આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે કંઈક તારણ કાઢીએ છીએ એ લગભગ એની સારી કે ખરાબ, એક જ બાજુ જોઈને કાઢીએ છીએ. ખરી હકીકત એ છે કે જેમ દરેક વ્યક્તિનાં જીવનમાં કંઈક સિધ્ધી હોય છે, તેવી જ રીતે કંઈક અભાવ પણ રહેશે જ.
Enjoy reading a new article in the series – With love, Swati. If you prefer to read it in English, Click Here.
આપણી આસપાસ નજર દોડાવતા આપણને સમજાય છે કે આસપાસ એવા ઘણાં લોકો છે જેમને તેઓની લાયકાત, ક્ષમતા, આવડત કે જરૂરિયાત પ્રમાણે નથી મળ્યું; મતલબ કે આપણને એમને જોઈને એવું લાગ્યા કરે કે, he/she deserves better! અને આજના આ સેલ્ફ સેંટર્ડ (‘સ્વાર્થી’ એક અલગ શબ્દ છે!) જમાનામાં તો બીજાને જોવા કરતાં મોટે ભાગે પોતાને માટે જ આવા વિચારો પહેલા આવે છે!!:)એટલે, જો તમને આવા વિચારો આવતા હોય તો બહુ ગિલ્ટી નહીં ફીલ કરવાનું.
અહીં દરેક વખતે મારા લખવા પાછળનો જે હેતુ હોય છે તે પ્રમાણે આજે પણ આ જ વાતની બીજી બાજુ ચકાસીએ ચાલો…
શું આપણે જે લોકો વિશે વિચારીએ છીએ તેમને ક્યારેય પૂછ્યું છે કે, શું તેમને કશો અભાવ વર્તાય છે? જવાબ મોટે ભાગે ‘હા’ હશે. હવે, શું તમે એ વ્યક્તિને એટલી નજીકથી ઓળખો છો કે તેનાં સ્વભાવની મર્યાદાઓ પણ જાણો છો? જવાબ મોટે ભાગે ‘ના’ હશે. કેમકે, જો તમે એ વ્યક્તિને એટલી નજીકથી ઓળખતા હશો તો તેમને આ અભાવ વિશે યાદ દેવડાવવાનું પસંદ નહીં જ કરો! આજે મોટા ભાગની સમસ્યાઓ ‘હોવાને’ લીધે નહીં પરંતુ કોઈ તમને સતત ‘યાદ કરાવે’ છે તેને કારણે જ, તે હોય છે તેનાં કરતાં મોટી લાગતી હોય છે.‘જાણકારી’ ભૂલી શકાય છે,‘અનુભૂતિ’ ઊંડી ઉતર્યા કરે છે!
To know that you are facing something is not as painful as the realization of the same!!
હવે, જ્યારે આપણે કોઈને કહીએ છીએ કે ‘તમે આટલું સહન કરો છો’ કે ‘તમારે આટલી તકલીફ છે’, ત્યારે સામાન્ય રીતે રૂટિનમાં રોકાયેલા હોય તેવા લોકોની મનોદશામાં આપણે વિક્ષેપ પાડીએ છીએ. અહીં, સમસ્યા ઊભી કરવા કે સમસ્યાઓને આવકારવા હંમેશા તૈયાર રહેતા લોકો વિશે આપણે વાત કરી રહ્યા નથી. આવા લોકોની માનસિકતા એક આખો લેખ માંગી લે તેટલો બહોળો વિસ્તાર ધરાવે છે! એટલે ફરીથી, મારા-તમારા જેવા, એ પ્રકારનાં જન સામાન્યની આપણે વાત કરીએ છીએ કે જેઓ તેમને મળેલા જીવન સાથે થોડું એડજસ્ટ કરીને ખુશ રહેવા ટેવાયેલા છે. હવે, તેઓ જેને સુખ માને છે તેની પાછળ કેટલું દુ:ખ ગર્ભિત છે એવી (ગેર!)સમજણ આપતી વખતે સામેવાળી વ્યક્તિ તમારા સ્વભાવની મર્યાદા જાણ્યા વિના જ તમારા જીવનને બીજા સાથે સરખાવીને પોતાની વાત સાબિત કરી ચાલ્યા જાય છે.
આપણે સૌ સામાન્યતઃ આટલું જ જોવા ટેવાયેલા છીએ પરંતુ, જેમ હું દ્રઢપણે માનું છું કે દરેક સિક્કાની બીજી બાજુ હોય જ છે તેમ, આ વાતની બીજી બાજુ પર પ્રકાશ પાડીએ… આપણી તેમને આ અનુભૂતિ આપ્યા બાદ, જે-તે વ્યક્તિ કેટલું ગુમાવે છે તે ક્યારેય આપણે વિચારતા નથી. જો સામેવાળી વ્યક્તિ આ અનુભૂતિને પચાવી શકવા કે હળવાશથી લેવા જેટલી સક્ષમ નહીં હોય તો, ઘણું જ નુકસાન થવાની શક્યતા રહે છે. લડાઈ, ઝઘડા, અસંતોષ, આક્ષેપો, ગણતરીઓ અને કંઈ કેટલુંએ ન હોય ત્યાંથી ઊગી નીકળે છે…. ફક્ત એક realization ને લીધે!!
હા, અહીં દોષ ફક્ત આ અનુભૂતિ કરાવનારનો જ નથી હોતો, પરંતુ, એ સ્વીકારી અને તેનાં પર નકારાત્મક પ્રતિક્રિયાઓ આપનારનો વધારે હોય છે!
જે કોઈ પણ વ્યક્તિ વિશે આપણને લાગતું હોય કે તે ‘સહન કરે છે’ કે ‘તકલીફમાં છે’, તે વ્યક્તિને પણ પોતાની પસંદગી કરવાનો અધિકાર હોય જ છે. દુ:ખમાં રહેવું કે હેરાનગતિ ભોગવવી તે ક્યારેય કોઇની પસંદગી ના જ હોય શકે. એટલે જો કોઈ મજબૂરી હોય તો, વ્યક્તિએ તેમાંથી બહાર આવવા પ્રયત્ન કરવો જોઈએ અને આપણાં માટે પણ તે માગે ત્યારે (જ) સાથ કે સહકાર આપવો તે એક જ વિકલ્પ હોઇ શકે.
બાકી કોઈ દુખી છે એવું યાદ કરાવતાં રહેવાથી કે કોઈના અફસોસમાં ભાગ પડાવવાથી તેઓની પરિસ્થિતી સુધરતી નથી. અને જો આ જ અનુભૂતિઓ પોતાને માટે પણ થતી હોય તો પણ ઉપાય એ જ છે કે જે પરિસ્થિતી તમને વિપરીત લાગતી હોય, (અહીં નુકસાનકારક વધારે.. વિપરીત તો રોજબરોજ, કંઈક તો હોવાનું જ!) તો એવી નુકસાનકારક પરિસ્થિતીમાંથી બહાર આવવા પ્રયત્ન કરવા પડશે અથવા તો કોઈ યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડશે. પોતાને માટે કંઇ પણ કરતાં પહેલા હેતુ શુધ્ધ રાખવો, નહીં તો તમે જ તમને સૌથી વધારે નુકસાન પહોંચાડશો.
સામાન્ય રીતે સારું-નરસું એ દરેકનાં જીવનનો ક્રમ હોય જ છે અને તેમાં પોતાની જગ્યા કરી લઈ પોતાને માટે સારી પરિસ્થિતી સર્જવા માટે બધાએ મથતાં રહેવું પડે છે, મારા માટે એ “જીવન”ની વ્યાખ્યા છે. તમારી અલગ હોય શકે પરંતુ, કોઈ બીજાનાં (માનવ) જીવન વિશેનાં ખ્યાલોને આપણે સદ્ભાવનાનાં અંચળા હેઠળ વિક્ષિપ્ત ન કરીએ, તે માનવતા છે!! કોઈને તેમનાં વિશે કંઇ કહેવા કરતાં; તેઓ જે કહેવા માંગતા હોય એ સાંભળવું અને તે પણ કોઈ પ્રકારના અનુગ્રહ કે પૂર્વગ્રહ બાંધ્યા વિના, એ માણસ તરીકે બહુ મોટી સિધ્ધી કહેવાય.
ટૂંકમાં, કોઈનાએ વિશે વધારે સારું કે ખરાબ અનુભવ્યા વિના, સાક્ષીભાવે ઉપસ્થિત રહેવું એ જ સૌથી સાચો રસ્તો છે. સમય અને સંજોગો બદલાતા જ રહેવાના અને તે જ પ્રમાણે અનુભવો પણ…!
અત્યાર ના માણસો કોઈની તકલીફ કે કોઈ ની ખુશી અથવા કોઈ પણ કાર્ય તેને સરાહના આપવા કે તેને સમજવાની દૃષ્ટિ થી નથી જોતા, માત્ર જોવે છે યાદ કરાવે છે એટલે કે તેને ક્રિટિસાઈઝ કરી શકે તેના પર પોતાના મંતવ્યો બનાવી શકે. કોઈની સ્માઈલ જોઈને તે શુકામ સ્માઈલ કરે છે તેમાં કોઈ વ્યંગ છે કે કોઈ દંભ છે તેવું વિચારવા કરતા એજ સ્માઈલ ને જોઈ ખૂશ કેમ ના થવું તે ખુશીની પળ એન્જોય શુકામ ના કરવી?
કોઈની ખુશીમાં ખુશ થવું કે કોઈના દુખે દુઃખી થવું એ હાલ ફેશનમાં નથી. કારણ કદાચ લાગણીઓમાં આવતું જતું છીછરાપણું અને સમયનો વ્યય થવાની ભીતિ છે. પોતાનાં લોકોને હાલચાલ પૂછવાનું ટાળતા લોકો પાસેથી બહુ નજીકનાં ન હોય એવા લોકો પ્રત્યે સંવેદનશીલ વર્તનની અપેક્ષા ન જ રાખી શકાય.