આપણે ત્યાં સામાજિક માળખામાં માતા-પિતા અને બાળકો એકબીજાનાં જીવનનો ભાગ હોવાને બદલે જવાબદારી ગણીએ છીએ ત્યાં સુધી આપણે માલિકીભાવ અનુભવવાનું ચુકીશું કે છોડી શકીશું નહીં જ. અને જ્યાં માલિકીભાવ છે ત્યાં સંમતિ જરૂરી બની જાય છે, ખરું ને? વાર્તા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી પ્રોત્સાહિત ચોક્કસ કરશો.
અહીં હું પાંચ વર્ષથી ચોકીદારી કરું છુ. આ ઘરડાઘરમાં તો કહેવાતા અમીરોનાં ઘરડા પણ આવે છે પણ, શાંતિ મા તો અવારનવાર દરવાજે આવીને જતા રહે છે. ખૂબ નિરાશ થઇને જાય છે. બે-બે દીકરાની મા, ઘરના મકાન, દીકરા ,વહુ, પૌત્ર, પૌત્રીથી ભર્યું-ભર્યું બધું! સવારથી સાંજની એક જ દિનચર્યા. ફૂલ લઈ ને હવેલીએ જવું, રસ્તામાં મળે તે બાળકોને પ્રસાદ આપવો. બપોર સુધીમાં ઘરકામ પતાવવામાં મદદ કરવાની. ફરી હવેલીનાં રસ્તે એકલા જ જવાનું. મોડી સાંજે પાછા આવી જવુ. આ જ એક માત્ર ક્રમ અને આ જ એમનું જીવન!
આપણા સમાજમાં સ્ત્રી દીકરી, વહુ, માતા કે નાની / દાદી તરીકે જીવે ત્યારે પોતે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવી શકે તેવી સવલત હજી પણ નથી. એટલે એ જ વ્યવસ્થા અંતર્ગત સ્વાધીનતા, સ્વાભિમાન, પસંદ-નાપસંદ આ શબ્દો જાણે શાંતિ મા માટે બનેલા જ ન હતા. હા, હવેલી સુધી જવાની છૂટ એ એમની સ્વતંત્રતા ગણી શકાય! વયસ્ક થયા પછી એકલતા કેટલી ઘાતક કે જીવલેણ હોઈ શકે તેનો તો અંદાજ પણ યુવાન, કામકાજી પેઢીને નથી હોતો. યુવાનીમાં વસ્તુઓ, સાધન-સંપતિ વગેરે સુખની લાગણીનો અનુભવ કરાવી શકે છે છતાં, વૃદ્ધાવસ્થા એ એવો સમય છે જયારે સુખ કે સંતોષની લાગણીનો સંપૂર્ણ આધાર માત્રને માત્ર થોડાં માન અને પ્રેમ સહિતની કુટુંબના સભ્યોની હાજરી પર જ રહેતો હોય છે. પણ, એ મેળવવામાં વયસ્ક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ગુમાવી અને સુખની આશામાં જીવન પૂર્ણ કરે એ કેટલી હદે વ્યાજબી કહીશું?
શાંતિ મા મહિનામાં એકવાર તો જરૂર અહીં વૃદ્ધાશ્રમ આવે. અહીં રહેવા માટે ઘણી ઈચ્છા પણ કેમ આવે? કોણ મૂકી જાય? દીકરાની આબરૂનું શું? વહુને ઘર ચલાવવામાં મદદ કે સહારો કોણ આપે? પૌત્ર-પૌત્રીનાં ઉછેરની જવાબદારીનું શું? સારા-સધ્ધર ઘરનાં લોકો અહીં થોડા રહી શકે? અને ઝઘડા ન થતા હોય એ ઘરનાં વૃધ્ધોને કંઈ તકલીફ હોય તેવો તો વિચાર જ કોને આવે? સતત ગુંગળામણમાંથી છૂટવું કેમ? સગાં-સંબંધીઓ પાસે જાય તો, તેઓને પણ હેરાનગતિ થાય. આમ ને આમ દિવસો-વર્ષો ગયા.
હવે અહીં આવવું છે પણ દીકરાની સંમતિ નથી.
વાલી વિનાના બાળકો તો મેં ઘણા જોયા પણ, છતા બાળકોએ બાળક વિનાના વાલી તો કોઇક જ હોય. વિચારમાંથી જાગ્યો તો સમાચાર મળ્યા કે માજી ઘરડાઘરનાં પાછળને દરવાજે પડેલા મળ્યા છે.
શ્વાસ છોડી ચુકેલા શાંતિ મા ને હવે ક્યાં કોઈની સંમતિની જરૂર છે?