એ રામ, રામ! કેમ છો બધા મજામાં?
કેમ આમ સાવ અજાણ્યા બની જુઓ છો? મને ન ઓળખ્યો? અરે મારો જન્મ-દિવસ આટલો ધામધૂમથી ઉજવો પણ હું આમ મળી જાઉં તો આશ્ચર્ય એમ? કંઈ નહીં, સમજુ છું તમારી હાલત .. મને મંદિરોમાં પૈસા ચૂકવી સ્પેશિયલ દર્શનમાં કે પછી કલાકો લાઈનમાં ઉભા રહી જોવાની જ તમને આદત પડી ગઈ હોય એટલે આમ મળીશ એવી આશા ન જ રાખી હોય, ખરું ને?
સારું ચાલો તો આજે તમારા જમાનાની રીત મુજબ એકબીજાને મળીએ તો તમને સહજ લાગશે?
તો લ્યો મિલાવો હાથ, હું કૃષ્ણ ઉર્ફે કે. વી. યાદવ! (હાથ સેનીટાઈઝ કર્યા છે ને?) ઉપર રામ-રામ કહ્યું એટલે મૂંઝાઈ ગયા કે? અરે, જાતે જ ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાનું થોડું અજુગતું લાગે એટલે બાકી તમારે બોલવું હોય તો મને કોઈ વાંધો નથી. આમ તો સામાન્ય રીતે તમે બધા જ મારી પાસે આવીને જે મનમાં હોય એ કહી જતા હો છો. પણ, આજે જન્મદિન નિમિત્તે આપ સૌની ભાવના જોઈ થયું ચાલો આજે સામેથી જ મળીને ‘થેંક યુ’ કહીએ તો કેવું?
તમે તો જયારે મને મળવા આવો ત્યારે પોતાનાં સુખ-દુઃખ, આશા, કામના, ફરિયાદ, ખીજ જે મનમાં હોય એ ઠાલવી જાઓ મારી પાસે. અને કેમ નહીં? મને તમે એટલો અંગત માની આ બધું કહો એવી મારી પણ ઈચ્છા ખરી. તમારી જેમ કહું તો, ‘આફટર ઓલ ઇટ્સ માય જોબ!’ ના, ના આ તો જરા ગમ્મત કરી. બાકી હું તમારો જ છું એટલે એ તમારો અધિકાર છે.
પણ, પ્રામાણિક રીતે એક જવાબ આપશો? શું તમને કદી એમ ન થાય કે તમે પણ મને પૂછો કે, ‘વ્હાલા તને કેમ છે?’ મારા ઘરે આવી આવીને “હે કાળિયા ઠાકર, હે કાળિયા ઠાકર’ કહીને કેટલુંએ કહો છો મને, તો શું મારા સમાચાર ન પૂછી શકો? અહીં એક વાત કહું, આ મને ઠાકર, ઠાકર કહ્યા કરો એ હું દ્વાપરયુગથી આવું છું એટલે ચલાવી લીધું બાકી, તમારી જેમ આજનો હોત તો, મોઢે ચોપડી દીધું હોત કે, ‘બડી, ઇટ્સ યાદવ, નોટ ઠાકર!’ આ તો આજકાલ પોલીટીકલ પ્રોબ્લેમ્સ જોતો હોઉં એટલે થયું કે હું કેટલો સહિષ્ણુ છું એ કહી દઉં! અને હા, આ ‘કાળિયા’ માં પણ તમે રેસિસ્ટ છો એવો આરોપ લગાવી શકું એ ખબર છે ને? અરે, અરે આ તો હું પણ ‘જસ્ટ કિડિંગ!’ ;)
બીજી એક વાત મારે તમને ઘણાં સમયથી કહેવાની હતી કે, આ તમે મારું અને રાધાનું નામ સાથે લો એ વાંધો નહીં પણ હવે અમારા નામે ફિલ્મો, ધારાવાહિકો બનાવો અને તેને આધારે લાગણીઓનાં મનફાવે તેવા નિદર્શન કરો એ વ્યાજબી નથી લાગતું. તમે લોકો તમારા જીવનને અમારા જીવન સાથે સરખાવો અને તેનાં અનુસરણને નામે કંઇક ભળતા કે અનૈતિક આચરણને યોગ્ય ઠેરવવાની કોશિશ કરો એ તો ન ચાલે. આઠ વર્ષનો હું અને તેર વર્ષની રાધા એ સમયે શું અનુભવતા હોઈશું એ તમે કેમ નક્કી કરી શકો? એ ઉંમરે પ્રેમ એટલે હેત (fond) શક્ય છે પણ પ્રેમને નામે તમે જે આસક્તિ (love)નું ચિત્રણ કરો છો એ તમને તાર્કિક લાગે છે? અને એ બીજા કોઈની પત્ની બની પછી તેણે મને એક વખત પણ મળવાની કોશિશ કરી નથી છતાં, તમારામાંથી ઘણાં આજે લગ્ન પછી અસંતોષ કે અભાવ વર્તાય અને જુનો કોઈ સંબંધ યાદ આવે તો અમારા ફોટોગ્રાફ્સ સ્ટેટસમાં મૂકી ફિલ્મી ગાયનો ચલાવે ત્યારે અમને પણ થોડી ચીઢ તો ચડે. આ તો તમે મારા પોતાના છો એટલે કહેવાય બાકી, ચલાવી જ લઈએ છીએ ને?
આજે વાત નીકળી જ છે તો, આ પણ કહી જ દઉં લ્યો ને.. આ મને ખુબ હોશિયાર, બુદ્ધિશાળી, ચતુર, શાણો, કાવતરાખોર, કંઇકને પાણી પાઈ દે એવો, વિચક્ષણ, ધૂર્ત, ચાલાક અને આવા જ અનેક વિશેષણો દ્વારા નવાજી અને મારા વિશેની દરેક વાર્તાઓનું મનમુજબ આંકલન કરતી વખતે તેનાં તથ્યો વિશે થોડો પણ વિચાર કરો કે નહીં? આ દરેક અને તેનાં જેવા જ બીજા અનેક વિશેષણ મળે એ પ્રકારનાં કાર્યો કર્યા છે તેની ના નથી પણ, એ દરેક કામ એ સમયે જરૂરી કે અનિવાર્ય હતા એટલે કર્યા છે એ તમારે સમજવાની જરૂર છે. અને એ દરેક કામની મારે શું કિંમત ચૂકવવી પડી છે એનો હિસાબ તો તમે ક્યાંથી કરી શકવાના? કોઈ બીજાનાં ભાગનાં નિર્ણય આપણે લેવા પડે ત્યારે શું થાય ખબર છે? પહેલા તો પાચનશક્તિમાં ગાબડાં પડી જાય છે! (મને ખબર છે કે તમને ભગવાન પાસેથી આવું સાંભળવાની આશા કે અપેક્ષા ન જ હોય, પણ હું પહેલાથી માણસ જ હતો અને છું એ તમારે પણ યાદ રાખવું રહ્યું) મેં વિદુરજીને ત્યાં ભાજી ખાધી એ પ્રસંગને તમે ખુબ મહાન ગણી વર્ણવો અને સમજો છો પણ, તમને એકા’દ વખત એમ વિચાર ન આવ્યો કે મને તીખા-તળેલા વ્યંજનો પચતાં નહીં હોય એટલે કદાચ મેં આમ કર્યું હશે. કુરુક્ષેત્ર જેવું વિનાશકારી યુદ્ધ માથે મંડરાતું હોય અને એ થશે કે નહીં તેની સંપૂર્ણ જવાબદારી તમારી હોય ત્યારે ભલભલાને ગેસ્ટ્રાઈટીસ થઇ જાય! પણ, પહેલેથી જ મારા મહામાનવ હોવા વિશેનાં જ કિસ્સાઓ સંભળાવવામાં આવ્યા છે એટલે આવો વિચાર તો સ્વાભાવિક રીતે તમને ન જ આવે. આમ પણ આ બધું ઓફ ધ રેકોર્ડઝ હોય એટલે તમને ક્યાંથી ખબર હોય? અહીં તો આ લખી રહેલી સ્ત્રી અનુભવે આ વાત સારી રીતે સમજે છે એટલે ઉલ્લેખ થયો બાકી તો જય શ્રી કૃષ્ણ જ સમજવાનું… ? ?
છેલ્લા ઘણાં સમયથી મેં નોધ્યું છે કે મને દુઃખી, હતાશ, પીડિત બતાવીને અથવા તો મારે નામે સતત નીતિબોધની વાતો કરીને ઘણાં સર્જનાત્મક લોકો ગુજરાન ચલાવી રહ્યા છે. એ સમજી શકાય તેવી વાત છે પણ, સર્જનાત્મક પ્રયોગો કે સર્જનાત્મક સ્વતંત્રતાને નામે કંઈ પણ એલ-ફેલ ન ચલાવી શકાય ને? અરે ભાઈ, મને દુઃખી કે હતાશ બતાવતા પહેલા થોડો વિચાર તો કરો… મને મનુષ્ય દર્શાવવા માટે જરૂરી નથી કે નકારાત્મક લાગણીઓનો સહારો જ લેવો. જો તમે એમ માનતા હો કે ‘ભગવદ્ ગીતા’ મેં કહી છે તો, હું નિરાશ થઉં ખરો? મેં મારા જીવનકાળમાં જે અને જેટલું જરૂરી હતું એ અને એટલું જ કર્યું છે એ તમારે માનવું જ રહ્યું. શબ્દોનું ચયન પણ જો હું બહુ વિચારપૂર્વક કરતો હોઉં તો, શું મેં લાગણીઓનાં ચયનનો ખ્યાલ નહીં રાખ્યો હોય? આ તો આજે રૂબરૂ આવ્યો છું એટલે કહું છું બાકી, મેં તમને પહેલા પણ હૃદયપૂર્વક સ્વીકાર્યા છે અને આગળ પણ સ્વીકારતો જ રહીશ.
મનુષ્ય તરીકે મારું જીવન આપની સમક્ષ એક ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીને ગયા છે આપનાં પૂર્વજો. પણ, એમાંથી તમને ગમતો આયામ જ પસંદ કરીને તેને મારું સંપૂર્ણ વ્યક્તિત્વ આંકી લો એ તમારી ભૂલ છે. કૃષ્ણ તરીકે હું વિશાળ, વિસંગત, અજેય, અતૂલ્ય, પૂર્ણ, સત્ય, બોધ અને શક્યતા ચોક્કસ છું છતાં એક મનુષ્ય તરીકે હું વધારે ગ્રાહ્ય છું. તો, સાચું કહું તો આજનાં સંદર્ભમાં હું કે. વી. યાદવ તરીકે સ્વીકાર્ય બનું એ વધુ યોગ્ય છે કેમકે, સમય બદલાયો છે સાથે જ જીવન, તેનો અર્થ, જીવવાનાં તૌર તરીકા, પરિસ્થિતિઓ, નીતિમત્તાનાં ધોરણો આ બધા જ આયામો બદલાયા છે. તો આવામાં મારા એ સમયનાં જીવનને આદર્શ ગણી, તેનું અક્ષરસઃ અનુસરણ કદાચ જ યથાર્થ ઠરે.
મેં મારા સમયમાં આપ સૌને માટે માર્ગદર્શક તરીકે ‘ભગવદ્ ગીતા’ આપી જ દીધેલી કે, કોઈ પણ કાળખંડનાં પરિપ્રેક્ષ્યમાં એ સનાતન સત્ય છે અને રહેશે. પણ, તમે સૌએ સાથે મળી તેને એક જ ધર્મ પૂરતી સીમિત કરી નાખી. મારા સમગ્ર અસ્તિત્વનું પ્રમાણ અને તમને આજીવન રસ્તો દેખાડી શકે એવા ભોમિયાને તમે માત્ર અદાલતોમાં આરોપીઓનાં સોગંધનામા માટે ઉપયોગમાં લો છો. અને પછી મારા ‘કહેવાતા ઘર’ સુધી લાંબા થાઓ અને ફરિયાદો, આજીજીઓ, પ્રાર્થનાઓ વગેરે બધું ત્યાં જ મુકીને નીકળી જાઓ અને આશા રાખો કે હું તમારું જીવન સુધારું તો તમે જ કહો એ શક્ય છે? મેં હંમેશા કહ્યું છે કે જીવન તમારું છે તો જીવવાનું પણ તમારે જ છે. જીવવાનો માર્ગ હું જરૂર ચીંધી શકું પણ તેના પર ચાલવું તો તમારે જ પડશે. આ વાત સદીઓ પહેલાએ સાચી હતી અને એ આજે પણ એટલી જ સાચી છે.
તો, આજે મારો જન્મદિન ઉજવીએ છીએ ત્યારે હું તમારી પાસે કંઈ માગું? ગીફ્ટ તરીકે મને મનુષ્ય તરીકે એક જવાબદાર, ગૌરવપૂર્ણ અને કર્મઠ જીવન જીવવાનું વચન આપશો? અહીં છો ત્યાં સુધીનો માર્ગ તમારે જાતે જ ફેડવાનો છે. તમને પ્રેરિત કરવા, હિંમત આપવા કે ક્યારેક હારતા હો એમ અનુભવો ત્યારે ખભો કે હાથ આપવા હું અહીં જ છું પરંતુ, મારે આ જોઈએ!, પેલું કરી દે!, આવું કેમ? કે પછી રીઝલ્ટ, એડમિશન, સગાઇ, લગ્ન, દીકરો, સમૃદ્ધિ, દીર્ઘાયુ આ બધી માંગણીઓથી મને બાકાત રાખો તો કેવું?
અને હા આ છેલ્લી પણ ખુબ મહત્વની વાત કે આ વખતે દુનિયાને યુદ્ધ સુધી દોરી જતા હો તો એ તમારી અને માત્ર તમારી જવાબદારી અને ત્રેવડ મુજબ કરજો કેમકે, મેં કુરુક્ષેત્ર કર્યા બાદ દરેક યુદ્ધક્ષેત્રમાંથી સન્યાસ લઇ લીધો છે. તો, મારી રાહ જોઇને બેસી ન રહેશો, હું નહીં જ આવી શકું! એના માટે એડવાન્સમાં સોરી!! (કૃષ્ણ તરીકે કહું એટલે માત્ર હિન્દુઓને જ લાગૂ પડશે એમ સમજવાની ભૂલ ન કરશો… હું પહેલા પણ સમગ્ર માનવજાતિ માટે કહી ગયો છું અને આજે પણ તમારામાંના દરેકને સંબોધીને જ કહું છું જે સ્હેજ! )
છેલ્લે ફરીથી એકવખત મારા જન્મદિવસને આટલો ખાસ બનાવવા માટે થેંક યુ! અને હા, હવે આ ડેરીનાં દૂધના સફેદ માખણ અને મીસરી ધર્યા કરવાને બદલે કંઇક હેલ્ધી ન ધરી શકો? આ તો જસ્ટ કહું છું.. J J J
તો, હું કૃષ્ણ ઉર્ફે કે.વી. યાદવ રજા લઉં? મળીએ ફરી કોઈ દિવસ શાંતિથી…