પ્રેમનાં ફૂલોની બિછાવેલી જાજમ તળે,
કેટકેટલા કાંટા ની તરફડતી પીડા પણ;
ડગલું સુંવાળપની ઝંખનામાં માંડ્યુ જ્યાં,
વેદનાનો કાંટો મહીં સોંસરવો ઉતરી ગયો!
અજવાળું કરવાને મુખ તારું મલકતું તો,
મારી રાતોનાં તારાઓ ઓઝપાઈ જતાં;
આજે આંખો જ્યાં ફેરવી તે મારી દિશાથી ત્યાં,
મારો તો બળબળતો સૂરજ પીગળી ગયો!
પ્રેમનાં પટોળાનો કાચો ના રંગ કંઇ,
ફોરમતા ફાગણને દોરેથી બાંધેલો પણ;
તારા ઝુરાપાનાં નિંગળતા ધોધ માંહે,
પ્રેમનાં પોતનો પાક્કો રંગ પણ નીતરી ગયો!
વાતનાં વિલાસ અને વાયદાનાં સોદામાં,
તારી-મારી લેણ-દેણ નો ક્યાં કોઈ હિસાબ છે?
ચાર સ્મિત, પાંચ સ્પર્શ અને છ અશ્રુનાં બદલામાં,
લઈ આખુંએ આયખુ તું મુજને છેતરી ગયો!