મદદ અને પ્રેમ – A Gujarati Article by Swati Joshi

wellness article madad ane prem swatisjournal

જીવન કમાવા, બચાવવા, આયોજન કરવાની અને એ રીપીટ કર્યા કરવાની એકસરીખી ઘટમાળ બની જાય ત્યારે, આ ચેઈન બ્રેક કરવા માટે મદદ અને પ્રેમ જરૂરી બની જાય છે. હવે એ ‘માગો છો’ કે ‘આપો છો’ એ વ્યક્તિગત છે છતાં, બંને કે બેમાંથી કંઈ પણ આપણને મનુષ્ય હોવાનું યાદ અપાવવા માટે પૂરતા થઈ પડે છે!

મદદ અને પ્રેમ, માળું એટલું સરખાપણું કે જાણે કુંભના મેળામાં છુટ્ટા પડેલા બે ભાંડરડાં! આવું એટલે કહેવું પડે કે બંનેમાં ગજબની સામ્યતા છે. તમે કદાચ વિચાર્યું નહીં હોય એટલે બાકી હમણાં અહીં વાંચશો એટલે કહેશો કે હા અલ્યા, આ તો જબરું!! તો, ચાલો આ સરખામણીની નાનકડી સહેલ કરી આવીએ?

મદદ અને પ્રેમ, બંને હોય તેટલા ઓછા જ પડે, છે ને? બંને જેટલા મેળવીએ તેમાં હજી થોડું ભળે તો વધુ સારું એવું જ લાગ્યા કરે. વ્યક્તિ કોઈ પણ ઉંમરની કેમ ન થાય, તેમને મદદ અને પ્રેમ બંનેની જરૂરિયાત હોય છે અને એ આજીવન રહે છે. સંબંધોમાં આ મદદ અને પ્રેમ ધીમે-ધીમે સ્વરૂપ બદલી આધાર અને એટેન્શનમાં પરિણમે છે અને જીવનનાં છેક છેલ્લા તબક્કા સુધી બહુ ડીમાંડમાં રહે છે. માણસ તરીકે ખુબ સહજ છે આ વાત છતાં, છેલ્લે સુધી એક નહીં તો બીજું એમ કંઇક ખૂટ્યા કરતું હોવાનો ખટકો રહે છે. નિદા ફાઝલી અમસ્તા જ નથી લખી ગયા કે,

“કભી કિસી કો મુકમ્મિલ જહાં નહીં મિલતા,

કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા.”

બીજું, બંને માટે બીજા કોઈ સામેથી ઓફર કરે એ બહુ સારું લાગે. “ફલાણા ભાઈ બહુ ઉદાર.”, “પેલા લોકોએ આ બહુ સારું કામ શરુ કર્યું.” “અરે તમે આ મદદ કરો છો તેનો બદલો ભગવાન તમને ચોક્કસ આપશે.”, “બહુ પુણ્યનું કામ છે.”, “આવો જ પ્રેમ આજીવન રાખજો.”, “ફલાણા બેનનાં કુટુંબમાં કેવો પ્રેમ અને સંપ!”, “કાકીને તમે સાચવો છો, ખરેખર યજ્ઞ જેવું કામ છે.”, “ફોઈની આટલી સેવા તો તમે જ કરી શકો.” “ભાઈ, પૈસા તો બધા પાસે હોય, જીવ પણ ચાલવો જોઈએ ને?” “ભાઈસાહેબ, તમે બહુ હિંમતવાળા.”, “આ સેવા કાર્ય આમ જ ચાલુ રાખજો હવે.” અને છેલ્લે “આ તો તમે જ કરી શકો!”. ચાહે સ્નેહપૂર્વક કોઈ સંબંધ સાચવવાનાં હોય કે કોઈને શારીરિક, સામાજિક કે આર્થિક કોઈ પણ પ્રકારની નાની-મોટી મદદ કરવાની હોય, લોકોને બહારથી જોવાનું અને બિરદાવવાનું વધુ ફાવે છે.

મદદ હોય કે પ્રેમ બંને માટે ‘સાધારણ’ વર્ગ યાચક બનવાનું પસંદ કરે છે . (દરેક માટે એ શક્ય નથી હોતું કદાચ, ઘણાં એવા હાથ પણ રચ્યા છે કુદરતે કે જે માત્ર આપી જ શકે છે, યાચી શકતા નથી જ, ચાહે સાધન હોય કે લાગણી!) આ માનવામાં ન આવતું હોય તો, આપની આસપાસ “તમારે અમારું કરવાનું હોય”, “હવે તમારે જ અમારું ધ્યાન રાખવાનું છે”, “તમે નહીં કરો તો, કોણ કરશે?”, “આમ જવાબદારીમાંથી છટકી જાઓ એ કેમ ચાલે?” આવું બધું સાંભળ્યું હોવાનું યાદ કરી જુઓ. આપને માટે નહીં કહેવાયું હોય તો, સતત પ્રેમપૂર્વક મદદ કરતા રહેતા વિરલાઓ માટે આવું કહેવાતું હોવાનું આછું આછું યાદ આવે છે?

મદદ કે પ્રેમ બેમાંથી કોઈનો પણ અતિરેક સામેવાળી વ્યક્તિને પાંગળા કરવાનું કામ કરે છે. અહીં ‘અતિ ની ગતિ નહીં’ એ એકદમ યોગ્ય ઠરે છે. મોટા મનનાં માલિકો કોઈને સહયોગનો હાથ લંબાવવામાં કચાશ નથી કરતા તો, સામે યાચકવૃત્તિ ધરાવતો એક આખો પરોપજીવી વર્ગ ઉભો થાય છે. આ એક ચોક્કસ વર્ગનાં ભોગે જે ખરેખર જરૂરીયાતમંદ છે તેમનાં સુધી ઘણી વખત એ મદદનો હાથ નથી પહોંચી શકતો. એટલે મદદ કરતી વખતે શંકા નથી જ કરવાની પરંતુ, લાગણીવશાત્ત તર્કસંગતતા ન ગુમાવી દઈએ એ પણ જોવું જ રહ્યું. એવું જ પ્રેમનું, ભાવનાઓમાં વહી જઈ ક્યારેક પ્રેમનો અતિરેક થઇ જાય તો બે શક્યતાઓ રહે છે. એક તો સામેવાળી વ્યક્તિ ગૂંગળાઈ જાય છે અને ધીમે ધીમે આ પ્રેમને બોજ તરીકે જોવા લાગે છે. અથવા આ અતિરેક તેને બગડવાની ભૂમિકા બાંધી આપે છે. જેમાં સામેવાળી વ્યક્તિ કેટલીએ ખોટી કેમ ન હોય આપ તેનાં પ્રત્યેનાં પ્રેમને લીધે કંઈ જ કહી કે કરી ન શકો. આ આખી વાતને સ્પષ્ટ સમજવા, નાના સ્કેલ પર જોવી હોય તો ઘરથી જ શરૂઆત કરાય. અંગત સંબંધોમાં આર્થિક પાસા વિશે હોય કે, ઘરકામમાં મદદ થી લઈને કોઈ વ્યક્તિવિશેષ માટેનાં પ્રેમ વિશે હોય, એ દરેકને આ અતિરેક સાથે સાંકળી જોઈએ એટલે તરત સમજાય કે, મદદ હોય કે પ્રેમ ક્યાંક અટકવું જરૂરી છે!

