દિવસોનાં માળખા આ ક્રમમાં અને સુઘડ છે,
તારા ગયા પછી તો, જીવન ઘણું સરળ છે!!
મારા હ્રદયનાં દોરા ને તારા મનની ગાંઠો,
ગૂંથવાની પેરવીમાં, વિત્યા છે કેટલા વર્ષો;
ભાત કેમે કરી બને ના, યત્નો બધા વિફળ છે!
તારા ગયા પછી તો…
નવ ટાંક લાગણી ને, પા શેર પ્રીત સાથે,
કોશિશ ઘણી કરી કે ઉપજે કંઈક તો ઓસડ;
ઔષધ થયું વિસંગત, આ રોગ કંઈક અકળ છે!
તારા ગયા પછી તો…
મનનાં મરુના ટિંબા જ બસ નથી હકીકત,
પર્જન્ય પાતળો પણ અમને અહીં પલાળે;
અકલ્પ્ય છે દેવત્વ, મરુમાં વસે મૃગજળ છે!
તારા ગયા પછી તો…
અલગાવ ના આ સત્યને તું પૂર્ણતા છો(ભલે) માને,
ઈશ્વરીય ખેલમાં બસ અંતરાલ આ તો;
પડદો ઉઠ્યા પછી શું? એ હજુ અકળ છે!
તારા ગયા પછી તો, જીવન ઘણું સરળ છે!!
* ભાત=design , નવ ટાંક=a measuring unit (⅛ of 500 g), પા શેર= a measuring unit (¼ of 500 g), મરુ=sand , ટિંબા=dunes , પર્જન્ય=rain , અલગાવ=separation , અંતરાલ=intermission