મિત્રતા – શાંતિનું સરનામું!

mitrata shanti nu sarnamu gujarati swatisjournal

કૃષ્ણ-સુદામા, કર્ણ-દુર્યોધનથી આગળ આપણી પાસે મિત્રતાનાં કોઈ દાખલા કે ઉદાહરણ જ નથી એ થોડી અસહજ વાત નથી? એક મિત્રનાં મનમાં ભોંકાતા શૂળની પીડા બીજા મિત્રનાં હૃદયમાં ઉઠે એ જમાનો ગયો કદાચ પણ, પ્રામાણિકપણે કોઈનાં સુખે સુખી, એમની ખુશીમાં ખુશ અને એમનાં દુઃખમાં એમની પડખે ઊભા રહેવાવાળા મિત્રોની હાજરીથી પણ જીવનની ગુણવત્તા સુધરે છે એ સમજવાની જરૂર છે આપણે, આપને એવું નથી લાગતું?

મિત્ર! એટલો બધો મૂલ્યવાન શબ્દ છે પણ, આ દરેક લાગણી શો-કેસ કરવાનાં ચલણમાં, કોઈ ચલણી સિક્કા જેટલો સસ્તો બનતો જાય છે.

મિત્રતા વિશે કેટલુંએ વાંચવા, સાંભળવા મળે ખરું ને? આજકાલ લગભગ દરેક એમ માનીને ચાલે છે કે, સોશિયલ મીડિયા પર, પાડોશમાં, કે કામનાં સ્થળોએ આપણને સારું લગાડતા, આપણા દરેક કામને વખાણતા કે તેની નોંધ લેતા, થોડી સારી લાગે તેવી સલાહ આપતા બધા જ લોકો આપણા મિત્ર કહેવાય. ખરેખર એવું હોય છે? જવાબ છે – ના! એ બધા શુભ ચિંતકો, શુભેચ્છકો હોઈ શકે મિત્રો નહીં. આજકાલ જેને જુઓ તે એકબીજા માટે કહેતા જોવા મળે છે કે, “ફલાણા ભાઈ કે બહેન આપણા બહુ સારા મિત્ર છે!” ત્યારે પ્રશ્ન થાય કે, પ્રસંગોપાત મળતા કે કામ સબબ સાથે રહેતા અથવા તો રોજ એકબીજાને જય શ્રી કૃષ્ણ/ગુડ મોર્નિંગ/બીજી કોઈ શુભેચ્છા પાઠવવાના સંબંધ મિત્રતા કહેવાય? મારા મતે એ ઓળખાણ કહેવાય. Friendship (મિત્રતા) અને Acquaintance (પરિચય) બે સાવ અલગ જ શબ્દો છે અને બંનેનાં પોતાનાં સ્વતંત્ર અર્થ છે.

મિત્રતા એક એવો સંબંધ છે જેને કેળવવામાં સમય, ધીરજ, સમજણ, વિશ્વાસ, સ્વીકારભાવ, મનની મોકળાશ, પ્રયત્નો એમ કેટલાએ પરિબળો કામ કરે. વધુ સરળ શબ્દોમાં સમજાવું તો, જેમ ખુબ ઉચ્ચ ગુણવત્તાવાળું ફળ પકાવવું હોય તો, જમીન, પાણી, ખાતર, તડકો, માવજત વગેરે બધું જ ઉત્કૃષ્ટ જોઈએ; એ જ રીતે વર્ષો-વર્ષ ચાલે તેવી, અર્થસભર મિત્રતા કેળવવા માટે બંને પક્ષે ઉપર જણાવેલા દરેક પરિબળ હાજર હોવા ફરજીયાત છે. બે વ્યક્તિઓ જયારે ધીરજ, વિશ્વાસ અને સ્વીકારભાવ લઇ, મોકળા મનથી એકબીજાને સમય કે અવકાશ આપે છે ત્યારે ટકોરાબંધ મિત્રતા પાકે છે. અને તેમ છતાં, બીજા કોઈ સંબંધની જેમ જ તેને મજબૂતી આપવા માટે હૃદયપૂર્વકનાં પ્રયત્નો કરતા રહેવા પડે છે. મિત્રતાનું અર્થસભર હોવું ખુબ જરૂરી છે. માત્ર હોવા ખાતર કોઈ આપણું મિત્ર હોય એ શક્ય નથી. હું અંગત રીતે માનું છું કે, કોઈ પણ કામ કરવા પાછળ હેતુ હોવો ખુબ અગત્યનું છે. જ્યાં હેતુ નથી ત્યાં કામ કે સંબંધનો કોઈ પાયો નથી. આ હેતુ એટલે સ્વાર્થ નહીં જ! પણ, કોઈ કાર્યમાં હેતુ એટલે તેનું આખરી પરિણામ મેળવવાની અને સંબંધમાં હેતુ એટલે કોઈનું સારું-નરસું થવાની કામના!! એટલે મિત્રતામાં આ મૂળ હેતુ જ તેને અર્થસભર બનાવે છે. સામેવાળા વ્યક્તિ વિશેની આપની કામના જ બને છે આપની મિત્રતાનો પાયો.

મિત્ર હોવું એટલે શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય છતાં બીજા કોઈ પણ સંબંધ કરતા મજબૂત તાંતણે બંધાઈ રહેવું. અહીં બંધન એટલે ‘બેડી’ નહીં પણ ‘જોડાણ’ છે. આખી દુનિયામાં કદાચ મિત્રતા એક જ એવો સંબંધ છે જેમાં કોઈએ કોઈને કંટ્રોલ નથી કરવાનાં હોતા. અને જો આ કંટ્રોલ કે કાબૂમાં કરવાની ભાવના વચ્ચે આવે તો એ જ ક્ષણથી મિત્રતાનાં પાયામાં લૂણો લાગવાનું ચાલુ થઇ જાય છે. કેમકે, જે પાશ આપણે મિત્રને કાબૂમાં કરવા ઉપયોગમાં લઈશું, એ જ પાશ વડે મિત્રતા રૂંધાઇ જશે એ પણ ખાતરી રાખવી. છતાં, જોડાણ એટલું જ ફરજીયાત છે. લોકોની એ વાત કે, ‘અમે તો વર્ષો સુધી ન મળીએ છતાં બહુ ગાઢ મિત્રો છીએ!’ એ એકબીજાને કે સમાજમાં સારું લગાડવા માટે બરાબર છે બાકી, જે લોકો આટલી સુવિધાઓના સમયમાં પણ એકબીજાને એક ફોન કૉલ કરીને મિત્રની સંભાળ લેવાની દરકાર નથી કરી શકતા એમને મિત્ર તો ન કહી શકાય. આ દરકાર કરવાને હું અપેક્ષા ન કહેતા સંબંધની માવજત કહું છું!

આજકાલ મિત્રતા એક ફેશન છે. મિત્રો તરીકે એકબીજાની ગણતરી કરતાં કે કરાવતાં લોકો બે વર્ગમાં વહેંચાયેલા છે. એક એ વર્ગ કે જે પોતાની પ્રગતિ, સિધ્ધિઓ વગેરે (એમના બાળકોનાં પરિણામ પણ આવી જાય તેમાં) કહેવા અને તેને શો-કેસ કરવા માટે કહેવાતા મિત્રોને મળે, સાથે જમે, એમની સાથે હરે-ફરે અને પ્રદર્શન પૂરું થતાં, સામેવાળાને પોતાની જેમ જ સફળ થવાનાં નુસ્ખાઓ અને સલાહ આપી છુટ્ટા પડે. બીજા એ કે જે આમ બારેમાસ મોજ-મજા, આનંદ-પ્રમોદ કરી, એવરેજ કરતા વધુ સારું જીવતા હોય પણ, એમનાં માનેલા મિત્રો સમક્ષ આવતાં જ એમની ફરિયાદોનો ખજાનો ખુલી જાય. તબિયત, સગાં-સંબંધી, આર્થિક હાલત, સામાજિક સમસ્યાઓ અને આવા અનેક મુદ્દાઓ હોય એમની પાસે જેનો બધો જ બોજો એ મિત્રનાં ખભે ડીલીવર કરીને, મુક્ત થઇ, છુટ્ટા પડે. ઘરે જઈને પાછા એમનાં વાઘાં અને મનોદશા બધું હતા એમના એમ થઇ જાય. હું આવા બંને વર્ગનાં અમુક લોકોની ‘મિત્ર’ છું એટલે આ કહી શકું છું. (એ મારા મિત્રો છે એમ નથી કહી રહી હું, જે સ્હેજ!)

સોક્રેટીસએ કહ્યું છે તેમ મિત્રતા કરવામાં ઉતાવળ કર્યા વિના, ધીમે-ધીમે એકબીજાને ઓળખ્યા બાદ જ આગળ વધવું જોઈએ પણ, એક વખત મિત્રતા કેળવીએ એ પછી તેમાં સ્થિર અને મક્કમ રહેવું જોઈએ. કારણ કદાચ એ જ કે, તૂટેલી મિત્રતાનો ડંખ આજીવન પીડા આપ્યા કરે છે. મિત્રની જીવનમાં જરૂરિયાત શું એ સમજવું જરૂરી છે. કેમકે, જો દોસ્તી પણ છેવટે બીજા ઘણાં સંબંધોની જેમ ડંખ જ આપવાની હોય તો, એ દરદ (અમે કાઠીયાવાડી ‘દર્દ’ ન કહીએ!) ઉછીનું લેવાની જરૂર રહેતી નથી. મિત્ર એટલે જોઈએ કે આખા જગતમાં કોઈક એવી વ્યક્તિ હોવી જરૂરી છે જે આપણને જેવા છીએ તેવા સ્વીકારે. અને આપણે એવા છીએ એટલે જ એ આપણા મિત્ર બને. મિત્ર કે જે માત્ર તમારા ‘કાન’ ની હાજરી ઈચ્છતા હોય અને જેને તમારી ‘જીભ’ સાથે હોવી જરૂરી નથી લાગતી એ મિત્ર નથી જ!! અરે, અરે, ગૂંચવાઈ ક્યાં ગયા!? કહેવાનો મતલબ એ કે, આપ માત્ર એ કહે તે સાંભળો એવી સતત અપેક્ષા રાખતા વ્યક્તિઓને તમે મિત્ર ન જ કહી શકો. દોસ્તી એ અરસ-પરસ, વાત અને વિચારોના આદાન-પ્રદાનનો મામલો છે. ? સાચી હોય કે ખોટી વાતચીત હોવી જરૂરી છે. એકતરફી સમજણું મૌન માત્ર હોય તેવી મિત્રતા કરતા, બંને તરફની બોલકી તકરારોવાળી મિત્રતાનું આયુષ્ય લાંબું હોય છે.

આપણી પેલી ‘ઢાલ સરીખા મિત્ર’ વાળી કહેવતે પણ સમાજને ગેરમાર્ગે દોરવામાં મોટો ભાગ ભજવ્યો છે. શા માટે મિત્ર સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય? એવું કરવા માટે તો એલ.આઈ.સી છે જ ને? તો, મિત્રતાને નામે ખોટું બંધન વહોરી લેવાય નહીં! ? મારે મન તો ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા‘ કહે અને અનુભવે એ જ મિત્ર! જ્યાં મિત્રો ચાહે એકસરખી બુદ્ધિમત્તા ન દર્શાવી શકે પણ, મૂર્ખતા તો લગભગ એક જ લેવલની કરતા હોય, એ દોસ્તી પાક્કી અને લાંબી ચાલવાની ગેરંટી. પણ, આજકાલ લગભગ દરેક સંબંધની જેમ જ મિત્રતામાં પણ ‘લોગ ક્યા કહેંગે?’ નો ડર ઘર કરી ગયેલ જોવા મળે છે. પોતાનાં દરેક નિર્ણયને બીજા કહેવાતા સફળ લોકોનાં માપદંડ પર ખરા ઉતર્યાની ખાતરી કર્યા બાદ જ મિત્રો સમક્ષ રજૂ કરવાનો જમાનો છે આ. એમાં નિર્ણય જાહેર ન કરતા મિત્ર એકલાનો દોષ નથી પરંતુ, અમુક અનુભવો તેને પણ શીખવી દે છે કે જ્યાં અગાઉ તેનાં સાચા કે ખોટા નિર્ણયો વિશે તેનાં જ મિત્રો તેને જજ કરી ચુક્યા હોય છે. દોસ્તીનાં સંબંધમાં એક મિત્ર તરીકે પોતાનો દ્રષ્ટિકોણ કે મંતવ્ય રજૂ કરવું એ વેલિડ કે વ્યાજબી પણ, સીધો અભિપ્રાય બનાવી, ચુકાદો આપી દેવો એ તદ્દન ગેરવ્યાજબી વાત છે. (ફરી વાંચી જુઓ, એકસાથે ઘણાં એકસરખા શબ્દો આવ્યા પણ, દરેકનો સ્વતંત્ર અને ભિન્ન અર્થ છે.) મિત્ર આપણો પડછાયો નથી જ અને ન જ હોઈ શકે પણ, મિત્રો એકબીજાનું અભિન્ન અંગ બની શકે તો જ એ મિત્રતા સાર્થક બની, બંને પક્ષે કશુંક નીપજાવી શકે.

ઘણાં લોકોને નાનપણથી મૃત્યુ સુધી સાથે હોય તેવા મિત્રો મળ્યા છે જયારે અમુક એવા પણ લોકો છે કે જેમને આજીવન એક પણ મિત્ર નથી હોતો. બંને પરિસ્થિતિઓ સહજ અને વાસ્તવિક છે. તેમજ બંને પરીસ્થિતિ હોવાના પોતાનાં કારણો હોય છે. જે લોકોને આજીવન એક જ મિત્રો ટકેલા રહ્યા છે એ કિસ્સામાં બંને પક્ષે ‘હાલત’ અને ‘હાલાત’ (પરિસ્થિતિઓ) લગભગ સમાન હોય છે. ત્યાં બંને મિત્રોની જિંદગીનો અરીસો લગભગ સરખા જ પ્રતિબિંબ દર્શાવે છે એટલે એકબીજાનાં સથવારે અને સહારે સરસ જીવન ઘડી અને જીવી જાય છે. એમનાં ઘરનાં બીજા સભ્યો સાથેનું એમનું જીવન હંમેશા બહારનું વર્તુળ રચે છે અને તેમનાં જીવનનાં કેન્દ્રમાં એમની મિત્રતા જ રહે છે. જયારે બીજા પ્રકારનાં લોકો કે જેમને આજીવન પરિચિતો જ મળે છે મિત્રો નહીં, એમની સ્થિતિ ભાગ્યે જ કોઈ સમજે છે કે સમજવા ઈચ્છે છે. એ એવા લોકો છે જેમનું જીવન એકધારું નથી રહેતું. એમનાં જીવનમાં ડગલે ને પગલે અણધાર્યા વળાંકો લખાયેલા છે. આવા સંજોગોમાં સતત સાથ આપી શકે કે સાથે રહી શકે તેવા જીગર, દાનત કે પછી સમય-સંજોગો બહુ જૂજ લોકો મેળવી શકે છે કે જાળવી શકે છે. મિત્રતામાં તરલતા હશે તો જ એ ટકી શકશે. સરળ ભાષામાં મિત્રના સંજોગો બદલાતાં, તેનો સ્વભાવ, વ્યક્તિત્વ કે વ્યવહાર બદલાય ત્યારે બીજા મિત્રએ એ બદલાવને સહજ સ્વીકારવો જોઈએ અને એ અનુસાર ઢળવું પણ જોઈએ. સમય, સંજોગોની જરૂરિયાત પ્રમાણે જરૂરી બને તો સંબંધમાં થોડો અવકાશ પણ આપવો પડે છે અને છતાં મિત્રને એ એકલો નથી એવું પ્રમાણ આપ્યા કરવું પડે. કામ બિલકુલ સરળ નથી, છતાં સાફ નિયત અને મિત્ર પ્રત્યેની ભાવના સાચી હોય તો જરા પણ અઘરું લાગતું નથી એ અનુભવસિદ્ધ હકીકત છે.

મિત્રો એકબીજાને સમજે જ અને બોલ્યા વિના પણ મનની વાત લે એવું થાય તો ખુબ સારી વાત છે પરંતુ, એ મિત્ર હોવા માટેની કોઈ પૂર્વનિર્ધારિત શરત ન હોઈ શકે. દરેકનાં જીવનની પ્રાથમિકતાઓ અલગ અલગ હોવાની અને હોવી પણ જોઈએ. એ હિસાબે આપણે જયારે કોઈ મુદ્દા વિશે ખુબ સંવેદનશીલ બનતા હોઈએ ત્યારે બની શકે કે મિત્રનાં જીવનમાં બીજું જ કંઇક ઘટિત થઇ રહ્યું હોય. આવે સમયે પોતાને જરૂરી લાગે એ દરેક વસ્તુ વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી લેવી એ ખુબ સરળ ઉપાય બની રહે છે. (આ આખો મુદ્દો પતિ-પત્નીનાં કિસ્સામાં પણ લાગૂ પડે કે નહીં?)

બાકી મારા માટે કોઈકનાં ઉદ્વિગ્ન (anxious) મનની શાતાનું કારણ બની શકે એ સાચો મિત્ર. એમ કરવા માટે શ્રવણ, સલાહ, ઉપાય, મદદ કે પછી જવા દે જે થશે એ જોયું જશે વાળી બેફીકરાઇ જે કરવું પડે એ ખુલ્લા દિલથી, એકબીજાને સાથે રાખીને કરવાની નિયત એટલે દોસ્તી. અત્યારનાં સતત સ્પર્ધાનાં જમાનામાં લક્ષ્ય, તેનાં સુધી પહોંચવાનાં માધ્યમો, એમ કરવા માટેનું મોટીવેશન આ બધું આપતાં અઢળક લોકો આસપાસ છે. એમને જોઇને કે સાંભળીને ઊલટાનું તાણ કે દબાણ અનુભવતું હોય છે. એટલે જો મિત્રતાનાં નામે આપ પણ કોઈને આવી રીતે સ્ટ્રેસ ટ્રાન્સફર કરી રહ્યા છો તો તેનું તો પાપ લાગશે. ? અરે મજાક કરું છું, પણ, મતલબ એ કે એ બધું કરવા માટે બીજા ઘણાં લોકો મળી રહેશે, પણ એક મિત્રની જરૂર છે રાહત અનુભવવા માટે. રોગ/સમસ્યા શું છે એ લગભગ દર બીજો-ત્રીજો માણસ આવીને કહી શકશે પણ, તેનું ઓસડ શું એ તો ખરો મિત્ર જ કહી શકે.

તકલીફ, મુસીબત, સ્ટ્રગલ આ બધું સનાતન છે. એવામાં વ્યક્તિને સહજ અને હળવું અનુભવવામાં મદદ કરી શકે તેવા લોકો તેની આસપાસ હોય તો એ કોઈ પણ સમસ્યાનો સામનો કરી લે છે અને સમયાંતરે તેમાંથી બહાર પણ આવી જ જાય છે. જે તેને આમ કરવામાં મદદરૂપ બની શકે એ જ મિત્ર! આપણને એમ લાગતું હોય છે કે સામેવાળાને આપણા પૈસા, સ્ટેટસ, પહોંચ, વગ આ બધાની જરૂર હોય છે, હોતી હશે પણ, જે ખરેખર મિત્ર છે તેને આપણા થોડા સમય અને સદ્ભાવ સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર હોતી નથી. મિત્ર તરીકે માત્ર કહેવાનું જ હોય છે કે, ‘જે કંઈ પણ થાય, હું તારી સાથે જ છું.’ એકબીજાનો સાથ હશે તો, મિત્રો જીવવાની અને લડવાની હિંમત જાતે જ મેળવી લેશે, એ ખાતરી રાખવી. અમારે ત્યાં કાઠીયાવાડમાં તો ‘લુખ્ખી મોજ’ એ મિત્રતાની એકમાત્ર શરત હોય છે અને એટલે જ રોટલો, ઓટલો, ખાટલો, ખટલો અને ચોટલો એ ચિંતાનાં વિષયો રહેતા નથી. મિત્રની હાજરી એટલે સલામતીની ખાતરી એવું અનુભવાય એ દોસ્તીનું સર્ટીફીકેટ માનવું. બાકી, આ સિવાયની માનેલી કોઈ પણ પ્રકારની મિત્રતાની એક્સપાયરી ડેટ હશે જ એ પોતાને સમજાવી જ રાખવું. ટુંકમાં, જેમની હાજરીથી આનંદ, હિંમત, સાહસ, જુસ્સો, પ્રસન્નતા, ધરપત, મોજ એટલે કે સરવાળે શાંતિ અનુભવાય એ અને માત્ર એ જ મિત્ર છે.

કોઈને સમયસર પૂછી લઈએ કે, ‘કેમ છે તને?’ એ કોઈ સંજીવનીથી વિશેષ કારગર નીવડે છે એ ખબર છે મને અને આ હું જ નહીં, મોટા મોટા વિચારકો પણ કહી ગયા છે. તમારે શું કહેવાનું થાય છે, મને લખશો ને?

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal