સ્ત્રી તરીકે સ્ત્રીઓ વિશે જેટલું પણ નિરક્ષણ કે અનુભવથી સમજી છું એ આ છે. દરેક સ્ત્રીને, તમારી કલ્પના અનુસારની વાંછિત સ્ત્રી બનવાની તક મળી રહે એટલી જગ્યા જરૂર આપજો.એ સૌથી મોટી ભેંટ હશે એમનાં માટે.
ક્યારે શરુ કરવું એ વિચાર કરતી હતી ત્યાં જ આજની તારીખે મને એ મોકો આપ્યો. નવા જોડાયેલા મિત્રો માટે નાનકડી ચોખવટ કે આપ “વિથ લવ સ્વાતિ” વાંચી રહ્યા છો જ્યાં, દરેક સામાન્ય વાતનો એક અલગ એન્ગલ તપાસી અને તેને માણીએ છીએ તો, આજના આ પાવન દિવસે નારીઓનું મહિમા-મંડન કરવાની તક હું કઈ રીતે જતી કરી શકું? (શબ્દોની પસંદગી બાબતે કહેવાનું કે મારો સંઘ કે ભાજપ સાથે મતદાન સિવાય કોઈ પ્રકારનો સંબંધ નથી!)
હવે, સૂક્ત એટલે ‘જે સારામાં સારી રીતે કહેવાયેલું છે એ!’ તો ચાલો, આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર સ્ત્રીઓ વિશે હું જે અનુભવું છું એટલું સારામાં સારી રીતે કહેવાનો પ્રયત્ન કરી જોઉં.
તમે પણ મારી જેમ જ આસપાસમાં “नाना रूपेण संस्थिता|” સ્ત્રીઓ જોઈ હશે પણ, તેમાં રહેલી વિવિધતા બાબતે ક્યારેય વિચાર કર્યો છે? એક નાનકડું વર્ગીકરણ જોઈએ.
આ સમસ્ત ગ્રહ પર સ્ત્રીઓ કાળી, ગોરી, ઘઉંવર્ણી કે બીજા કોઈ પણ રંગની (તમને ખબર હોય તો જણાવશો!) કેમ ન હોય તેમને મોટાભાગે નીચેના વર્ગોમાં મૂકી શકાતી હોય છે એવું મારું માનવું છે.
01. ૨૪ કલાક ચિંતિત!
આ વર્ગની સ્ત્રીઓ પોતાની, પોતાના પરિવારની, બાળકોની, પાડોશીઓની ચિંતા સર્વસામાન્ય રીતે કરતી જ હોય છે. પરંતુ એમની આગવી ઓળખ બને છે તેમની ચિંતાના વર્તુળનાં અવિરત વધતા વ્યાસથી! (મને ખબર છે, ફરીથી વાંચી લો… હું રાહ જોઉં છું.) તો, આ સ્ત્રીઓ તેમની ચિંતા કરવાની ક્ષમતાની સીમાઓને સતત નવી ઉંચાઈએ લઇ જવા મથતી હોય છે. તે પ્રયત્નમાં, તેઓ ગલીનાં પશુઓ, લેમ્પપોસ્ટ્સ, તમારા ઘરનાં બારી-બારણાંના નકુચાઓથી લઈને બસની બેઠકો, મંદિરમાં ઉતારેલ ચપ્પલ (તમારી, એમની કે બીજા કોઈ પણની), પરબ પરનાં પાણીનાં ગ્લાસ સહીત બિલ્ડીંગની સીડીના પગથીયા કે પછી બાજુવાળાના પાર્ક કરેલ વાહનના કવરની તડકાને કારણે થતી દુર્દશા… આ બધી જ ચિંતા એકસાથે કરી શકે છે.
આ ઉપરાંત સમાજ, રાજકારણ, મોંઘવારી, બાળકોનું હોમવર્ક વગેરે તો સામાન્ય કહેવાય એ તો રોજીંદા વિચારો છે જે કદાચ ચિંતાની કેટેગરીમાં સામેલ પણ નથી કરવામાં આવતા. પાછી સ્ત્રી હોવાથી ચિંતામાં પણ ટ્રેન્ડ તો જોવો જ પડે એટલે અત્યારે જો સૌથી વધારે ટ્રેન્ડી ગણીએ તો તેમાં ટોપ પર છે વધતું વજન, આખો વોર્ડરોબ ભર્યો હોય છતાં પણ કપડા તો છે જ નહીં એટલે જો કોઈ ઓચિંતો પ્રસંગ આવી જાય તેની ચિંતા અને બાકીના સમયમાં બાળકોને ભણાવી-ગણાવીને શું બનાવીશું અને જો ભણી ચુક્યા હોય તો ક્યાં ગોઠવીશું તેમજ જો ગોઠવાઈ ગયા હોય તો એ ગોઠવણ લાંબી ચાલશે કે નહીં, ચાલશે તો કેટલી ચાલશે એમ અનંતકાલ સુધી ચાલી શકે એટલી ચિંતાઓ લઈને ફરતી સ્ત્રીઓ આ વર્ગને શોભાયમાન કરે છે.
02. ગેટ સેટ ગો!
આ એક અત્યંત અદ્ભુત વર્ગ છે જેમાં સામેલ કરવામાં આવતી સ્ત્રીઓ રેસનાં ટ્રેક પર ગન શોટ સાંભળવા આતુર સ્પર્ધક જેવી હાલતમાં જ જીવન પસાર કરતી હોય છે. સવારે હુંફાળા પાણીનાં ગ્લાસથી શરુ કરી તેમની દિવસ સાથેની રેસ શરુ થઇ જાય છે. ઘરના સભ્યોની સગવડ, સમય અને આરામ સાચવવા બાબતે આ સ્ત્રીઓ મેડલ કે શિલ્ડ મેળવવાને પાત્ર હોય છે. બધું અગાઉથી જ આયોજિત, એકદમ અપ ટૂ ધ માર્ક ગોઠવાયેલું અને છતાં કંઈ નવું કાર્ય અચાનક આવી ચઢે તો તેનાં માટે પણ તૈયાર. એક સાથે અનેક કામો કરવા માટે “સતત ખડે પગે!” ટૂંકમાં, વર્ષો સુધી તપ કરી દશાવધાની કે શતાવધાની બનેલા મુનિઓને પણ સ્પર્ધા પૂરી પાડી શકવા સક્ષમ મહિલાઓ હોય છે આ વર્ગમાં.
આવી મહિલાઓને પોતાને જીવન જીવવામાં કંઇ ખાસ તકલીફ પડતી હોવાનું જાણમાં આવ્યું નથી પરંતુ, સાથે રહેતા પાત્રોને સાથે જ દોડતું રહેવું પડતું હોવાથી, તેમના મનનાં બેક-ડ્રોપમાં ક્યાંક થોડો ભય રહ્યા કરતો હોય છે કે ભૂલથી પણ એમના આયોજનમાં વિક્ષેપ પડે તો, આખી સિસ્ટમે રિવાઈન્ડ થવું જ પડે. અને જ્યાં સુધી મિશન એકમ્પ્લીશ્ડ ન થાય ત્યાં સુધી… “દુનિયા કા નારા, લગે રહો!”
03. એમબીએ પણ પાણી ભરે!
આ વર્ગને એવી વિશિષ્ટ મહિલાઓ સુશોભિત કરે છે જેમની પાસે કામ જાતે કરી લેવા સિવાય કોઈ જ વિકલ્પ હોતો નથી. આ સ્ત્રીઓ એવા લોકોથી ઘેરાયેલી હોય છે જેઓ દરેક ક્ષેત્રમાં શત પ્રતિશત (હા, હા 100% જ) પરફોર્મન્સની અપેક્ષા સાથે આરામદાયક જીવન પસાર કરવામાં માને છે. સીધી રીતે કહું તો, બાળપણમાં સાંભળેલી વાર્તાઓ મુજબ અરેબિયન નાઈટ્સના કોઈ નવાબ (અહીં તો બેગમો પણ ખરી) ની માફક કોઈ ચાકર મોંમાં અંગુરનો ગુચ્છો લટકાવે તો જ જીવ્યા ગણાય એવી માન્યતાવાળા લોકો!!
એટલે, આવી નવાબીમાં પરફોર્મન્સનાં પ્રેશર સાથે કામ કરવા ટેવાયેલી મહિલાઓ લગભગ દરેક કાર્યમાં પારંગત થઇ જતી હોય છે. વગર ડીગ્રીએ કોઈ એમબીએ કરતા પણ કુશળ થઇ ગયેલી આવી મહિલાઓ જયારે કોઈ કામ બાકી નથી રહેતું ત્યારે થોડી મૂંઝાયેલી જોવા મળે છે. નવરાશ તેમના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે!! એટલે, એમને સતત કામ સોંપતા રહેવું એ તેમના માટે શ્રેષ્ઠ મદદ સાબિત થાય છે.
04. નટ-બજાણીયા!
આ કોઈ જાતિ વિશેષનું સૂચક નથી! — ભારત દેશ છે, આવી બધી ચોખવટો કરવી પડે. આ વર્ગમાં રહેલી સ્ત્રીઓ ખરેખર વંદનીય છે. એમના મંદિર બનવા જોઈએ એવો મારો વ્યક્તિગત મત છે. આમાં સમાવિષ્ટ મહિલાઓ ઘર, બહાર, સગા-સંબંધીઓ, જાણીતા, અજાણ્યા, નજીકનાં કે દૂરનાં કોઈ પણ લોકો (એકમાત્ર શરત કે એ ‘લોકો’ હોવા જોઈએ) ને ગમતી કે તેમનાં માટે યોગ્ય હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે સતત ખંતપૂર્વક મથતી રહે છે. દરેક પરિસ્થિતિમાં સંતુલન એમના માટે જાણે સંવિધાનની કોઈ કલમ હોય તેટલી નિષ્ઠાપૂર્વક તે સંતુલન સ્થાપવા માટે પ્રયત્નશીલ રહેતી હોય છે અને આવી સ્ત્રીઓ પોતાની ક્ષમતાઓનો પરાકાષ્ઠા સુધી ઉપયોગ કરી લેવાને જ ધર્મ માને છે.
આ ધર્મકાર્યમાં ધીરજ તેમનું સૌથી મોટું સાધન હોય છે.અને જેમ ભારતદેશમાં સંવિધાનનું કોઈ મુલ્ય નથી તેમ આવી મહિલાઓ પણ સમગ્ર જીવન ખર્ચી નાખીને પણ ન પોતાનું કોઈ સ્થાન બનાવી શકે છે કે ન તો એ કહેવાતું “સંતુલન” સ્થાપી શકે છે. એટલે જ હું તો માનું જ છું કે આવી મહિલાઓ માટે સરકારે એક નિવૃત્તિની ઉંમર જાહેર કરી ફરજીયાત ફરજ-મુકત કરાવવી જોઈએ!!
05. મહાન!
આ બધી જ સ્ત્રીઓ એ છે જેમના ચોરે અને ચૌટે પુતળા લાગશે ભવિષ્યમાં! જીવનમાં તેમણે બધું બીજા લોકો માટે જ કર્યું હોવાનો તેમનો દાવો હોય છે. (ઘણી વખત તો કોઈએ ડીમાન્ડ ન કરી હોય તો પણ!) સગવડ હોવા છતાં અગવડ ભોગવવી, પુરતા સાધનો હોવા છતાં અભાવનો આનંદ માણવો (“ના, ના, મારે જમવામાં શાક જોઈએ જ નહીં!” “મને તો નીચે જ સુવાની ટેવ છે, ગાદલું મને ન ફાવે!” આવું ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે?) ઉપરાંત, ખાસિયત એ કે જયારે પણ મોકો મળે ત્યારે નવી પેઢીને તેમણે કરેલા ત્યાગ વિશે સવિસ્તાર માહિતી આપવી અને નવા “મહાન” તૈયાર કરવામાં મદદરૂપ થવું. ખુબ સમજદારની શ્રેણીમાં આવતી આ મહિલાઓ ધીમે ધીમે પોતાની પસંદ-નાપસંદ વિશે ભૂલતી જાય છે અને જો યાદ રહે તો તેની ભરપાઈ કરવા માટે શું કરવું એ સમજવા અસમર્થ હોય છે ત્યારે માત્ર ત્યાગ શબ્દ જ એમને સાંત્વના આપી શકે છે.
06. ભેલ-પૂરી!
આ એક વર્ગ ઘણા બધા વર્ગોની ભેલ-પૂરી સમાન છે. તેમાં “બેબી”, “જાનુ”, “સોના”, જીદ્દી, શંકાશીલ, શોપિંગ-ઘેલી, ફેશનેબલ, ખર્ચાળ, સતત સરખામણીમાં વ્યસ્ત, ગુસ્સેલ, ઝઘડાળુ, લડાયક (આવું એટલે લખ્યું કે મેં હમણાં જ ક્યાંક ‘પત્ની પીડિત પુરુષ’ એસોશિએશન એવું વાંચ્યું! બધે પછી ‘બિચારા’ થવાનો લાભ મહિલાઓને જ થોડો મળે??), અત્યંત સમજુ, તદ્દન જડ (અરે હા સાચ્ચે! આવી પણ મેં જોઈ છે) એમ લગભગ સામાન્યતઃ તમારા અને મારા બધાના ઘરમાં કે આજુબાજુમાં જોવા મળતી સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે.
આટલા રોચક પ્રકારોનો આનંદ માણ્યા બાદ, મનોમન તમારી આસપાસની મહિલાઓ કઈ શ્રેણીમાં આવે છે એ પણ જોઈ લીધું હશે, ખરુંને? પણ, જતાં જતાં એક જ વાત કહીશ કે એ જેવી પણ છે તેનાં તેવા હોવા પાછળનું કારણ ક્યાંકને ક્યાંક તમે પણ છો. (“માત્ર પુરુષોને જ લાગુ”- એવો ગર્ભિત અર્થ કાઢવાની સખત મનાઈ છે.)
એક સ્ત્રી તરીકે હું ખુબ ગૌરવ અનુભવું કે પ્રકૃતિએ અમને તેની પાસે જે કંઈ પણ છે એ બધું જ બક્ષ્યું છે. નવસર્જનથી લઈને વિખંડન કરવાની શક્તિ સુધી બધું જ! બસ જરૂર છે તો માત્ર સાતત્યપૂર્ણ પસંદગીનાં સ્વીકારની. સરળ શબ્દોમાં પોતાના ખરા અધિકારને સમજવો, તેની વ્યાજબી પસંદગી કરવી અને તેનાં પરિણામોનો સ્વીકાર ખુલ્લા મનથી કરવો. બસ આટલું જ કરો એટલે તમે એક અદ્ભુત સ્ત્રી છો અને જો તેમાં પણ ક્ષમારૂપી ઘરેણું આજીવન ધારણ કરી શકતા હો તો તમે દેવીતુલ્ય સંપૂર્ણ સ્ત્રી બની ગયા છો ચાહે કોઈ કહે કે ન કહે!!
જાણી-અજાણી દરેક સ્ત્રીને સ્ત્રી હોવા બદલ હાર્દિક અભિનંદન અને તેઓની આસપાસનાં સ્ત્રી-પુરુષોને તેમને એક અદ્ભુત સ્ત્રી બનાવી રાખવા બદલ આભાર સહ હેપ્પી વિમેન્સ ડે!!
ફરી જલ્દી જ મળીએ છીએ, એક નવી વાતનાં નવા જ એન્ગલ સાથે!