવી ગયો જયારે છાયા, શ્રીમતી છાયા બનીને વિદાય લઇ રહી છે. આ ક્ષણથી જ હવે ચરણ અને ચંદન એકબીજાનો સહારો હોવાની અનુભૂતિ એમના ખાલી ઘરમાં વસવા આવી ચુકી છે. ચરણનું વધુ એક સપનું સાકાર થઇ ચૂક્યું છે. ચરણના દરેક સ્વપ્ન અને તેના સાકાર થવાનો એક માત્ર સાક્ષી બનીને ચંદન અડીખમ તેની સાથે ઉભો છે. એક આખું વર્ષ પસાર થઇ ચૂક્યું છે. રાઘવ અને છાયા નિયમિત રીતે ઘરે આવી ચરણ અને ચંદનની સંભાળ રાખે છે. રાઘવ પણ હવે ચંદનને ઘરનાં સભ્ય તરીકે સ્વીકારી ચુક્યો છે. ઘરે આવે ત્યારે ચંદન નીચે ખાટલો પાથરીને ચરણ સાથે રાઘવ પણ અલક-મલકની વાતો, મજાક-મશ્કરી કરીને હળવાશ માણે છે. અને ચંદન પણ જાણે એ વાતોમાં સામેલ થતો હોય તેમ પોતાનાં પાંદડા ખેરીને ટાપસી પૂરાવે છે.

આ વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું છે. ચંદન વરસાદનો આનંદ માણતો, ઠંડી હવામાં પોતાની ડાળીઓ ઝુલાવતો, લીલોછમ કોળાઈ રહ્યો છે. એકલતા, ઉંમર અને વાતાવરણ આ ત્રણેની સામટી અસર હોય તેમ હમણાંથી ચરણનું સ્વાસ્થ્ય થોડું લથડ્યું છે. છેલ્લા અઠવાડિયાથી ચઢ-ઉતર થતાં તાવમાં જીર્ણ બનેલ ચરણની ખબર પૂછવા આવતાં પાડોશીઓને દરરોજ હસીને જવાબ આપતાં ચરણે આજે છાયાને બોલાવી આપો તેવી માંગણી કરી છે. આકરામાં આકરો સમય એકલો વેઠીને ફરી ઉભા થઇ જતા ચરણને ઓળખતા પાડોશીઓ વાતની ગંભીરતા સમજી ચરણને શહેરમાં ડૉક્ટર પાસે લઇ જવાનું કહે છે ત્યારે, ચરણ ફરીથી છાયાને બોલાવી આપવા આગ્રહ કરે છે. પાડોશીઓ શહેરમાં છાયાને જાણ કરે છે પણ, છાયા અને રાઘવ પહોંચે ત્યાં સુધીમાં ચરણ તેના નવા વિસામા તરફનો પ્રવાસ ચાલુ કરી ચુક્યો છે. આજે ચંદન અને છાયા પોતાની ઓથ ખોઈને, એકબીજાને સધિયારો આપી રહ્યા હોય તેમ મૌન પીડા વહેંચી રહ્યા છે.

પિતાના મૃત્યુ બાદની ક્રિયા વગેરે પૂરા કરીને છાયા શહેર પાછી આવી ગઈ છે. ચંદન સૂના આંગણામાં એકલો ઉભો છે. છેલ્લા બે મહિનાથી છાયા ઘરે આવી શકી નથી, ચંદન આ બે મહિનામાં ઘણો જ બદલાઈ ચુક્યો છે. એકાકીપણું માત્ર મનુષ્યોને જ અસર કરે છે એવું નથી, જે તેને અનુભવી શકે છે તેની સાથે એ રહી જાય છે. એકલતાની ચાદર ઓઢીને ઉભેલ ચંદન પર અચાનક પાનખર ઉતરી આવી છે, ચંદનનાં સદાય હરિયાળા રહેતા દેહ પરથી શોક પ્રગટ કરતા હોય તેમ પાન ખારવા લાગ્યા છે. ચરણ અને છાયાના સતત સહવાસે તેને કદાચ વૃક્ષ તરીકે જીવતા શીખવ્યું જ નથી! અને મનુષ્ય તરીકે જીવન કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈની હાજરી અને કાળજી અનિવાર્ય છે. આ બંનેના અભાવે ચંદનનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું હોવાનું ગામલોકો પણ નોંધી રહ્યાં છે.

એક સવારે અચાનક, ગર્જના કરતાં મોટા મશીન કે જે હાઇડ્રોલિક પ્રેશર મશીન છે, ગામમાં દાખલ થાય છે. ગામલોકો કંઈ સમજે એ પહેલા તો, મશીન ચરણનાં ઘર તરફ આગળ વધી ગયા છે. મામલો શું છે એ જાણવા આખું ગામ ચરણનાં ઘર પાસે જમા થઇ ગયું છે. થોડાં સમયમાં રાઘવ અને છાયા ત્યાં આવી પહોંચે છે. પાડોશીઓ છાયાને ઘેરી વળ્યાં. કોઈ કંઈ પૂછે એ પહેલા જ છાયા બોલી,

“મને આ વખતે ઘરે આવતાં થોડો સમય લાગ્યો પણ, મારે મારી ફરજ બજાવવા માટે આ વ્યવસ્થા કરવાની હોવાથી, થોડી વાર લાગી…”

લોકો કંઈ સમજી શકતા નથી કે છાયા શું કહે છે, એટલે ગામનાં સરપંચ આગળ આવીને છાયાને પૂછે છે,

“શું વાત છે છાયા દીકરી, આ મશીન તમે લોકો લાવ્યા છો? અને કઈ ફરજની વાત કરે છે તું?”

“… એ જ કાકા કે, મારી મા ના મૃત્યુ બાદ અમારો તૂટી ગયેલ પરિવાર કઈ દશામાં હતો એ આપ સૌથી અજાણ્યું નથી. પણ, બાપુ જ્યારથી આ ચંદનને અમારા ઘરે લાવ્યા ત્યારથી અમારી દુનિયા જ બદલાઈ ગઈ. આ ચંદનના ઝાડે તેની હાજરી અને અબોલ લાગણી વડે કુટુંબના એક સભ્ય તરીકે મને અને મારા બાપુને સંભાળી લીધા. અમારા હસવા-રડવાનો સાક્ષી અને સાથી એવો આ ચંદન મારો ભાઈ બની રહ્યો. અમારા સુખ-દુઃખ દરેકમાં એ સતત, અડગ ઉભો રહ્યો છે ત્યારે આજે મારો વારો છે તેનું ધ્યાન રાખવાનો. બાપુનાં ગયા બાદ એ મારી જવાબદારી છે, એટલે આજે હું તેને મારી સાથે લઇ જવા આવી છું.”

આખું ગામ સ્તબ્ધ છે. માણસ જયારે માણસની કદર નથી કરી રહ્યો અને પરિવાર તરીકે માત્ર એકબીજાથી થતાં ફાયદા-નુકસાનની ગણતરી બહુ સામાન્ય ગણાય છે એવા સમયમાં ચંદન-છાયાનું આ અનોખું બંધન સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી રહ્યું છે.

છાયા સાથે આવેલી ટુકડીએ તેનું કામ શરુ કરી દીધું. તેઓ ચંદનનાં વૃક્ષને આ આંગણામાંથી મૂળ સમેત ઉઠાવીને શહેરમાં તેનાં ઘરના આંગણામાં ફરીથી સ્થાપિત કરી દેવાના છે. વહી રહેલ સમય સાથે, મનુષ્યની નિયત અને વિજ્ઞાન વડે સંભવ બનેલ ચમત્કારનાં ઉદાહરણ જેવો ચંદન ફરી લીલોછમ બનીને છાયાનું આંગણું શોભાવી રહ્યો છે. રોજની જેમ એક સાંજે ચંદનને અઢેલીને બેઠેલી છાયા પોતાના આ ભાઈને મનની વાત કહેતાં જણાવે છે કે, એમનાં પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થવા જઈ રહ્યો છે, છાયા મા બનવાની છે! પોતાને ટેકે બેઠેલી છાયાને બિલકુલ ખલેલ ન પહોંચે તેમ, આકાશ તરફ લંબાતી પોતાની ડાળીઓ લહેરાવી ખુશી વ્યક્ત કરતું ચંદનનું ઝાડ જાણે આ સમાચાર ચરણ સુધી પહોંચાડી રહ્યું!!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal