કોણ શું પામશે કે ગુમાવશે? કોની પાસે આપણું લેણું નીકળે અને કોને આપણે શું અને કેટલું ચૂકવીએ?? – સઘળું વિધિ-લિખિત હોય છે. લોકોનું એકબીજાની સાથે હોવું કે ન હોવું એ માણસ તરીકે આપણા નિયંત્રણમાં નથી. હા, આપણે ઈચ્છા ચોક્કસ રાખી શકીએ પરંતુ, થવાનું એ જ કે જે દૈવ-વશાત્ત આપણા માટે નિર્મિત છે.
પ્રારબ્ધએ આપણી સાથે જોડાયેલા લોકો, ઘટનાઓ કે સંજોગોને પૂરા મનથી સ્વીકારીએ અને એક સ્વસ્થ, પ્રેમાળ અને સદ્ભાવયુક્ત સંબંધનું ઘડતર અને જતન કરીએ એ ચોક્કસ આપણા હાથમાં છે, છે ને??
“આદિત, બે મિનિટ રાહ જો ને બહાર; અચ્યુત અંકલ વિશે થોડી વાત કરવી છે.” ડૉ. પરાગે આદિતને રોકતાં કહ્યું.
બીજા દર્દીને બહાર મુકવા આવેલ ડૉ. પરાગ કે જે આદિતનો બાળપણનો મિત્ર પણ છે, તેની સાથે કેબિનમાં જતાં આદિતે પૂછ્યું, “શું થયું? કશું સિરિયસ છે?”
“કાલે ટીમનાં બીજા ડોક્ટર્સ સાથે ચર્ચા પછી અમે તારણ પર આવ્યા છીએ કે અંકલને psychogenic amnesia એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો વિસ્મૃતિ છે. આઘાતને લીધે તેમને સ્મૃતિભ્રંશ થયો છે. તાજેતરની ઘટનાઓ પછી એમની માનસિક હાલત વિશે આપણે જાણીએ જ છીએ..” આખો ઘટનાક્રમ આંખ સામે તાજો થઇ ગયો હોય તેમ, એ અત્યારે ડોક્ટર પરાગ મટીને મિત્ર પરાગ બની ગયેલ હોવાથી, બોલતાં – બોલતાં અટક્યો.
જાણે થૂંક સાથે યાદ આવેલી આખી વાત ગળી ગયા હોય તેમ, ગળું ખંખેરી, આદિતને ખભે હાથ મૂકી ડૉ. પરાગ : “તેઓ સ્વસ્થ તો ચોક્કસ થઇ જશે પણ, તેમ થવામાં કેટલો સમય લાગશે એ અત્યારે કહી શકાય તેમ નથી. આપણે ટ્રીટમેન્ટ આગળ વધારીએ, એન્ડ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ!”
એકસાથે વિચારોની એક આખી વણઝાર પસાર થઇ રહી હોય તેમ આદિત થોડી ક્ષણો માટે શૂન્યમનસ્ક બની ગયો. ત્યારબાદ, મનમાં એક આખું વર્તુળ પૂરું કરીને મૂળ સ્થાને પાછો ફર્યો હોય તેમ તેણે તરત જ જાતને સંભાળી લીધી અને ડૉ. પરાગને તે શ્રીમાન અચ્યુત કામદારને ક્યારે ઘરે લઇ જઈ શકશે એ વિશે પૂછવા લાગ્યો. બાળપણથી અત્યાર સુધીની જીવનયાત્રાનો તેનો સાથી અને આદિતનાં સ્વભાવથી સંપૂર્ણ અવગત તેવો પરાગ, આદિતના આ પ્રશ્ન માટે તૈયાર હોય તેમ દવાના થોડાં પ્રિસ્ક્રિપશન આદિતને આપતાં જણાવે છે કે, કામદાર સાહેબને તેઓ હજુ થોડા વધુ દિવસો હોસ્પિટલમાં જ રાખવાના છે તેમજ લગભગ દસે’ક દિવસ બાદ થોડાં ટેસ્ટ્સ કરીને આગળ નિર્ણય લેશે.
બીજા દિવસે કાવેરી, તેમના હોસ્પિટલ રોકાણ માટે જરૂરી એવો સામાન લઈને સવારે જ હાજર થઇ ગઈ. અચ્યુત કામદાર, કાવેરી કે આદિત બંનેમાંથી કોઈને ઓળખ્યા નહીં છતાં, એ લોકો એમના માટે જ અહીં આવેલા હતા એ સમજી શક્યા.
અચ્યુત દવાની અસર હેઠળ સુતા હતા એટલે એમને ખલેલ ન પહોંચે એ હેતુથી આદિત અને કાવેરી રૂમની બહારના વેઇટિંગ એરિયામાં બેઠા છે ત્યારે આદિતે કાવેરીને કહ્યું, “મા, મને ખબર છે આ તારા માટે સરળ નથી રહેવાનું.”
“એવું કેમ કહે છે બેટા? આ જવાબદારી અને ચિંતાઓ તારા એકલાની નથી, મારી પણ છે.” કાવેરીએ ખૂબ શાંતિથી પ્રત્યુત્તર વાળ્યો.
અચ્યુત કામદારની તબિયત ધીમે ધીમે સુધારા પર છે પરંતુ, યાદશક્તિ વિશે ડૉક્ટર્સ કંઈ વિશેષ કહી શકતા નથી.
“પપ્પા, તમારે કંઈ જોઈએ છે?” – આદિત તરફથી આવેલ આ પ્રશ્નના જવાબમાં, અચ્યુતની અવિરત કંઈક શોધતી ઉદાસ આંખો, આ અજાણ્યા છોકરાને ઓળખવાની કોશિષ કરી રહી હોય તેમ, વિસ્મયપૂર્વક તેને તાકી રહે છે.
દિવસો પસાર થઇ રહ્યા છે છતાં, આદિત કોઈ પણ પ્રકારના અણગમા કે સંતાપ વિના જાણે કોઈ બાળકની સારસંભાળ લેતો હોય તેમ શ્રીમાન અચ્યુત કામદારની સેવામાં રત છે. કાવેરી પણ સતત દીકરાની સાથે છે. અચ્યુતનાં ખાવા-પીવાથી લઈને તેને સાંજે ચલાવવા માટે બગીચામાં લઇ જવા સુધીની નાનામાં નાની વાતની સંભાળ, હોસ્પિટલ હેલ્પ હોવા છતાં ખૂબ ધ્યાનપૂર્વક એ પોતે જ રાખે છે. રોજ સાંજે અચ્યુતને બગીચામાં ચાલવા લઇ જાય ત્યારે લોકો ક્યારેક સહાનુભૂતિ તો ક્યારેક દયાની દ્રષ્ટિએ આંખનાં ખૂણેથી એમને જુએ અને પરસ્પર વાતો કરે એ દ્રશ્ય કે તેમની વાતોનો વિષય હવે કાવેરી માટે નવા નથી. આદિત અને કાવેરીને વિશ્વાસ છે કે અચ્યુતની યાદશક્તિ ચોક્કસ પાછી આવશે, એટલે બંને ડૉ. પરાગની મદદથી, પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા છે.
એક રાત્રે, નર્સે અચ્યુતને દવાઓ આપી દીધી અને તેઓ સુઈ ગયા બાદ, આદિત અને કાવેરી પરવારીને બેઠાં છે.
કાવેરી : “આદિત, હવે એ વાતને છ મહિના થઇ ગયા છે બેટા, આપણે મંજરીનાં અસ્થિ વિસર્જન વિશે કંઈક વિચારવું પડશે.”
અચાનક રૂમ મૃતઃપ્રાય બની ગયો હોય તેવી શાંતિ છવાઈ ગઈ.
કાવેરી : “હું સમજું છું કે અત્યારની પરિસ્થિતિમાં આ વાત કરીને હું કદાચ તારી મુશ્કેલીમાં વધારો જ કરી રહી છું. પરંતુ, હું તેની પણ મા છું બેટા, તેને મુક્ત કરવી જરૂરી છે, એ તેનો અધિકાર છે. તેને આપણે આવી રીતે બાંધીને રાખી શકીએ નહીં.”
લાંબા સમયથી મૌન રહેલો આદિત બોલ્યો, “મા, હું પણ તેને મુક્ત કરી, જાતે મુક્ત થવા માગું છું પરંતુ, હું સાથે એ પણ ઈચ્છું છું કે એ પપ્પાને હાથે મુક્તિ પામે કેમકે, એ તેની આખરી ઈચ્છા હતી. અત્યારે ધારો કે પપ્પા તેને હાથ અડાડી દે એટલે કાર્ય તો થઇ જશે પણ, મારું એ સ્પષ્ટ માનવું છે કે તેઓ આ સભાનપણે કરે; આપણા સૌની વિમુક્તિનો એ એકમાત્ર રસ્તો છે.”…
… “ખ્યાલ છે મને કે એ અત્યારે કદાચ એમના માટે મહત્વનું નથી પણ એમને ફરીથી બધું યાદ આવી જશે ત્યારે? મંજરીના મૃત્યુ માટે એ પોતાને જ દોષી માને છે; મારે એમને પણ આ અપરાધભાવમાંથી મુક્ત કરવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે એ એક દુર્ઘટના હતી. એ કોઈની પણ સાથે બની શકે અને એમાં પપ્પાની ભૂલ ન હતી. એ કાર ચલાવી રહ્યા હતા એટલે એ દોષી છે એવું ક્યારેય ન કહી શકાય. અને આ મંજરીની ઈચ્છા હતી એ સૌથી મહત્વની વાત છે.”
આંખની ભીનાશ અવાજમાં ઉતરી આવી હોય તેમ કાવેરીનો અવાજ થોડો દબાયો, “મને તારા પર ગર્વ છે બેટા! અચ્યુત નસીબદાર છે કે, તેની પાસે તું છે. તને યોગ્ય લાગે તેમ જ કરીએ.”
આદિત : “મેં ક્યારેય કહ્યું નથી પણ મા, પરંતુ તારા વિના આ કઈ રીતે શક્ય હોત એ હું વિચારી પણ શકતો નથી.”
સમય એક અતિ અકળ પરિબળ છે. તેની ગતિ વ્યક્તિનાં જીવનમાં બનતી ઘટનાઓનાં અનુસંધાને બદલાતી રહેતી હોય છે. સુખમાં સમય જાણે પાંખ લગાવી ઉડતો લાગે તો એ જ સમય દુઃખ કે તકલીફમાં જાણે પગમાં બેડીઓ પહેરી આગળ વધતો હોય તેવો શિથિલ લાગે. આદિત અને કાવેરી માટે તો આ સમય રોકાઈ જ ગયો હોય તેમ લાગે છે. હોસ્પિટલનાં બોઝિલ, આયાસયુક્ત, શારીરિક અને માનસિક રીતે થકાવનારા તેમજ અનિશ્ચિતતાનો પર્યાય બનતા જતાં દિવસો જાણે પૂરા થવાનું નામ જ નહોતા લેતા.
હોસ્પિટલમાં ચાર મહિના અને ઘરે બીજા દસ મહિનાની અવિરત સંભાળ અને સારવાર બાદ, અચ્યુત કામદારની તબિયતમાં હવે નોંધપાત્ર સુધારો જોઈ શકાય છે. એ સંપૂર્ણ સ્વસ્થ નથી થયા છતાં હવે તેઓ કાવેરી અને આદિતને ઓળખી શકે છે; નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે યાદ કરીને, વર્તમાન પરિસ્થિતિ સમજી શકે છે. એમને દુર્ઘટના તેમજ મંજરીના મૃત્યુ વગેરે ઘટનાઓ પણ પૂરી રીતે યાદ આવી ગઈ છે. એ બધું યાદ આવી જતાં અચ્યુતના સ્વાસ્થ્ય પર તેની કેવી અસર થશે એ વિશે કાવેરીના મનમાં આશંકા તેમજ થોડો ભય પણ હતો. પરંતુ, આદિતની કરુણા, પ્રેમ અને સદ્ભાવે અચ્યુતને ભાંગવા નથી દીધા.
બીજા થોડા મહિનાઓ પસાર થતા જિંદગી વધુ સારી રીતે ઘરેડમાં ગોઠવાવા લાગી.
આજે બંને મંજરીને દુન્યવી બંધનોમાંથી મુક્ત કરવા માટે હરિદ્વાર જઈ રહ્યા છે. આદિત રેલવેના કોચ પરના લિસ્ટમાં બંને પેસેન્જરનું નામ કન્ફર્મ કરે છે, 1. અચ્યુત કામદાર અને 2. આદિત કોઠારી! એક પોતાની દીકરીને મુક્ત કરવા જાય છે અને બીજો પોતાની પત્નીને આપેલું વચન પાળવા જઈ રહ્યો છે. ટ્રેન ચાલુ થઇ ગઈ, પ્લેટફોર્મ પર ઉભેલી કાવેરી સજળ આંખે પોતાની પુત્રવધુ મંજરીને અંતિમ વિદાય આપી રહી છે!