મિત્રતા, આ એક એવો સંબંધ છે જે મદદ અને પ્રેમ વડે પોષી પણ શકાય છે અને ગ્રસી પણ શકાય છે! મિત્રતા વિશે લોકોમાં અનેક પ્રકારની માન્યતાઓ અને વાયકાઓ પ્રવર્તે છે કે, સાચો મિત્ર આમ કરે કે પછી તેમ ન જ કરે અને તેની અનેક પ્રકારની વ્યાખ્યાઓ પણ ચલણમાં છે. પરંતુ, માગ્યા વિનાની, મનથી કરાતી મદદ અને ગુણદોષ થી ઉપર ઊઠીને કરાતો અણીશુધ્ધ પ્રેમ એ મિત્રતાની ઓળખ બની રહે છે. અને જયારે મદદ અને પ્રેમ ની સરખામણી જ કરી રહ્યા છીએ ત્યારે, મિત્રતામાં સ્વમાન કે ખુદ્દારી ભૂલી ને જયારે મદદની આશા રાખીએ ત્યારે એ સંબંધ પૂરો થવાના માર્ગ તરફ દોરી જાય છે. એવું જ પ્રેમ વિશે પણ છે. મિત્રો માટેનાં સ્નેહ ખાતર બીજા સંબંધોમાં સમાધાન કરવું પડે તો એ પણ વ્યાજબી નથી કે પછી આનાથી એકદમ ઉલટું, બીજા કોઈ સંબંધ માટે મિત્ર પ્રત્યેની નિસ્વાર્થ લાગણીને જતી કરવી પડે એ પણ તદ્દન ગેરવ્યાજબી જ છે ને?

અને છેલ્લે, મદદ હોય કે પ્રેમ બંને ની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. ઘણી વખત આપણે આ બંને માટે બીજા તરફ દ્રષ્ટી રાખી આખું જીવન પસાર કરી દેતા હોઈએ છીએ. અને અપેક્ષા ન સંતોષાતા, હૃદયનાં ખાલીપાને કડવાશથી ભરતા હોઈએ છીએ. જે જાત કે બીજા કોઈ માટે નુકસાનકારક પરિણામ જ લાવે છે. એટલે જ સંજોગવશાત્ત ક્યારેક બહારથી મદદ કે પ્રેમ ન પણ મળે એવું બને ત્યારે જાત સાથે ન્યાય કરવાનો સ્વભાવ કેળવવો જોઈએ.આપ જો મદદ કે પ્રેમ કરવાને માટે સક્ષમ છો તો મનમાં ખાતરી રાખજો કે તમે પોતે એ એકમાત્ર વ્યક્તિ છો જે તમારી અપેક્ષિત સહાયતા કરી શકશો. આપણી પોતાની પાસે કશુંક હશે તો આપણે કોઈને એ આપી શકીશું તો, આપણે જાતને સંતોષ થાય તેટલું પોતાને માટે કરવું એ આપણો અધિકાર અને ફરજ બંને છે, સહેમત છો ને મારી આ વાતથી?

આ આખી સહેલનાં સાર રૂપે એ સ્પષ્ટ છે કે, કોઈ પણ વ્યક્તિ, સંબંધ, સમાજ કે વ્યવસ્થાના સરળ અને સહજ નિર્વાહ કે સંચાલન માટે મદદ અને પ્રેમ આ બંને ક્ષેત્રે સંતુલન સ્થાપવું અનિવાર્ય બની રહે છે. ભોજનમાં જેમ મીઠું નહીં વધારે કે નહીં ઓછું તે જ પ્રમાણે જીવનમાં મદદ કે પ્રેમ નહીં વધારે કે નહીં ઓછા!! આપણે ત્યાં કહે છે ને કે, “અત્તરનાં છાંટણા જ હોય, તેનાં કુંડાં ન ભરાય!”  પ્રેમ અને મદદ એ એવી જણસ છે કે જે પામે છે એ તો ચોક્કસ આનંદ કે સંતોષ વડે મહેકે જ છે પરંતુ, આપનારનું તો સમગ્ર વ્યક્તિત્વ સુવાસિત થાય છે! આ મુશ્કેલ સમયમાં આપ સૌ સ્વસ્થ અને આ સાલસ ગુણો વડે મઘમઘતા રહો તેવી કામના…

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal