જીવન કોઈ પણ વસ્તુ પર આધારિત નથી, છતાં જીવવું સંપૂર્ણપણે લાગણીઓ પર આધારિત છે. લાગણીઓ તમને મરણતોલ કરી શકે છે તો, એ જ લાગણીઓ તમને પુનર્જીવિત પણ કરી શકે છે. કંઈ ઉગવા દેવું હોય તો જમીન લીલી રાખવી પડે અને તેને જોઈતો સમય પણ આપવો પડે તે જ રીતે, આહત મનને ફરી ફળદ્રુપ કરી નવી લાગણીઓને પોષવી હોય તો જાતને ખાલી ન થવા દેવી. બાકી સમય પોતાનું કામ થંભ્યા વિના કર્યા જ કરે છે એટલે, નાનકડી ઠેસ વડે જો બરડ બનેલ મનનું પોપડું ઊખેડીએ તો નીચે પ્રેમની સરવાણી વહેતી મળશે અને ત્યાં ભાવનાઓની કૂંપળો ફૂટી નીકળશે તેની ખાતરી રાખશો.
સુયશ અને અરૂણિમાનો એકનો એક દીકરો એટલે સોમ, સામાન્યતઃ બાળકની સમગ્ર દુનિયા એટલે તેનાં માતા -પિતા! પણ, અહીં અરૂણિમાનું આખું બ્રહ્માંડ જ દીકરા સોમમાં સમાહિત હતું. અરૂણિમાનું મન, મષ્તિષ્ક બધું જ દીકરા સિવાય બીજું કશું જોવા, સમજવા તૈયાર ન હતું. ઘરકામ કરવા આવતી વૃંદાનો દીકરો ચંદર સોમની જ ઉંમરનો હતો. ચંદર ખુબ સમજદાર અને શાંત બાળક! છતાં, અરૂણિમાની દ્રષ્ટિએ તેનાં બાળક જેવું ઉત્તમ કોઈનુંએ બાળક નહીં એટલે અરૂણિમાની દ્રષ્ટિએ ગરીબ એટલે કે અણઘડ એવા ચંદરને સતત પોતાના ‘રાજકુમાર’થી દૂર રાખવા એ મથતી. ચંદર ક્યારેક શાળામાં રજા હોય ત્યારે સોમ સાથે રમવાની લાલચે વૃંદા સાથે અહીં આવતો. તેને સોમના નવા-નવા રમકડાં અને આધુનિક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું આકર્ષણ રહેતું.
આવા જ એક દિવસે,
“મેં તને કેટલી વખત ના કહી છે ને વૃંદા, કે તારે તારા દીકરાને લઈને કામ પર નહીં આવવાનું.” ચંદરને સોમની સાઇકલને અડકતો જોઈને અરૂણિમા ઊંચા અવાજે બોલી. વૃંદાએ ઓઝપાઈને ચંદરને ત્યાંથી ઘરે જતા રહેવા ઈશારો કર્યો.
સુયશ અરૂણિમાને ઘણી વખત સમજાવતો કે વૃંદા અને તેનો પરિવાર વર્ષોથી એમની સાથે કામ કરે છે અને તેઓ સારા લોકો છે છતાં પણ, અરૂણિમા એમને તુચ્છ ગણી અને ખાસ તો સોમ માટે થોડી અસુરક્ષા અનુભવતી હોવાને લીધે તેઓ દૂર રહે એ માટે પ્રયત્નશીલ રહેતી. સોમનાં રમકડાં, કપડાં કે પછી તેનો પલંગ કે એ બેસતો હોય એ ઝૂલો પણ એ ચંદરને અડવા ન દેતી.
એક અકસ્માતમાં સોમનાં મૃત્યુને આજે એક મહિનો પૂરો થઇ ગયો છે. અરૂણિમાનું જીવન જાણે થંભી ગયું છે. આ વજ્રાઘાત ભૂલવા, પોતાને કામમાં વ્યસ્ત રાખતો સુયશ, અરૂણિમા સામાન્ય થાય એ માટે બનતા પ્રયત્નો કરે છે છતાં, હજી સુધી નિષ્ફળ રહ્યો છે. અરૂણિમા જાણે સતત ખળખળ વહેતું કોઈ ઝરણું રાતોરાત સુકાઈ ગયું હોય તેમ એકાએક અંદરથી ખાલી થઇ ગઈ હોય એવું લાગતું. એ કદાચ કશું અનુભવી શકતી ન હતી અને પરિણામે કંઈ જ વ્યક્ત કરી શકતી ન હતી. એ હસવાનું તો ભૂલી જ ગઈ હતી પણ સરખું રડી પણ ન હતી. હવે રોજ બસ મૌન રહી એ દિનચર્યાનું પાલન કરતી દેખાતી. સુયશને અંદરથી ખૂબ અકળામણ થતી પણ એ કંઈ કરી શકે તેમ ન હતો. એ પણ મૌન બની અરૂણિમાને સાથ આપતો અને શક્ય તેટલું તેનું ધ્યાન રાખતો.
ચોમાસું ચાલી રહ્યું છે. આજે ટ્રાફિકમાં ફસાઈ જવાને લીધે સુયશ ઓફિસથી ઘરે પહોંચ્યો નથી. મોડું થઇ ગયું છે અને અરૂણિમા ઘરે એકલી હોવાથી, ઘરની પાછળ જ બનેલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી વૃંદા અને ચંદર, અત્યારે અરૂણિમા પાસે રોકાયા છે.
“ચંદર, કંઈ અડકીશ નહીં. ઝૂલાથી દૂર રહે તો . .” દીકરાને ધીમે-ધીમે ઝૂલા પાસે ખસતો જોઈને વૃંદાએ કહ્યું.
ચંદરે પોતાના મકાનમાંથી ઘણી વખત સોમ અરૂણિમાનાં ખોળામાં માથું રાખી સૂતો હોય અને એ ધીમે-ધીમે કંઈ ગાતી હોય એ દ્રશ્ય જોયું હતું. આજે સોમ ની ગેરહાજરીમાં કદાચ એ આ ઝૂલા પર બેસી શકે તેવી ઈચ્છા સાથે એ ધીમે પગલે જઈ રહ્યો હતો ત્યાં જ વૃંદાએ તેને ટોક્યો.
એ પાછો હટવા જઈ રહ્યો હતો ત્યાં જ બીજા ઓરડા થી બહાર આવી રહેલી અરૂણિમાને જોઈને એ વધુ વઢશે એવા ભયથી ચંદર ત્યાં જ ઉભો રહી ગયો. બંનેએ એકબીજા તરફ જોયું.
ચંદર ત્યાંથી ભાગી જાય એ પહેલા જ, અરૂણિમા જાણે કોઈ ઊંડી ગર્તામાંથી અવાજ દઈ રહી હોય તેવો તેનો સાવ નિસ્તેજ અવાજ સંભળાયો,
“વૃંદા, એ ભલે બેસે….”
ચંદર માટે આ તદ્દન અનપેક્ષિત હતું. બાળક તરીકે એ કશું ભલે ન સમજ્યો હોય પણ ત્યાં હાજર વૃંદા અંદરથી સતત શોષાઈ રહેલી અરૂણિમાને આજે ફરી જીવિત થવાનો મોકો શોધતી જોઈ રહી. તેણે ચંદરને ઇશારાથી હા કહી. ચંદરને તો એટલું જ જોઈતું હતું જાણે! એ ઝટપટ ઝૂલા પર ચઢી ગયો.
હજી પણ શૂન્યમનસ્ક અરૂણિમા સ્વતઃ જ ચંદરની બાજુમાં જઈને બેસી ગઈ.
“તમે સોમ ને જે ગીત સંભળાવતા હતા એ મને સંભળાવશો?” ચંદરે નિર્દોષ સવાલ કર્યો.
અરૂણિમા યંત્રવત્ત ચંદરનું માથું પોતાના ખોળામાં મૂકી, ધીમી ઠેસે હિંચકો ચલાવતા, મંદ અવાજે સોમનું પ્રિય હાલરડું ગાવા લાગી.
અરૂણિમાની દરેક ઠેસ જાણે મન પર બાઝેલ આઘાત અને શોકનું પડ ઉખેડી રહી હતી, સાથે જ આળું મન ઝમેલી લાગણીઓ સ્ત્રાવ રૂપે વહાવી દેવા આતુર હોય એમ સહજ રીતે જ વહી નીકળેલા અરૂણિમાનાં આંસુ તેના ઘાયલ, અલૂણાં મનનો બોજ હળવો કરવા લાગ્યા. હમણાં જ ઘરે પહોંચેલ સુયશ ગોરંભાયેલ આકાશ અને અરૂણિમા બંનેને ધીમી ધારે વરસતા જોઈને લાંબા, બોઝિલ એક મહિના બાદ રાહત અનુભવતો, અરૂણિમા પાસે ઝૂલા પર બેસી પડ્યો.